રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 14 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધનો અંત ક્યારે આવશે એ તો રામ જાણે, પણ અત્યાર સુધીમાં આ યુદ્ધમાં હજારો લોકોએ જાન ગુમાવી દીધા છે અને કરોડો રૂપિયાની ખૂંવારી બંને દેશોના પક્ષે થઈ ચૂકી છે. પણ આજે આપણે અહીં દુનિયાના એવા યુદ્ધો વિશે વાત કરવાના છીએ કે જે મિનિટો કે અમુક દિવસો સુધી જ ચાલ્યા હતા. આપણે ત્યાં સાસ-બહુના ઝઘડા પણ આનાથી વધારે લાંબા ચાલતા હોય છે. ચાલો, જાણીએ દુનિયાના એવા યુદ્ધો વિશે કે જેને વર્લ્ડ શોર્ટેસ્ટ વોર તરીકે ઓળખવામાં આવે છે…
એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધ
આ એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધની ગણતરી સૌથી ટૂંકા યુદ્ધમાં થાય છે. વાત જાણે એમ છે કે બ્રિટન અને જર્મની વચ્ચે 1890માં એક સંધિ થઈ હતી, આ સંધિ અનુસાર બંને દેશો પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં શાસન કરવા માટે અલગ-અલગ જગ્યાઓ પસંદ કરશે. આ સંધિના કારણે ઝાંઝીબાર ટાપુ અંગ્રેજોને સોંપવામાં આવ્યો અને તેની નજીકના દરિયાકાંઠાના વિસ્તારો જર્મની પાસે હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, ઝાંઝીબારના પાંચમા સુલતાન હમ્માદ બિન થુવૈની અંગ્રેજો વતી આ ટાપુ પર શાસન કરી રહ્યા હતા. પરંતુ તે પછી અચાનક 1896માં તેમનું અવસાન થયું અને તેમના મૃત્યુના થોડા કલાકો પછી તેના ભાઈ ખાલિદ બિન બરગાશે રાજગાદી સંભાળી. સૌથી મોટી અને મહત્વની વાત એટલે તેણે આવું કરવા માટે અંગ્રેજોની પરવાનગી પણ લીધી ન હતી. આ વાત અંગ્રેજ સરકારના અહંકાર પર આવી અને પછી ઝાંઝીબારમાં તૈનાત બ્રિટિશ રાજદ્વારી અને બેસિલ કેવ નામના આર્મી ચીફ ખાલિદ બરગાશને ગાદી છોડવા કહ્યું, પરંતુ બરગાશે સ્પષ્ટ ના પાડી દીધી અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. જો કે, જ્યારે યુદ્ધ થયું, ત્યારે ખાલીદ બિન બરગાશની સેના અને તેનો કિલ્લો માત્ર 38થી 45 મિનિટમાં જ તૂટી પડ્યો અને આ રીતે વિશ્વના સૌથી ટૂંકા યુદ્ધનો અંત આવ્યો હતો.
24 કલાકનું અંજુઆન વોરઃ
વર્ષ 2008માં અંજુઆનનું યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું. હિંદ મહાસાગરમાં અંજુઆનનું યુદ્ધ કોમોરોસ અને ફ્રાન્સ વચ્ચે હતું. તે એક ઓપરેશન તરીકે હાથ ધરવામાં આવ્યું હતું, જેનું કોડ નામ હતું (કોમોરોસમાં ઓપરેશન ડેમોક્રેસી). આમાં કોમોરોસને સુદાન, તાન્ઝાનિયા અને આફ્રિકન યુનિયન દ્વારા પણ ટેકો મળ્યો હતો. જ્યારે લિબિયા, સેનેગલ અને ફ્રાન્સ અંજુમનમાં કર્નલ મોહમ્મદ બકરની સરકારને ખતમ કરવા માંગતા હતા. આ 25 માર્ચે થયું, માત્ર એક જ દિવસમાં ફ્રાંસની આગેવાની હેઠળની સેનાએ કોમોરોસ પર કબજો કર્યો અને મોહમ્મદ બકરને બંદી બનાવી લીધો હતો.
100 કલાક ચાલેલું ફૂટબોલ વોર
100 કલાકના આ યુદ્ધનો સમાવેશ વિશ્વના સૌથી નાના યુદ્ધોમાં કરવામાં આવ્યો છે. અલ સાલ્વાડોર અને હોન્ડુરાસ વચ્ચેના આ સો કલાકના યુદ્ધને ફૂટબોલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં, એક ફૂટબોલ મેચ દરમિયાન, અલ સાલ્વાડોરે 3-2ની લીડ સાથે મેચ જીતી લીધી. દરમિયાન, અલ સાલ્વાડોર અને હોન્ડુરાસના લોકો ખેતીની જમીનને લઈને એકબીજા સાથે અથડાયા. થોડા સમય પછી સેના પણ તેમાં જોડાઈ ગઈ અને આ યુદ્ધ 100 કલાક સુધી ચાલ્યું. આમાં લગભગ 3000 જેટલા લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો.
છ દિવસનું ઈઝરાયલ-ઈજિપ્ત, સીરિયા-જોર્ડન વચ્ચેનું યુદ્ધ
ઈઝરાયલ અને ઇજિપ્ત, સીરિયા અને જોર્ડનની સેના વચ્ચે 6 દિવસનું યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ 1967માં ખેલાયું હતું. ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના આ યુદ્ધમાં ઈઝરાયેલ જીતી ગયું હતું. સરહદ સમસ્યાને લઈને આ યુદ્ધમાં ઘણા લોકો માર્યા ગયા હતા. જો કે, આ યુદ્ધ પછી, ઈઝરાયલ વધુ શક્તિશાળી બન્યું અને ઘણી જમીન પર કબજો કરી લીધો હતો.