તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા
અંગદાન એ ખરેખર શ્રેષ્ઠ દાન છે. પહેલાં ૨૭મી નવેમ્બરે ભારતમાં અંગદાન દિવસ અર્થાત્ ઓર્ગન ડોનેશન ડે ઉજવાતો હતો પણ હવે ૧૩મી ઑગસ્ટે ઉજવાય છે. જોકે, અંગદાન દિવસ તો રોજેરોજ ઉજવવો જોઇએ.
આપણા દેશમાં આ અંગે જેટલી જાગૃતિ જોઇએ તેટલી આવતી નથી. ભારતમાં પ્રત્યેક દસલાખ વ્યક્તિએ લગભગ એક અંગદાન થાય છે જેની સરખામણીમાં સ્પેનમાં ૩૫થી ૪૦ અને અમેરિકામાં ૨૬થી ૩૦ અંગદાન થાય છે.
જો અંગદાન અંગે જાગૃતિ આવે તો એક મૃત વ્યક્તિનાં આઠ અંગોના દાન આઠ વ્યક્તિ માટે વરદાન સાબિત થઇ શકે છે. આંખ ઉપરાંત કિડની, લીવર, પેન્ક્રિઆઝ, ચામડી, આંતરડાં, હૃદય અને મગજ જેવાં અંગો તમે મૃત્યુ બાદ દાનમાં આપવાની પ્રતિજ્ઞા લઇ શકો છો અને તેના માટેના ફોર્મ પણ ભરીને સંતાનોને જણાવી શકો છો.
બોરીવલીમાં નવરાત્રિ દર વર્ષે ધૂમધામથી ઉજવાય છે પણ બોરીવલી મેડિકલ બ્રધરહૂડના ફાઉન્ડેશને નવરાત્રિનું આયોજન કરી અંગદાન અંગે જાગૃતિ ફેલાવી હતી. ઘણા ખેલૈયાઓએ તેમાં અંગદાનના ફોર્મ ભરીને આ આઇડિયાને વધાવી લીધો હતો. રક્તદાનની જેમ હવે અનેક સંસ્થાઓએ અંગદાન માટે પણ કામ કરવું જોઇએ.
ભારતમાં અંગદાનની જેમણે પ્રતિજ્ઞા લીધી છે તેવા રજિસ્ટર્ડ ઓર્ગન ડોનરની સંખ્યા ત્રણથી ચાર ટકા જ છે.
નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ ૫ લાખ લોકો યોગ્ય સમયે અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ન જાણે કેટલા લોકો અંગ દાન કરીને નવું જીવન આપી શકે છે. કિડની, હૃદય, આંખ, ફેફસા વગેરે અંગોનું દાન કરીને અનેક નિર્દોષ જીવો બચી જાય છે. ભારત સરકાર અવયવોનું દાન કરવા માટે લોકોને સતત જાગૃત કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વ્યક્તિ ૬૫ વર્ષની ઉંમર સુધી અંગોનું દાન કરી શકે છે.
અંગદાન ક્યારે શરૂ થયું?
વિશ્ર્વમાં પ્રથમ સફળ અંગદાન ૧૯૫૪ માં યુએસમાં કરવામાં આવ્યું હતું. રોનાલ્ડ લી હેરિક નામની વ્યક્તિએ વર્ષ ૧૯૫૪માં તેની એક કિડની તેના જોડિયા ભાઈને દાનમાં આપી હતી. પ્રથમ વખત તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ડૉ. જોસેફ મુરે દ્વારા કરવામાં આવ્યું હતું. જેના માટે ડૉ.જોસેફ મુરેને ૧૯૯૦માં ફિઝિયોલોજી-મેડિસિનનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન’નો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર રીતે બીમાર લોકોના જીવનને બચાવવાનો છે. અંગદાન વ્યક્તિનું જીવન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
મેડિકલ સાયન્સે અંગદાનના ક્ષેત્રમાં સુધારો કરીને ઘણી માન્યતાઓ દૂર કરી છે. હવે કોઈપણ વયની વ્યક્તિ પોતાનાં અંગોનું દાન કરી શકે છે. વર્તમાન સમયમાં લોકો અંગદાન વિશે ખૂબ જ જાગૃત થયા છે અને તેનું મહત્ત્વ સારી રીતે સમજી રહ્યા છે. તેથી જ તેનો સારો ઉપયોગ કરીને તેઓ પોતાનાં અંગોનું દાન કરી રહ્યા છે.
અંગદાન બે રીતે થાય છે
જીવતા અવયવોનું દાન, અંગ દાનના બે સ્વરૂપ છે, પ્રથમ સ્વરૂપમાં જીવંત વ્યક્તિ કિડની અને લિવરનો એક ભાગ દાન કરી શકે છે. માણસ એક કિડની વડે જીવિત રહી શકે છે અને યકૃત એ શરીરનું એકમાત્ર અંગ છે જે પોતાને પુન:જનન કરવા માટે જાણીતું છે. તેથી તમે જીવતા રહીને કોઈનો જીવ બચાવવા માટે આ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો.
મૃત્યુ પછી અંગદાન
મૃત્યુ પછી પણ અંગદાન કરવામાં આવે છે. ડૉક્ટરો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરાયેલ વ્યક્તિના અંગનું દાન કરવામાં આવે છે. મૃત શરીરનાં અવયવો જીવંત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. અંગ દાતાના મૃત્યુ બાદ તેના હૃદય, લીવર, કિડની, આંતરડા, ફેફસાં, આંખ અને સ્વાદુપિંડ જેવાં અંગો અન્ય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
અંગદાનના નિયમો
અંગદાન માટે કોઈપણ વ્યક્તિનું સ્વસ્થ રહેવું સૌથી જરૂરી છે. ડાયાબિટીસ, કિડની અથવા હૃદય રોગ, કેન્સર અને એચઆઈવી વગેરેથી પીડિત લોકોને જીવંત અંગોના દાનમાં બાકાત રાખી શકાય છે. બ્રેઈન ડેડ વ્યક્તિ એચઆઈવી, કેન્સર, ડાયાબિટીસ, કિડની અને હૃદયના રોગોથી પીડિત ન હોવી જોઈએ. કોઈપણ બીમાર વ્યક્તિ અંગ દાન કરી શકતી નથી. જે લોકો એચઆઈવી, કેન્સર જેવી બીમારીઓથી પીડિત છે તેઓ અંગોનું દાન કરી શકતા નથી.
તમે અંગદાન ક્યારે કરી શકો છો?
જેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હોય તેમના જન્મથી લઈને ૬૫ વર્ષની ઉંમર સુધી અંગ દાન કરી શકાય છે. બ્રેઈન ડેડ સાબિત થયા પછી કે મૃત્યુ પછી કેટલા કલાકમાં કયું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું તે પણ જાણવું જરૂરી છે.
કિડનીને એક વ્યક્તિના શરીરમાંથી કાઢ્યા પછી ૨૪થી ૩૬ કલાકમાં બીજી જરૂરિયાતવાળી વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. લીવર ૮ થી ૧૨ કલાકમાં, હાર્ટને ૪થી ૬ કલાકમાં, ફેફસાને ૬ કલાકમાં, સ્વાદુપિંડને ૨૪ કલાકમાં તેમ જ પેશીઓને પાંચ વર્ષમાં અન્ય શરીરમાં આરોપિત કરી દેવી પડે.
અંગદાન અંગેની અંધશ્રદ્ધા દૂર કરો
ભારતમાં અંગદાન અંગે જોઇએ એટલી જાગરૂકતા નથી આવી તેના કારણમાં કેટલીક માન્યતાઓ લોકોના મગજમાં
ઘર કરી ગઇ છે તે પણ છે. મૃત શરીરનો કોઇ પણ કાપકૂપ વગર નિકાલ કરવો જોઇએ તેવી ધાર્મિક માન્યતાને કારણે ઘણા લોકો અંગદાન માટે રાજી થતાં નથી. ઘણા લોકો તો તેમના સ્વજનના આકસ્મિક મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરાવવા પણ રાજી નથી હોતા તો અંગદાન તો દૂરની વાત થઇ ગઇ. તે લોકો એવું માનતા હોય છે કે જો શરીરમાંથી કોઇ અંગ કાઢી લઇએ તો
બીજા જનમમાં એ વ્યક્તિનો જન્મ સંબધિત અંગ વગર થાય છે. જેમ કે ચક્ષુદાન કરે તો તે વ્યક્તિ બીજા જન્મમાં અંધ તરીકે જન્મે.
આવી માન્યતાઓમાંથી બહાર આવવાની જરૂર છે. શાસ્ત્રોમાં અને ભારતીય તત્ત્વજ્ઞાનનો બોધ કરાવતા મહાન ગ્રંથ ભગવદ્ગીતામાં ચોખ્ખું જણાવ્યું છે કે મનુષ્યનું મોત થાય પછી આત્મા છૂટો પડે છે. શરીર આત્માની સાથે જતું નથી. શરીરનો નિકાલ તો પૃથ્વી પર રાખીને જ કરવો પડે છે. ચાહે તેને બાળો કે દાટો. મનુષ્યની પાંચે ઇન્દ્રિય આપણી નજર સમક્ષ જ રાખ થઇ જાય છે.
જે રીતે આપણે ફાટેલા વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ તે જ રીતે આત્મા ર્જીણશીર્ણ શરીર બદલીને નવા અંગઉપાંગોવાળુ શરીર ધારણ કરે છે. જે રીતે જૂના ફાટેલા વસ્ત્રોમાંથી અમુક કાપડ, દોરાધાગા, બટન-મોતી, જરીવર્ક કે બોર્ડર કાઢીને ઉપયોગમાં લેવાય છે એ જ રીતે મૃતદેહમાંથી અમુક અંગો કાઢીને, તેનો સદુપયોગ કરીને ઘણા યુવા લોકોને જીવતદાન આપી શકાય છે.
આવા કાર્યથી તો ઉલટાનું મરનારના આત્માને સદ્ગતિ મળી શકે છે. આપણા પુરાણોમાં પણ ગણપતિના મૂળ મસ્તકને બદલે હાથીનું મસ્તક આરોપિત કરવાનો ઉલ્લેખ છે જ. માટે ખોટી માન્યતાઓમાંથી બહાર આવીને અંગદાન માટે જેટલો પ્રચાર અને પ્રસાર કરી શકાય તેટલો કરવો જોઇએ. લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ.