Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

ચાલ… ‘મન’… બીજાને ગમતું પણ કરીએ…
બાળપણની સમજ સમજતા… માતા-પિતા-કુટુંબીજનોના લાડકોડમાં ઘણું ઘણું ગમતું કર્યું.. જીદ પણ કરી.. હઠાગ્રહ વધુ વધુ કર્યો.. જીવન જીવવાની ક્ષણોમાં.. તક જ્યાં જ્યાં મળી, ગમતું જ કર્યું… ‘મન’ ટેવાઈ ગયું… મનગમતું જ પોતાને ખુદને જે કરાવે… પણ સુખ તો બધામાં વહેંચવાથી.. વધે ખૂબ ખૂબ વધે.. તો જીવન જીવવાની રહેલી બાકી ક્ષણોમાં બીજાને ગમતું કરીએ… માતા-પિતા ઝંખે છે.. ઘડી બે ઘડી પડખે તેમના બેસી ખબર પૂછવાની યાદ.. રાખો તમારી સફળતામાં.. હરખના અશ્રુઓ તેઓ જ પ્રથમ વહેવડાવશે…
કોઈક મુશ્કેલીની ઘડીઓમાં.. અનુભવનું અમૃતરૂપી જ્ઞાન પૂરું તેઓ જ પાડશે…
જીવનમાં જીવતા બધા જ બંધાયેલા સંબંધો.. ઈચ્છે છે કે…
તેઓની ખુશી ખાતર.. મનગમતું તેઓનું કરીએ…
જગતમાં બે ઉચ્ચારથી જ.. વાર્તાલાપ કે સંબંધો શરૂ થાય છે.
એક તમે કેમ છો?.. મજામાં? બીજો આભાર. ખૂબ ખૂબ આભાર…
સામો થાય આગ તો થાજે તું પાણી.. જીવનની ફિલસૂફી…
જીવનમંત્ર બની વિજયી.. સુખી બનાવી.. નવજીવન બક્ષે છે…
સફળતાનો મદાર પણ… વ્યવહાર પર નિર્ભર છે. તો પછી રાહ શેની જોવાની(?)… ચાલો… ‘મન’ને તૈયાર કરી… બીજાને ગમતું પણ કરીએ… ટેવ પડી જશે. ‘મન’ ટેવાઈ જશે.. વાહ! કેવી જીવનશાંતિની પ્રાપ્તિ.. ગમતું બધાને તેવું કરીએ.
– શ્રી હર્ષદ દડિયા (શ્રીહર્ષ)

પરીક્ષા પેપરફોડુઓની ગેરરીતિ સદંતર ડામવા કાર્યવાહીની ભીતર…!?
ગુજરાત રાજ્યમાં પેપર લીક માટે ષડ્યંત્ર રચનાર સામે ‘ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવાં કડક પગલાં લઈ, ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત ન કરે’ તેવો દેશભરમાં દાખલો બેસે તેવી કડકતમ કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરેલ છે.
નવીનતમ કાયદામાં પેપર લીક ગુનામાં ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને એક કરોડ રૂપિયા સુુધીની દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ વિધયેક લાવવા પાછળના મુખ્ય હેતુઓ: ભૂતકાળમાં બનેલ આ પ્રકારના બનાવોમાં સરકારશ્રીએ ગુનાઓ દાખલ કરેલ છે. અપિતુ આવા બનાવોમાં ગુનાઓ દાખલ કરવામાં કાયદાકીય આંટીઘૂંટી હોઈ ગુનાઓ સાબિત થાય તો પણ તેમાં સજા ઓછી હોય છે.
અમારા સાલસ મતાનુસાર ઉપયુક્ત કારણ માટે દેશભરમાં દાખલો બેસાડવા કડક કાર્યવાહી અમલમાં આણવા માટે અમે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજીને અભિનંદનનો પુષ્પહાર અર્પણ કરીએ છીએ.
કે. પી. બારોટ ‘નીલેશ’, અંધેરી-મુંબઈ.

બળદગાડાનું અર્થશાસ્ત્ર
દેશની સમસ્યાનો ઉકેલ સ્માર્ટ સિટી – બુલેટ ટ્રેન – સુપર કૉમ્પ્યુટર કે મુંબઈને શાંઘાઈ – ગુજરાતને દક્ષિણ કોરિયા કે ભારતનું વિદેશીકરણ કરવાથી નહીં આવે પણ ભારતને ભારત બનાવવાથી સળગતી સમસ્યાઓનો સચોટ અને કાયમી ઉકેલ આવી શકે.આજે વાતો ગાંધીવાદની કરવાની અને આચરણ એનાથી તદ્દન વિરુદ્ધનું! ધરતી અને દરિયાતળેનું તમામ ક્રૂડ ઉલેચી નાખ્યા પછીયે આપણે પરદેશથી ખનિજ તેલની આયાત કરવી પડે છે.પેટ્રોલિયમ પ્રોડક્ટસના ભાવવધારાથી મોંઘવારી સહિત દરેક રીતે પ્રજાનું જીવન અસહ્ય કઠિન બની રહ્યું છે, ત્યારે આ કહેવાતું જુનવાણી બળદગાડું મહત્ત્વનો રોલ ભજવી શકે – ફરજ અદા કરી શકે.
બળદગાડાના અમૂલ્ય યોગદાનને જરીપુરાણામાં ખપાવી ભારતની પ્રજાના માનસમાંથી ભૂંસી નાખવામાં આવી રહ્યું છે. ખરેખર તો બળદગાડું ખેડૂતોનું જ નહીં ભારતીય અર્થતંત્રની જીવાદોરી સમાન છે.ભારતે સુપરસોનિક જેટયુગ અને અત્યંત આધુનિક યુગમાં પ્રવેશવા સાથે ગાડાયુગના મહત્ત્વને ઓછું આંકવા જેવું તો નથી જ. જ્યારે ખનિજ તેલ તથા ગૅસના ભંડારો ખૂટી જશે ત્યારે મારુતિ થાઉઝન્ડ – પદ્મિની – રોલ્સરોય – મર્સિડિઝ કે બીએમડબ્લ્યુના બદલે બળદગાડાનું મહત્ત્વ સમજાશે.બળદગાડું અને સાઈકલ તદ્દન નિર્દોષ વાહનો છે. બળદગાડાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન છે. પ્રદૂષણ અને પર્યાવરણનો સચોટ ઉકેલ આ નિર્દોષ બળદગાડું છે. આધુનિક ટેક્નોલોજીની ક્રાન્તિ પછી પણ બળદગાડું જીવતું હશે – ધબકતું હશે તો પ્રજાનું જીવન ધબકતું રહેશે. આમ બળદગાડાને પછાત કહેનારા પોતે જ પછાત હોય એમ નથી લાગતું?ખેડૂતોનાં દેવાં માફ કરવાના થાગડ-થીંગડ પગલાં લેવાના બદલે એ ખેડૂતોને બે બળદની જોડી આપવામાં આવે તો હળથી ખેતી થાય અને ગાડું ચલાવવા માટે પણ એ જ બે બળદનો ઉપયોગ થઈ શકે. ગ્રામીણ ખેડૂતોના આપઘાતો પણ આથી ટાળી શકાય. સરકારે (બૅંકોએ) પેટ્રોલ – ડીઝલનાં વાહનો માટેની લોનો બંધ કરી ગાડા ખરીદવા લોન આપવી જોઈએ અથવા પેટ્રોલ – ડીઝલનાં વાહનો માટે બૅંકો ચિક્કાર લોનો આપે છે તો ગાડાં અને બળદ ખરીદવા શા માટે નહીં?
સેવંતી મ. સંઘવી (થરાદ), અંધેરી પૂર્વ.

રાજકીય ટિપ્પણી
મોદી અટક ધરાવતી વ્યક્તિઓ ઉપર ટિપ્પણી કરી રાહુલ ગાંધીએ વિવાદનો મધપૂડો છંછેડયો છે. સન ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલ નિવેદનથી હોબાળો મચી ગયો. ઓબીસી (મોદી) સમાજની માનહાનિ બદલ મુકદમા પણ થયો. સામાન્ય જનતાની જાણ પ્રમાણે મોદી ફકત અટક જ છે, જે જૈન/વૈષ્ણવ વણિક, પારસી વગેરે સમાજ ઉપરાંત તેલી/ઘાંચી કોમમાં વપરાય છે. તો મોદી સમાજ કેવી રીતે ગણાય? તેવો સ્વભાવ સામાન્ય સમજ પ્રમાણે જાગે. એમ તો પટેલ અટક પાટીદાર ઉપરાંત કોળી સમાજ, સોલંકી – વાઘેલા જેવી અટક રાજપૂત ઉપરાંત સામાજિક પછાત સમાજ દ્વારા પણ વપરાય છે. યાદવ/જાદવ અટક પણ યાદવ-/આહીર સમાજમાં વપરાતી હોય છે. આવી કદાચ અનેક અટકો અન્ય સમાજ દ્વારા વપરાતી હોય તો તેવી અટકો વિષે ઘસાતું બોલવું તેને આખા સમાજનું અવમાન ગણાશે? આવું થશે તો દેશભરની અદાલતો આવા ખટલાથી ઊભરાઈ જઈ શકશે. સરકાર તથા અદાલતો આ બાબત લક્ષમાં લઈ યોગ્ય કરે તે જરૂરી જણાય છે.
– મહેન્દ્ર જી. ઓઝા, માટુંગા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -