તન-દુરસ્તી મન-દુરસ્તી – ઉર્મિલ પંડ્યા
વધતી જતી શોધખોળો સાથે આપણે વધુને વધુ આધુનિક થતાં જઇએ છીએ પણ તેની સાથે સાથે બીમારીઓ પણ વધતી જાય તો જરૂર ચેતવા જેવું છે.
એક સમયે પુરુષ હોય કે મહિલાઓ તેમની અનેક રોજિંદી પ્રવૃત્તિઓ જમીન પર બેસીને કરતાં હતાં. આજે ઘર હોય કે ઑફિસ, ભોજન હોય કે ભજન દરેક જગ્યાએ દરેક પ્રવૃત્તિ બેસીને કરવાની વૃત્તિ ઓછી થતી જાય છે.
આજે ભાગ્યે જ તમને એવું ઘર જોવા મળે જ્યાં ઊભા રસોડા ન હોય. આ રસોડામાં મહિલાઓ ઊભા ઊભા રસોઇ કરે એ આગળ જતાં અનેક શારીરિક સમસ્યાઓ ઊભી કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એક જ સ્થિતિમાં કોઇ વ્યક્તિ અડધા કલાકથી વધુ ઊભી રહે તો શરીરનું રૂધિરાભિસરણતંત્ર તેમ જ શરીરના સાંધા પર ખરાબ અસર થાય છે. લાંબો સમય ઊભા ઊભા પ્રવૃત્તિઓ કરવાથી વેરિકોઝ વેઇન, સાંધાના દુખાવા, સાંધાનું ઝકડાઇ જવું, સ્નાયુઓની લવચીકતા ઓછી થવી , પગમાં સોજા આવવા, શરીરમાં સાકર ઓછી થવી વિગેરે અનેક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
એક જ સ્થળે એક જ સ્થિતિમાં રસોઇ કરવી, ચા-નાસ્તા કરવા, વાસણો ધોવા જેવી પ્રવૃત્તિઓ ગણીએ તો મહિલાઓ દિવસમાં ચારથી પાંચ કલાક તો ઓછામાં ઓછા રસોડામાં ગાળતી હશે. ઊભા રસોડાની ઊંચાઇ અઢીથી ત્રણ ફૂટ ગણીએ અને તેની પર સ્ટવ કે ગેસની અને વાસણની ઊંચાઇ ઉમેરીએ તો મહિલાને તે સમયમાં આગળ તરફ ઝૂકવાનો પ્રશ્ર્ન જ નથી આવતો. એક જ સીધાઇમાં એ સઘળા કામ કરી શકે છે. ઘણી મહિલાઓ કપડાની ઇસ્ત્રી પણ ઊભા ઊભા કરવાનું પસંદ કરે છે. આ દરેક પ્રવૃત્તિઓમાં શરીરનું પૂરું વજન કમર, પગ અને ઘૂંટી પર ભાર આપે છે. આ સંજોગોમાં મહિલાઓને કમર અને પગની ભાત ભાતની સમસ્યા ન નડે તો જ નવાઇ.
નીચે બેસીને રસોઇ કે અન્ય ઘરકામ કરતી વખતે શરીર આગળ પાછળ થાય છે. પેટ અને કમરને યોગ્ય કસરત મળે છે. તેની લવચીકતા વધે છે.પાચન શક્તિ વધે છે. પગને આરામ મળે છે. આપણી પલાંઠી વાળવાની ટેવ ભુલાતી નથી. પલાંઠી વાળવાથી શરીરને જે ફાયદા થાય છે તે તમામ ફાયદા બેસીને રસોઇ કરવાથી મહિલાઓને થાય છે.
એક આયુર્વેદના નિષ્ણાત (એમ.ડી.) ડૉક્ટર જણાવે છે કે આ સ્થિતિમાં એક પગ ક્રોસ પોઝિશનમાં જમીનને અડકતો અને અને બીજો પગ પેટને અડકેલો રહેતો હતો. આ એક સ્ટ્રેચિંગ એક્ટિવિટી છે. દિવસમાં ત્રણથી ચાર વખત આ પોઝિશનમાં રહેવાથી તેમનું પેટ વધતું ન હતું અને શરીર પણ સુડોળ રહેતું હતું. લોઅર બૅક પેઇનની તકલીફ પણ નહોતી સતાવતી. આપણા હાથપગમાંથી વાઇબ્રેશનને કારણે સતત ઊર્જા બહાર નીકળતી હોય છે. હૃદયમાંથી નીકળતું લોહી હાથ-પગના ટેરવા સાથે અથડાઇને પાછું ફરતું હોય ત્યારે આવું થતું હોય છે. ઊભા ઊભા કામ કરવાથી પગના અંગૂઠામાંથી નીકળતી ઊર્જા જમીનમાં વેડફાઇ જાય છે જ્યારે પલાઠી વાળીને બેસવાથી પગના અંગૂઠાનો શરીર સાથે સંપર્ક થાય છે. શરીરમાંથી બહાર નીકળતી ઊર્જા શરીરને પાછી મળે છે. શરીરની નાની મોટી બીમારીનું સમારકામ પણ આ બોનસરૂપે મળેલી ઊર્જાથી થઇ જાય છે. શરીરમાં શક્તિની બચત થાય છે જેનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે. નીચે બેસીને પ્રવૃત્તિ કરવાથી આ પ્રવૃત્તિઓ દરમ્યાન બે ચાર વાર ઊઠવા-બેસવાનું થાય છે જેનાથી પણ પૂરા શરીરની યોગ્ય કસરત થાય છે. આ ઊઠબેસ આજની યુવા પેઢીને ગમતી નથી અથવા તો એ આજના યુગમાં આવી રીતે બેસવાનું આઉટ ઓફ ફેશન ગણે છે ત્યારે પ્રાચીન અને આધુનિક પદ્ધતિનો સમન્વય કરીને પણ શરીર અને મનને સ્વસ્થ રાખી શકાય. ચાલો આપણે જોઇએ કે કેવી રીતે આધુનિક સવલતોનો ઉપયોગ કરીને પણ સ્વસ્થ રહેવું.
૧- ઊભા રસોડા ભલે ઘરમાં હોય ક્યારેક બેસીને રસોઇ કરવાનો આનંદ માણો. તમને પોતાને ચેન્જ મળશે. આનંદ પણ થશે.
૨- શાકભાજી સમારવા કે લોટ બાંધવા જેવી પ્રવૃત્તિઓ જમીન પર કે ટેબલ-ખુરશી પર બેસીને કરી શકાય. જેથી શરીર, ખાસ કરીને કમર, હીપ્સ અને પગને એ દરમ્યાન આરામ મળે.
૩- રવિવાર કે રજાના દિવસે કુટુંબના પુરુષ સભ્યોએ પણ મહિલાઓના કામમાં મદદ કરવાની તૈયારી રાખવી જોઇએ.
૪-બની શકે તો વાર તહેવારે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ ટાળી જમીન પર કુંડાળા વાળીને ઘરના સભ્યોએ ભોજનનો આંનદ મેળવવો જોઇએ
૫- ઊભા રસોડામાં રસોઇ કરવાનું ચાલુ રાખવું હોય તો જ્યારે સમય મળે ત્યારે સુખાસન, પદ્માસન કે પવનમુક્તાસન જેવાં યોગાસનો અને અન્ય કસરતો કરવી જોઇએ. ઊભા રસોડામાં રસોઇ કરતી વખતે ફોરવર્ડ બેન્ડિંગ( આગળ વધવાનું) થતું નથી ત્યારે આ જાતની કસરત અને યોગાસન જરૂરી છે.
૬- નાનપણમાં શાળામાં કોઇ ભૂલ થાય તો શિક્ષકો વિદ્યાર્થીઓને કાન પકડીને ઊઠ-બેસ કરાવતા તે હકીકતમાં સજા ન હોતી પણ મજા હતી. આનાથી શરીરમાં લોહીનું સર્કયુલેશન વધી જતું. દરેક અંગ ઉપાંગોને યોગ્ય કસરત મળી રહેતી. તન-મનમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થતો રહેતો હતો.
ક્યારેક ક્યારેક નીચે બેસીને રાંધવાથી કે જમવાથી ઊઠ-બેસ વધી જશે તો એ તમારા શરીર માટે એક સારી કસરત જ બની રહેશે.ઉ