તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા
‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી…’ પ્રસિદ્ધ ગાયક કિશોકકુમારે આ લોકપ્રિય ગીત ગાયુ છે જેમાં પ્રિયતમ પોતાની પ્રેયસીને એક તરફ અને નજીક આવવા માટે કહે છે જેથી તેની સાથે ખાનગી વાતો થઇ શકે. જોકે, આપણે અહીં ઓરી નામની ચેપી બીમારીની વાત કરવી છે જેને નજીક ન બોલાવાય પરંતુ દૂર જ રખાય.
જી હા એક તરફ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા તો ઓછી થતી જાય છે પણ સમસ્યા એ છે કે ઓરી નામની ખાસ કરીને બાળકોમાં વિષાણુઓ દ્વારા ફેલાતી અને ચેપ ફેલાવતી બીમારી વધતી જાય છે.
ગયા અઠવાડિયે મુંબઇના નળબજારમાં રહેતા એક વર્ષના બાળકનું ઓરીથી મૃત્યું થયું. તેની સાથે મૃતકોની સંખ્યા બે પર પહોંચી છે. મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ઓરીના સવાસોથી અધિક કેસ નોંધાઇ ચૂક્યા છે. આ ચેપની સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.આ રોગમાં બાળકોને શરીર પર લાલ ઝીણી અળાઇઓની ચાદર પથરાઇ હોય એવા રેશિસ દેખાય છે. સાથે તાવ, શરદી અને ઉધરસ પણ આવે છે. જોકે, આ ચેપથી દૂર રહેવામાં જ મજા છે. અને તેને માટે શું કરવું એ જરા જોઇ લઇએ.
રસીકરણ શ્રેષ્ઠ ઉપાય
પાલિકા દ્વારા આ રોગની સારવાર માટે, ૯થી ૧૬ વર્ષના બાળકોને વેક્સિન આપી દેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. પાલિકા કમિશનર ચહલે હાલમાં જ કહ્યું છે તે પ્રમાણે મુંબઇના અમુક વિસ્તારોમાં ઓગણીસ હજારથી પણ વધુ બાળકોએ ઓરીની વૅક્સિન ન લીધી હોવાનું જાણવામાં આવ્યું છે. પાલિકા આ બાળકોને શોધી રહી છે. તેમાંથી ૯૦૦ બાળકો ઓરીના શંકાસ્પદ કેસ છે.
આવા સંજોગોમાં દરેક માબાપની ફરજ છે કે જો કોઇ પણ બીમારીની રસી તેમના બાળકોને આપવાની હોય તો તત્કાળ સુધરાઇના આરોગ્ય ખાતાનો સંપર્ક કરી રસીકરણનું કામ પહેલાં પૂરું કરજો. રસી લીધેલા બાળકો પર જો આ રોગના વિષાણુઓનો હુમલો થાય તો પણ તેને ગંભીર કહી શકાય એવી અસરો થતી નથી.
ગેરસમજણ અને ખોટી માન્યતાઓમાંથી બહાર આવો
ઘણા લોકો ખાસ કરીને અશિક્ષિત અને કેટલાક કિસ્સાઓમાં શિક્ષિતો પણ એવી માન્યતા ધરાવે છે કે ઓરી એ કોઇ દેવીદેવતાના પ્રકોપથી થતો રોગ છે પરંતુ હાલના વિજ્ઞાન દ્વારા સાબિત થઇ ચૂક્યું છે કે આ એક પ્રકારના વિષાણુઓથી ફેલાતો ચેપી રોગ છે. ભારતમાં દર વર્ષે લાખો બાળકો ઓરી અંગે પ્રવર્તતી આવી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાને લીધે મૃત્યુ પામે છે. બીજી એક ગેરસમજણ એવી પણ છે કે ઓરી નમે નહીં ત્યાં સુધી દવાઓ લેવાય નહીં જ્યારે સાચી વાત તો એ છે કે આ બીમારીના વાયરસની રસી છે, પણ ચોકકસ દવા નથી. જોકે, ઓરીની સાથે જોવા મળતા અન્ય લક્ષણો જેમ કે ખંજવાળ, તાવ,શરદી, ઉધરસ વગેરેની દવાઓ લેવી જોઇએ જેથી આ બીમારીનો હુમલો હળવો બને.
સમયસર સારવાર ન મળે અને ઓરીના વિષાણુઓ આખા શરીરમાં પ્રસરે તો મગજ, હૃદય અને યકૃત જેવા શરીરના અંગોને મોટું નુકસાન પહોંચી શકે છે. બાળકોને કાયમી ખોડ કે બાળમૃત્યુ પણ થઇ શકે છે એટલે સમયસર જીવન રક્ષક દવાઓ લેવી જોઇએ.
ઘણા લોકો એમ માને છે કે આ રોગ વધુ પડતી ગરમીને કારણે થાય છે પણ તેમણે સમજી લેવું જોઇએ કે ગરમીને કારણે થતી અળાઇ અને આ બીમારીમાં થતી રેશિઝ વચ્ચે ઘણો ફેર છે. હાલ નવેમ્બર મહિનાની ઠંડીની મોસમ ચાલુ છે ત્યારે પણ આ બીમારી વધી છે તે દર્શાવે છે કે આ બીમારી ગરમીને કારણે નહીં, પણ વિષાણુને કારણે થાય છે. બાળકને ગરમીથી બચાવવા અને શીતળ રાખવા આવી બીમારીઓને શીતળામાના કોપનું નામ આપીને આપણે ઘણા બાળકો ગુમાવ્યા છે. આખરે શીતળાની રસી શોધાઇ અને અપાઇ ત્યાર બાદ જ આ બીમારી પર નિયંત્રણ આવ્યું છે. આવી બીમારીને માતાજીનું નામ આપીને આપણે સમયસર દવા નહીં કરીએ તો આપણા જ બાળકોએ ભોગવવું પડશે. એ સાચું કે ભૂતકાળમાં જ્યારે પૂરતી દવા કે રસી નહોતી શોધાઇ ત્યારે માણસો અજ્ઞાનને કારણે આવા વ્હેમમાં ફસાયા હતા, પણ હવે આજના શિક્ષિત અને વિજ્ઞાનયુગમાં આવી માન્યતાઓને તિલાંજલિ આપવી જ પડશે.