ચિપ્સનું પેકેટ, બિસ્કીટનું પેકેટ કે માત્ર ભુજિયાનું પેકેટ… આટલું ખાધા પછી તમે વિચારશો કે તમે શું ખાધું છે કંઈ નહીં. પણ તમે કદાચ નહીં જાણતા હોવ કે આ પેકેટ તમારી આવરદા ઘટાડી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે અને આ અહેવાલ ટ્રાન્સ ફેટ વિશેનો છે. આ રિપોર્ટ અનુસાર ટ્રાન્સ ફેટ ખાવાને કારણે દર વર્ષે 5 લાખ લોકો અકાળે કાળનો કોળિયો બની જાય છે.
પહેલાં તો જાણી લઈએ કે આખરે આ ટ્રાન્સ ફેટ શું છે? જો સાવ સીધી અને બોલચાલની ભાષામાં સમજાવવાનું થાય તો આ ટ્રાન્સ ફેટ તમારી મનપસંદ જ ચિપ્સ, બર્ગર, કેક અથવા બિસ્કિટમાં અથવા નાસ્તાના પેકેટમાંથી જ તમને મળે છે. દરેક પેક્ડ ફૂડ જે એક્સપાયટી ડેટ્સ સાથે આવે છે. આ ફૂડની મર્યાદા થોડા દિવસોથી લઈને થોડાકા મહિનાઓ સુધીની હોય છે. આવા ફૂડમાં ટ્રાન્સ ફેટ હોય જ છે.
ટ્રાન્સ ફેટ શું છે એ જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કઈ રીતે આ ટ્રાન્સ ફેટ તમારા આરોગ્ય અને આવરદાને નુકસાન પહોંચાડે છે. ટ્રાન્સ ફેટ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. સૌથી જોખમી વાત તો એ છે કે ટ્રાન્સ ફેટનું વધારે પડતું સેવન કરવાને કારણે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે શરીરમાં હાજર આવશ્યક ચરબી પણ બેડ કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ કરે છે.
ભારતીયોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ છેલ્લાં કેટલાક દિવસથી વધવા લાગ્યું છે એમાં આ ટ્રાન્સ ફેટની મહત્ત્વની ભૂમિકા છે. આપણે બજારમાંથી ઘણી વખત તળેલા સમોસાં, વડાપાંઉ, કે પછી તૈયાર મળતા નાસ્તા કે ચિપ્સનું સેવન કર્યું છે. આ ઉપરાંત બર્ગર કે પિઝામાં ટ્રાન્સ ફેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ જ ખાદ્યપદાર્થોના માધ્યમથી ટ્રાન્સ ફેટ આપણા શરીરમાં પહોંચે છે.
શું કહે છે WHOનો રિપોર્ટ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ટ્રાન્સ ફેટને કારણે પાંચ અબજ લોકોની આવરદામાં ઘટાડો કર્યો છે. આ લોકો તેઓ હૃદય રોગના જોખમ હેઠળ જીવી રહ્યા છે. 2018માં ખોરાકમાંથી ટ્રાન્સ ફેટ ઘટાડવા અને 2023 સુધીમાં ખોરાકમાંથી ટ્રાંસ ચરબીને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ મામલે 43 દેશો આગળ વધી ગયા છે અને 2022માં ભારતનું નામ પણ આ યાદીમાં સામેલ થયું હતું. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, આર્જેન્ટિના અને શ્રીલંકાએ પણ પાછલા વર્ષમાં ટ્રાન્સ ફેટની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.