AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્ર સરકાર વતી બે શહેરોના નામ બદલવા માટે એકનાથ શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું હતું કે અમારા વિસ્તાર અંગેનો નિર્ણય અમારા લોકો લેશે, એકનાથ કે દેવેન્દ્ર કે ઉદ્ધવ નહીં. આજે સરકાર પાસે સંખ્યા છે, તેઓ લોકોને વિશ્વાસમાં લીધા વિના કંઈ પણ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે રાજ્યના બે શહેરો ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવ્યું છે. નામ બદલવા પર ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારના પ્રયાસો એવા જ રહે છે. તેઓ જગ્યાઓ, પાર્ક અને શહેરોના નામ બદલતા રહે છે. ઈતિહાસ સારો હોઈ શકે, ખરાબ હોઈ શકે પણ ઈતિહાસ ઈતિહાસ છે, તેની સાથે છેડછાડ કરવી ખોટું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વના હેરિટેજ સ્મારકો આપણા ઔરંગાબાદમાં છે. એમાં દરેક સ્તરે ફરક પડશે, તમામ દસ્તાવેજો બદલવા પડશે. ઓવૈસીએ પૂછ્યું હતું કે શું નામ બદલવાથી લોકોને પાણી, રોજગાર મળશે?
ઉલ્લેખનીય છે કે નામ બદલવાને લઈને મહારાષ્ટ્ર સરકારની માંગણીઓને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ સાથે હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ રાજ્યમાં શહેરોના નામ બદલવામાં આવ્યા હોય. આ પહેલા યુપીના ઘણા શહેરો અને રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે.
પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જો આ જ નિવેદન કોઈ મુસ્લિમ દ્વારા આપવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં હંગામો મચી ગયો હોત. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કેવી હાલત છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.