Homeટોપ ન્યૂઝફ્લાવર થેરપી: ફૂલો સુંદરતા જ નહીં, સ્વાસ્થ્ય પણ આપે છે

ફ્લાવર થેરપી: ફૂલો સુંદરતા જ નહીં, સ્વાસ્થ્ય પણ આપે છે

તન-દુરસ્તી મન-દુરસ્તી-ગીતા માણેક

સુંદર ફૂલો આપણને સૌને ગમે છે પણ આમાંના કેટલાંક ફૂલો આપણને સ્વાસ્થ્ય પણ આપી શકે છે એ વાતથી મોટા ભાગના લોકો અજાણ છે. આમ તો ફૂલોનો દવા તરીકે કે સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરવાનું આપણી ભારતીય પરંપરા અને આયુર્વેદમાં સદીઓથી છે, પણ હવે પશ્ર્ચિમ જગત અને કેટલાંક એલોપેથિક ડૉક્ટરો પણ આના મહત્ત્વને સમજી રહ્યા છે. સર્વસામાન્ય વ્યક્તિને ફ્લાવર થેરપી વિશે જાણકારી ન હોય તો પણ ઉનાળામાં ગુલાબનું સરબત કે નાની-મોટી તકલીફો માટે ગુલાબજળ કે મોગરો જેવાં ફૂલોના અર્ક, ગુલકંદ વગેરે આપણે રોજબરોજના જીવનમાં વાપરીએ જ છીએ.
જોકે હવે છેલ્લા કેટલાક વખતથી ફૂલો દ્વારા રોગનું નિવારણ કરતી એક અલગ શાખા અસ્તિત્વમાં આવી છે. હિમાલયમાં કે ભારતના અન્ય પ્રદેશોમાં ઊગતા અમુક ફૂલોનો ઉપયોગ કરીને રોગ મટાડવા માટેના અલગ પ્રેક્ટિશ્નર્સ પણ અસ્તિત્વમાં છે અને ધીમે-ધીમે એનો વ્યાપ વધી રહ્યો છે. એલોપેથી દવાઓની આડઅસર વિશે પણ લોકોમાં સજાગતા આવી છે એટલે વધુને વધુ લોકો કુદરતી ઉપચાર તરફ વળ્યા છે. ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન અને માર્કેટ રિસર્ચ ફ્યુચરના રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં ખાવામાં ઉપયોગમાં લઈ શકાય એવાં ફૂલોનું માર્કેટ વૈશ્ર્વિક સ્તરે ૫.૨ ટકા અને માત્ર અમેરિકામાં ૫૧૨ મિલિયન ડૉલર જેટલું વધશે એવું કહેવામાં આવ્યું છે.
એક આયુર્વેદ નિષ્ણાત કહે છે કે ખાસ કરીને કોરોના મહામારી બાદ હવે વધુને વધુ લોકો ફ્લાવર થેરપી તરફ આકર્ષાઈ રહ્યા છે. આ ફ્લાવર થેરપિસ્ટોનો દાવો છે કે ફૂલોમાંથી બનતી આ ઔષધિઓના સેવનથી ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, અપચો અને અનિદ્રા જેવા રોગમાં ખૂબ ફાયદો થાય છે. જો કે જે ફૂલોને આપણે રોજબરોજ એકબીજાને આપવા માટે કે સજાવવા માટે ઉપયોગમાં લઈએ છે એ ઉપરાંતના પણ અમુક ચોક્કસ પ્રકારનાં ફૂલો દ્વારા બીમારીઓમાં રાહત મળે છે. નોઈડાની ફોર્ટિસ હૉસ્પિટલના ડાયટેટિક્સ એટલે કે આહારશાસ્ત્રના વિભાગના વડા કહે છે કે લીવરની તકલીફ હોય, પેટમાં દુ:ખાવો કે તનાવની માત્રા વધુ પડતી હોય એવા દર્દીઓને હું જાસ્મીનનાં ફૂલોનો ઉપયોગ કરવાનું સૂચન કરું છું. કેટલાક દર્દીઓને પેટના દુ:ખાવા કે ઉબકા આવવાની ફરિયાદ હોય તો તેમને કેમેમાઇલ (એક પ્રકારના ફૂલ)ની ચા પીવાનું સૂચન કરું છું.
ફ્લાવરથેરપીના જાણકારો કહે છે કે જાસ્મીન, કેમેમાઇલ અને લેવેન્ડર જેવાં ફૂલોમાં કેટલાંક ઔષધીય ગુણો છે જે ડિપ્રેશન, એન્કઝાઇટી, સ્મૃતિ ઘટવી જેવી તકલીફોમાં બહુ ઉપયોગી સાબિત થાય છે. જાસ્મીનનાં ફૂલો વાત, પિત્ત અને કફ દોષનું નિરાકરણ અને સંતુલન કરવામાં ઉપયોગી છે. આયુર્વેદિક દવાઓમાં પણ જાસ્મીનનાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સિવાય નશ્ટસમ નામનાં ફૂલો મૂત્રમાર્ગમાં, શ્ર્વાસોચ્છવાસ માર્ગમાં ઇન્ફેક્શન થયું હોય તો ઉપયોગી નીવડે છે. આ ફૂલોમાં વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ફૂલનો દવા તરીક ઉપયોગ કરનારા થેરપિસ્ટો કહે છે કે આમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક તત્ત્વો પણ હોય છે જે શરદીમાં ઉપયોગી છે. આ ફૂલોને ગરમ પાણીમાં નાખીને એની વાફ લેવાથી શરદીમાં તાત્કાલિક રાહત થાય છે. આ ફૂલના પાંદડાં સલાડમાં ખાવાથી ગળાના ઇન્ફેક્શનમાં રાહત થાય છે એવો થેરપિસ્ટોનો દાવો છે.
બોરેજ અથવા સ્ટાર ફ્લાવર તરીકે જાણીતા આ ફૂલમાં એન્ટિ-ઇનફ્લેમેટરી તત્ત્વો હોય છે જે અસ્થમા એટલે કે દમ અને સંધિવાના રોગમાં રાહત આપે છે. ફીટ આવતી હોય, અનિદ્રાના રોગી હોય તેમના માટે આ ફૂલોની ચા બહુ જ અકસીર સાબિત થઈ શકે છે. એન્કઝાઈટી અને ડિપ્રેશનમાં પણ એ મદદરૂપ છે.
કેમેમાઇલ નામનાં ફૂલોમાંથી બનતી ઔષધી કુદરતી ટ્રાન્કવિલાઇઝર તરીકે કામ કરે છે તો સાથે-સાથે જુલાબ, ઉબકા આવવા, ઊલ્ટી થવી, ઊંચાઈ પર કે ઘાટમાંથી પસાર થવાને કારણે થતી ઊલ્ટીઓ, અપચો વગેરેમાં બહુ ફાયદાકારક સાબિત થાય છે
ડેન્ડેલિઓન નામના ફૂલમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, સી, કે હોય છે. આ ફૂલોની ઔષધિ લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અપાચનપ્રક્રિયાની તકલીફો દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ફૂલોને ઉકાળીને એની ચા બનાવી શકાય છે કે તેમાંથી સલાડ અને સૂપ પણ બનાવી શકાય છે.
કેટલાંક ફૂલોનો ઉપયોગ કરીને થેરપિસ્ટો અદોદળાપણું ઘટાડવાનો, વાળ અને ત્વચાની ગુણવત્તા વધારવાનો દાવો પણ કરે છે.
ભારતીય પરંપરામાં તો વિવિધ
ફૂલોનો ઉપયોગ કરવાનું છે જ, પણ પશ્ર્ચિમમાં એડવર્ડ બાક નામના ડૉક્ટરે ફ્લાવર થેરપીમાં ઘણું સંશોધન કર્યું છે. ૧૯૩૦માં તેમણે ફૂલોનો સારવાર તરીકે ઉપયોગ થઈ શકે એ વિષયમાં માત્ર સંશોધન જ નહીં દવાઓ પણ બનાવી છે જે જગતભરના ફ્લાવર થેરપિસ્ટોમાં આજે પણ જાણીતી છે.
ફૂલોની આ સારવાર પદ્ધતિથી મન, શરીર અને ભાવનાઓના જગતમાં પણ બહુ જ લાભ થાય છે એવું ફ્લાવર થેરપિસ્ટો કહે છે. ફૂલોમાં સુંદરતાની સાથે એક જીવંતતા હોય છે. ફૂલોની આ ઊર્જાશક્તિનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. જાણકારો ફૂલોને તોડતી અને તેની દવાઓ બનાવતી વખતે અમુક ક્રિયાઓ કરે છે જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. દવા બનાવવા માટે ફૂલો તોડતી વખતે તેઓ અમુક મંત્રોચ્ચાર કરે છે. અમુક દવાઓ સૂર્યપ્રકાશમાં તો અમુક ચંદ્રના પ્રકાશમાં બનાવવામાં આવે છે. ફૂલોની આ ઊર્જાને ચોક્કસ પદ્ધતિ દ્વારા પાણીમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયાઓ પૂરી થઈ ગયા બાદ દવા બનાવનાર વ્યક્તિ ફૂલોનો અને જે છોડ પરથી ફૂલો લીધા તેનો આભાર માને છે. ફૂલોની ઊર્જાશક્તિથી ચાર્જડ થયેલું પાણી પછી રોગોમાં નિશ્ર્ચિતપણે રાહત આપે છે.
આ ફ્લાવર થેરપિસ્ટો જોકે ચેતવણી ઉચ્ચારે છે કે જાણકાર વ્યક્તિઓ પાસેથી જ વિવિધ રોગ માટે ફૂલોમાંથી બનેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિએ આડેધડ પોતાની મરજીથી કોઈ પણ ફૂલનો ઔષધિ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવા જતાં લાભ કરતાં હાનિ થવાની સંભાવના વધુ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -