તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક
વારંવાર એન્ટિબાયોટિક્સ લેવાથી ઇન્ફલમેટરી બાઉઅલ ડિસિઝ થવાની એટલે કે આંતરડામાં સોજા આવવાની બીમારીની સંભાવના વધી જાય છે. ખાસ કરીને ચાળીસ વર્ષની ઉંમરથી વધુ વયની વ્યક્તિઓ વધુ પડતી એન્ટિબાયોટિક્સનું સેવન કરે તો કોહન્સ ડિસિઝ એટલે કે આંતરડાંની બીમારી જેને કારણે જુલાબ થવા, તાવ આવવો, પેટમાં દર્દ અથવા વીંટ આવવી, ઝાડામાં લોહી પડવું, મોઢામાં ચાંદા પડવા જેવી તકલીફો થઈ શકે છે. આવું ‘ગટ’ નામના મેડિકલ જનરલમાં એક અભ્યાસ બાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ અભ્યાસ સાઠ લાખ ડેનિશ નાગરિકો પર કરવામાં આવ્યો હતો જેમાં દસ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓને સામેલ કરવામાં આવી હતી. જે વ્યક્તિઓએ એન્ટિબાયોટિક્સના કોર્સ કર્યા હતા તેવી વ્યક્તિઓ પછી તે ગમે તે ઉંમરની હોય તેમનામાં આંતરડાંના રોગ થવાનું જોખમ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.
ઘણાં લોકો શરદી-ઉધરસ કે આવી અન્ય કોઈ બીમારી થાય તો જાતે જ એન્ટિબાયોટિક્સનો કોર્સ કરી લે છે. જો કે, ઘણા ડૉક્ટરો પણ પોતના પેશન્ટને રોગનાં લક્ષણોમાં તાત્કાલિક રાહત મળે એ માટે દરેક મામૂલી બીમારીમાં પણ એન્ટિબાયોટિક્સનો ત્રણ, પાંચ દિવસનો કે અઠવાડિયાનો કોર્સ લખી આપે છે.
આ અભ્યાસમાં એવું તારણ આવ્યું છે કે એન્ટિબાયોટિક્સ દવાના દરેક કોર્સ સાથે આંતરડાંની બીમારી થવાની સંભાવના કાળેક્રમે ૧૧ ટકા, ૧૫ ટકા અને ૧૪ ટકા એમ જોખમ વધતું રહે છે. સરળ શબ્દોમાં કહીએ નુકસાન પહોંચવાની સંભાવના ૯૫% જેટલી રહે છે.
આ અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આંતરડાંના ઇન્ફેક્શનની દવા તરીકે જે ખાસ પ્રકારની એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે એ જ આંતરડાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
એન્ટિબાયોટિક્સના વારંવાર કરવામાં આવતા કોર્સને કારણે આંતરડાંઓની લવચીકતા પણ અસર થાય છે.
આ અભ્યાસના તારણ પછી એવું સૂચન કરવામાં આવ્યું છે કે અનિવાર્ય ન હોય એવા સંજોગોમાં દરેક વખતે જ્યારે આપણે એન્ટિબાયોટિક્સનો કોર્સ કરીએ છીએ. આપણે પોતાના આંતરડાંઓને વધુને વધુ નુકસાન પહોંચાડતા હોઈએ છીએ.
અભ્યાસ તો કહે છે કે જો દસથી ચાળીસ વર્ષની ઉંમરની વ્યક્તિએ જિંદગીમાં પાંચ કે એથી વધુ વખત એન્ટિબાયોટિક્સનો કોર્સ કર્યો હોય તેમનામાં આંતરડાંને નુકસાન પહોંચવાનું જોખમ ૬૯% જેટલું હોય છે. જો વ્યક્તિની ઉંમર ચાળીસ વર્ષથી વધુની હોય તો આ જોખમ બમણું થઈ જાય છે. એમાં પણ જો વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તો તેના આંતરડાંને એન્ટિબાયોટિક્સ દવાઓ ડૉક્ટરોએ પ્રિસ્ક્રાઈમ કરવાનું ટાળવું જોઈએ.
મેડાન્ટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડાયજેસ્ટિવ એન્ડ હેપેટોબિલિયરી સાયન્સિઝના ચેરમેન ડૉ. રણધીર સુદ કહે છે કે “ભારતમાં એન્ટિબાયોટિક્સનો વપરાશ વધુ પડતો થાય છે. આ સંજોગોમાં આપણે ત્યાં ઈન્ફ્લેમેટરી બાઉઅલ ડિસિઝના અઢળક કેસ હોત. આ પ્રકારની બીમારી થવાનાં કારણો એન્ટિબાયોટિક્સ સિવાય બીજા પણ હોઈ શકે છે. જો કે ડૉ. રણધીર સુદ એ વાત તો સ્વીકારે જ છે કે એન્ટિબાયોટિક્સનો વધુ પડતો વપરાશ નુકસાનકારક તો છે જ અને શક્ય હોય ત્યાં સુધી ડૉક્ટરોએ એન્ટિબાયોટ્કિસ આપવાનું ટાળવું જોઈએ અને પ્રિસ્ક્રીપ્શન વિના એન્ટિબાયોટિક્સ તો લેવા જ ન જોઈએ.
સામાન્યપણે જુલાબની તકલીફ થાય તો મોટા ભાગના ડૉક્ટરો તરત જ એન્ટિબાયોટિક્સનો કોર્સ લખી આપે છે. જ્યારે ડૉ. સુદ કહે છે કે, “જુલાબ થયા હોય એવા નેવું ટકા દર્દીઓને એન્ટિબાયોટિક્સ લેવાની જરૂર જ નથી હોતી. મોટા ભાગના કિસ્સાઓમાં તો પૂરતી માત્રામાં પ્રવાહી લેવામાં આવે તો પણ પૂરતું થઈ જાય છે. એ જ રીતે છાતીમાં ઈન્ફેક્શન થયું હોય અને તાવ આવતો હોય ત્યારે મોટાભાગે વાઇરલ ઇન્ફેક્શન થયું હોય ત્યારે એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરવાની જરૂર જ નથી હોતી.
તેમ છતાં, ભારતમાં નાની-મોટી તકલીફો માટે એન્ટિબાયોટિક્સ જ ઠઠાડી લેવામાં આવે છે અને પૂરતી જાણકારી ન ધરાવતા દર્દીઓ એન્ટિબાયોટિક્સની કેપ્સ્યૂલ કે ટીકડીઓ ગળતાં રહે છે જે મોટા ભાગે રોગની સારવાર બનવાને બદલે નવી તકલીફો વધારે છે અને દવા જ લાંબા સમયે દર્દ બની જાય છે.
કેટલાંક ડૉક્ટરોનું માનવું છે કે એન્ટિબાયોટિક્સના આ વધુ પડતા વપરાશ અંગે સરકારે જ સામાન્ય જનતાને જાગૃત કરવી જોઈએ જેથી ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે તો પણ દર્દીઓ એ અંગે પૂછપરછ કરીને એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી કોર્સ કરવાનું ટાળી શકે. ઉ