Homeતરો તાજામુંબઈમાં આધેડ વયની દર પાંચમાંથી ત્રણ મહિલાઓના હાડકાં નબળા

મુંબઈમાં આધેડ વયની દર પાંચમાંથી ત્રણ મહિલાઓના હાડકાં નબળા

તન-દુરસ્તી મન-દુરસ્તી – રાજેશ યાજ્ઞિક

મુંબઈની એક પ્રસિદ્ધ હોસ્પિટલે કરેલા અભ્યાસમાં એવું ચિંતાજનક તારણ નીકળ્યું છે કે મુંબઈમાં ૪૦ વર્ષથી વધુ વયની દર પાંચમાંથી ત્રણ મહિલાઓ ઓસ્ટીયોપેનિયાથી પીડાય છે. વધતી ઉંમર સાથે લગભગ બધાને નબળાં હાડકાની ઓછીવત્તી સમસ્યા સતાવતી જોવા મળતી હોય છે. પરંતુ અહીં મહિલાઓ ઉપર થયેલા અભ્યાસમાં જે તારણ નીકળ્યું છે તે સચેત કરનારું છે.
કારણો શું છે?
ડોક્ટરોના કહેવા મુજબ નીચેનાં કારણો મહિલાઓના હાડકાને બરડ બનાવવા માટે જવાબદાર ગણી શકાય.
વધતી વય
વિટામિન ડીની કમી
રજોનિવૃત્તિ (મેનોપોઝ)
ક્રોનિક ડાયાબિટીઝ અથવા કિડનીની સમસ્યા
શારીરિક કસરતનો અભાવ
બેઠાડુ જીવનશૈલી
શું છે ચોક્કસ સમસ્યા?
ઓસ્ટીયોપોરોસીસ અને ઓસ્ટીયોપેનિયા એ એવી પરિસ્થિતિઓ છે જેમાં હાડકાની ઘનતા જરૂર કરતા ઓછી થઇ હોય છે, જે અસ્થિભંગ, ક્રોનિક પીડા અને ગતિશીલતા ગુમાવવાનું જોખમ વધારી શકે છે. ઓસ્ટીયોપોરોસીસમાં, હાડકાં નબળાં અને બરડ બની જાય છે, જેનાથી તે તૂટવા માટે વધુ સંવેદનશીલ બને છે. ઓસ્ટીયોપેનિયા એ હાડકાના નુકસાનનું હળવું સ્વરૂપ છે જેની સારવાર ન કરવામાં આવે તો તે ઓસ્ટીયોપોરોસીસમાં પરિવર્તિત થઇ શકે છે. આ સ્થિતિ પ્રિ અને પોસ્ટમેનોપોઝલ વય જૂથોની સ્ત્રીઓમાં સામાન્ય છે.
અભ્યાસ કેવી રીતે કરવામાં આવ્યો?
આ અભ્યાસ હોસ્પિટલના ડોક્ટર ગાયત્રી દેશપાંડે, સિનિયર ક્ધસલ્ટન્ટ અને ડો. જ્હાન્વી લાલચંદાની, આસિસ્ટન્ટ મેડિકલ ઑફિસર, ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગ, દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીના ૧૮ મહિનાના સમયગાળા દરમિયાન ૫૦૩૪ દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો.
અભ્યાસ પક્ષપાતી ન બને તે માટે સંશોધકોએ ઓસ્ટીયોપોરોસીસ અથવા ઓસ્ટીયોપેનિયા, કેન્સરનો વર્તમાન અથવા ભૂતકાળનો ઇતિહાસ અને અસ્થિભંગનું અગાઉનું નિદાન ધરાવતી સ્ત્રીઓ જેવા ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને બાકાત રાખ્યાં હતાં અને માત્ર ૪૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને જ ધ્યાનમાં લેવામાં આવી હતી.
ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને બાકાત રાખ્યા પછી, અભ્યાસમાં ૪૦-૯૫ વર્ષની વયની ૧૯૨૧ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમણે ડ્યુઅલ-એનર્જી એક્સ-રે એબ્સોર્પ્ટિઓમેટ્રી (ડેક્સા) સ્કેન કરાવ્યું હતું જે અસ્થિ સમૂહની ઘનતાને માપે છે.
શરીરના કયા ભાગમાં વધુ સમસ્યા આવે છે?
હાડકા નબળા પાડવાની સમસ્યાને ચાર મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે.
કમરનો ભાગ, થાપાનો ભાગ, સાથળનો ભાગ, પૂર્ણ શરીર
સંશોધકોના આશ્ર્ચર્ય વચ્ચે અભ્યાસમાં સામેલ ૧૯૨૧ મહિલાઓમાંથી, ૫૧૯ અથવા ૨૭ ટકાને ઓસ્ટીયોપોરોસીસ હતી, જ્યારે ૧૨૨૨ અથવા ૬૪ ટકાને ઓસ્ટીયોપેનિયા હતું. સ્વાભાવિક રીતે વધતી વય સાથે આ સમસ્યામાં વધારો પણ જોવામાં આવ્યો હતો. ૬૧-૮૦ વર્ષની વયજૂથની લગભગ અડધી સ્ત્રીઓ (૪૮ ટકા) ફેમોરલ નેકના ઓસ્ટિઓપેનિયાથી (થાપા સાથે જોડાયેલ સાથળનું હાડકું) પીડિત હતી.
ફેમોરલ નેકના ઓસ્ટિઓપેનિયાની અસર
સમસ્યાના આ પ્રકારમાં મહિલાઓમાં સમસ્યાની ગંભીરતાને આધારે નીચે વર્ણવેલ અસરો જોવા મળી શકે.
હિપ ફ્રેક્ચરનું વધુ જોખમ
શારીરિક ગતિશીલતામાં અવરોધ
સંતુલન જાળવવામાં સમસ્યા
નોંધપાત્ર વિકલાંગતા
જીવનની ગુણવત્તામાં ઘટાડો
કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું કારણ
અભ્યાસમાં સામેલ પાંચમાંથી એક સ્ત્રીને કમ્મરના ભાગે ઓસ્ટીયોપોરોસીસ હોવાનું નિદાન થયું હતું. આ સમસ્યાને કારણે નીચેની અસરો જોવા મળે છે.
કરોડરજ્જુના કમ્પ્રેશન કે ફ્રેક્ચર
ડોવેજર હમ્પ (કરોડરજ્જુમાં વિકૃતિ)
શ્વાસ લેવામાં સમસ્યા
પડી જવાનું જોખમ
“મહિલાઓ, રોજિંદા ધોરણે, લોટ બાંધવો, દરવાજાના નોબ ખોલવા, કારનું સ્ટિયરિંગ ફેરવવું અથવા લપસણો ફ્લોર અથવા રેતાળ બીચ પર ચાલવા જેવાં સરળ કાર્યો દરમિયાન અબોલપણે પીડાય છે. આ પરિસ્થિતિઓને કારણે
હાડકાના ફ્રેક્ચરને કારણે હોસ્પિટલમાં દાખલ થવું, શસ્ત્રક્રિયા અને લાંબા ગાળાની અપંગતા થઈ શકે છે. આવા અભ્યાસો આપણને ભવિષ્યમાં આ પરિસ્થિતિઓને રોકવામાં મદદ કરશે, ડો. દેશપાંડેએ જણાવ્યું હતું.
અભ્યાસનાં પરિણામો, લક્ષિત સ્ક્રીનિંગ અને નિવારણ વ્યૂહરચનાઓનું મહત્ત્વ દર્શાવે છે. ઓસ્ટીયોપેનિયાની સારવાર થઇ શકે છે, પરંતુ ઓસ્ટીયોપોરોસીસ ઉલટાવી શકાતું નથી. આમ, ૩૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે દર પાંચ વર્ષે ખાસ કરીને ડેક્સા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતા બોન ડેન્સિટી સ્કેન સહિત નિયમિત ચેક-અપની ભલામણ કરવામાં આવે છે.
હાડકાના સારા સ્વાસ્થ્યને જાળવવા માટે નિયમિત ચેક-અપ પણ મહત્વપૂર્ણ છે. ચેક-અપ દરમિયાન, ડોક્ટરો દર્દીના તબીબી ઇતિહાસ, જીવનશૈલીના પરિબળો અને કૌટુંબિક ઇતિહાસનું મૂલ્યાંકન કરીને ઑસ્ટિયોપોરોસિસ અને અન્ય હાડકા સંબંધિત રોગોના જોખમનું મૂલ્યાંકન કરી શકે છે. મૂલ્યાંકનના આધારે, ડોકટરો નિવારક પગલાંની ભલામણ કરી શકે છે, જેમ કે કેલ્શિયમ અને વિટામિન ડી પૂરક, વજન વહન કરવાની કસરતો અને દવાઓ.
જીવનની ઘરેડમાં ગુંથાયેલી ગૃહિણીઓ ખાસ કરીને , મધ્યમવર્ગીય અને નિમ્ન મધ્યમવર્ગીય તથા ગરીબ ઘરની સ્ત્રીઓ પોતાના આરોગ્ય તરફ જાણવા છતાં અજાણ જેવી સ્થિતિમાં જીવતી હોય છે. ક્યારેક સમયનો અભાવ, ક્યારેક નાણાંનો અભાવ જેવી સમસ્યોને કારણે આરોગ્યલક્ષી તપાસને ટાળતી હોય છે. સમય આવી ગયો છે કે પરિવારના જીવનની ગુણવત્તા સુધારવામાં રત રહેતી મહિલાઓની આ સમસ્યા તરફ લક્ષ આપીને તેમના જીવનની ગુણવત્તા સુધારવા તરફ સમાજ પ્રયત્ન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -