રોજ બરોજ -અભિમન્યુ મોદી
મુંબઈમાં ૮૦ના દાયકામાં દાઉદ અને ગવળી ગેંગનું ગઠબંધન થઈ ગયું. અંડરવર્લ્ડમાં ખુશીનો માહોલ હતો. જેમની ગેંગના નવલોહિયા યુવાનો ગેંગવોરના નામે લડતા હતા તેનો અંત આવશે અને મુંબઈ પર માફિયાનો સાણસો મજબૂત થશે એ હેતુથી મૂળ ગુજરાતી પણ સ્વભાવે મરાઠી અશ્ર્વિન નાઈકે પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ મુંબઈ પર રાજ કરવાની મહેચ્છાએ અરૂણ ગવળી અને દાઉદ ગેંગમાં ડખ્ખા શરૂ થઈ ગયા. દોસ્તી-દુશ્મનીમાં પરિવર્તિત થઈ ગઈ અને ફરી મુંબઈની ગલીઓ રક્તપિપાસુ ગુંડાઓની ગોળીઓથી રક્તરંજીત થઈ ગઈ. એક જ જંગલમાં બે બળિયા રાજ કરી શકે? રહે તો કોનું ભલું કરે અને કોનું નુકસાન કરે? ગોંડલ પર આધિપત્ય જમાવવા માટે ગોંડલ દરબાર અને રીબડા દરબાર વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ થયું અંતે પરિણામ શું આવ્યું એ તો સૌએ નિહાળ્યું. હવે આ જ સ્થિતિ અફઘાનિસ્તાનમાં ઉદ્ભવી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ભલે ઇસ્લામિક રાષ્ટ્ર હોય પરંતુ તાલિબાનોને પાકિસ્તાનના રૂઢિગત વિવાદોથી કંઈ ફેર નથી પડતો. તેને પોતાનું શાસન મજબૂત કરવું છે. એટલે પ્રથમ તો દેશમાં જે તંગી પેદા થઈ છે તેનું નિરાકરણ લાવવું આવશ્યક છે. ફિફાનો ફીવર ઉતારીને કતારથી તાલિબાનોના ટોચના નેતાઓનું અફઘાનિસ્તાનમાં આગમન થઈ ગયું છે. આગમન સાથે જ તાલિબાનના કાયદે આઝમ મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ પાકિસ્તાનની નિંદા અને ભારતની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું! કારણ? આર્થિક સાધનો અને સંસાધનોની મર્યાદાને કારણે તાલિબાનોનો પ્રવર્તમાન પ્રવાહોમાં પન્નો ટૂંકો પડે છે.
તાલિબાનોને કારણે આજના કાબુલમાં શાંતિ છે. શાંતિ ખરી પણ અકળાવનારી, અજંપાભરી. કાબુલના રાજમાર્ગો પર તાલિબાની ચેકપોસ્ટ ઊભી થઇ ગઇ છે. શહેરની સરહદો હજુ પણ સીલ છે. ક્યાંક ક્યાંક અડધા શટરે દુકાનો ખુલે છે. દુકાનો, શોરૂમ અને થિયેટરો પરથી મહિલાઓની તસવીરો ઉતારી લેવામાં આવી છે અને હિજાબ-બુરખાની અછત સર્જાઈ છે. તાલિબાની શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં નિરાશ્રિતોની હાલત અત્યંત દયનીય બની છે. નથી ઉપર છાપરું કે નથી અન્ન-પાણી. નાના બાળકોને ઊંચકીને ફૂટપાથ ઉપર લાચાર નજરે મદદની પ્રતીક્ષા કરતી મહિલાઓના ટીવી અને સોશિયલ મીડિયા પર દેખાતાં દૃશ્યોમાં કાબુલની વાસ્તવિક સ્થિતિની ઝલક જોવા મળે છે. લોકોમાં ખૌફ છે, ડર છે. લાખો નાગરિકોનું ભાવિ અનિશ્ર્ચિત બન્યું છે. સ્વાસ્થ્ય સેવાઓની હાલત કથળી ગઈ છે. એટીએમમાં પૈસા નથી અને બેન્કોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાણી-પીણી, દવાઓથી લઈને જરૂરી વસ્તુઓના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે. આવી સ્થિતિમાં દેશ કેમ ચલાવવો?
તાલિબાનોના આગમન પૂર્વે અફઘાનિસ્તાન વ્યાપારનું હબ હતું. અફઘાનિસ્તાનની ચારેય બાજુ ભૂમિ હોવાને કારણે વિદેશ વ્યાપારની સવલતો માટે તેને પડોશી દેશો પર આધાર રાખવો પડે છે. રેલવેની સવલતો ઓછી છે અને જળમાર્ગો ધરાવતી નદીઓ ઓછી હોવાથી માર્ગ-વાહનવ્યવહાર પર જ આધાર રાખવો પડે છે. રેલવે તો માત્ર ૬ કિમી.ની લંબાઈ ધરાવે છે. એટલે જ તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું ત્યારથી ભારત સહિતના એવા રાષ્ટ્રો જે અફઘાનિસ્તાનમાં કાર્યરત હતાં તેમણે પોતાના કામ અધૂરા છોડી દીધા અને સ્વદેશગમન કર્યું. રહી ગયા તો માત્ર બે દેશ, ચીન અને પાકિસ્તાન. પાકિસ્તાનને તાલિબાનોને પોતાની તરફ કરવા મથે છે. ચીન તો લોભામણી જાહેરાત આપી આપીને થાકી ગયું છતાં તાલિબાનોએ ડ્રેગનને મચક ન આપી. જિનપિંગની નજર અફઘાનિસ્તાનમાં વિપુલ ખનીજ સંપત્તિ પર છે અને તાલિબાનો જાણે છે કે આ સંપત્તિ તેના માટે સોનાની મરઘી બનીને રહેશે. એટલે ચીનની મૈત્રીનો અસ્વીકાર કર્યો. પરંતુ પાકિસ્તાન તો મિત્ર રાષ્ટ્ર છે છતાંય તાલિબાનોએ પાક. સૈનિકની બળી કેમ ચડાવી?
પાકિસ્તાન તાલિબાન સાથે વ્યાપાર ઓછો અને વાટકી વ્યવહાર કરવામાં રસ વધુ હતો. જો તાલિબાનનો સહયોગ મળે તો કાશ્મીર પાક.નું થઈ જાય એ મનસૂબાથી પાકિસ્તાને મૌલવી હિબતુલ્લાહ અનેક વાટાઘાટો કરી પણ પરિણામ શૂન્ય મળ્યું અને વર્ષો જુના વિવાદનું કારણ ધરીને પાકિસ્તાન સાથેની ચર્ચાનો અંત લાવી દીધો. આ વિવાદ ૧૮૩૯થી ચાલતો આવે છે. ગુલામી કાળમાં અંગ્રેજોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર લાઇન દોરી હતી. આ બોર્ડરને ડુંરડ લાઇન કહે છે. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની આ મુદ્દે માથાકૂટ ચાલે છે. પાકિસ્તાને ઘણા સ્થળોએ અફઘાનિસ્તાનમાં ઘૂસણખોરી કરી છે. અફઘાનિસ્તાનના પશ્તૂન વિસ્તારનો ઘણા હિસ્સો પાકિસ્તાને પચાવી પાડ્યો છે. તાલિબાનો આવ્યા એ પછી પાકિસ્તાને પણ તારની વાડ બનાવવાનું શરું કર્યું હતું. એ સમયે પાકિસ્તાની સેના અને તાલિબાનો લડાકુ વચ્ચે રીતસરની અથડામણ થઇ હતી. બંને વચ્ચે ફાયરિંગ પણ થયા હતા. એટલું ઓછું હોય તેમ પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન તહેરિક-એ-તાલિબાન પણ અફઘાનિસ્તાન પર કબજો કરવા માંગે છે. થોડા સમય પહેલા જ તેણે અફ઼ઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં એક મહિલા, પાંચ બાળકો સહિત ૪૧ અફઘાની નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાના કારણે બંને દેશો વચ્ચેના વૈમનસ્યમાં વધારો થયો છે. સંબંધની આ કડવાશને યાદ કરીને હવે તાલિબાનો યાદવસ્થળી થયા છે. એવું નથી કે તાલિબાન ભારત સાથે જ વ્યાપાર કરવા માંગે છે. તાલિબાનોએ અનેક રાષ્ટ્રોને આમંત્રણ આપ્યું હતું પણ કોઈ આંતકની ભૂમિ પર પગ મુકવા નથી માંગતું. પણ ભારત તાલિબાનો માટે સંજીવની બુટી સમાન છે. તાલિબાનોને ખબર છે કે, જો ભારત આવશે તો બીજા દેશો પણ આવવાની હિંમત કરશે. પણ ભારતે આ પ્રસ્તાવ સ્વીકારવો જોઈએ? આવા આતંકી રાષ્ટ્ર સાથે કામ કરવાથી તો આતંકને સમર્થન આપવા જેવું થશે!
આજે અફઘાનિસ્તાનમાં આપખુદશાહી, આતંકશાહી અને નાગરિકો માટે ગુલામીના પાષાણ યુગ ચાલી રહ્યો છે. અફઘાન સરકારના ત્યાં રહી ગયેલા રડ્યાખડયા પ્રધાનમંડળના સભ્યો કહે છે કે તાલિબાનો સાથે શાંતિપૂર્ણ સત્તાહસ્તાંતરની પ્રક્રિયા ચાલે છે. આ બધી ખોખલા શબ્દોની રમત છે. ત્વચા બચાવવાની કવાયત છે. આ હસ્તાંતરને શાંતિપૂર્ણ કહેવાય? હજારો નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો. લાખો લોકો રેફયૂજી બન્યા. તાલિબાનોએ બંદૂકના નાળચે સત્તા મેળવી. હસ્તાંતરનો ક્યાં સવાલ જ છે? તાલિબાનોએ તો પ્રમુખના મહેલનો પણ કબજો લઈ લીધો છે. અફઘાનિસ્તાન હવે તાલિબાનોનું છે. અફઘાનિસ્તાન હવે ઇસ્લામિક અમીરાત છે. તાલિબાની આતંક શરૂ થઈ ગયો છે. મહિલાઓને ફરજિયાત હિજાબ પહેરવાનો આદેશ અપાઈ ગયો છે. નારીત્વ કાળાં કપડાં અને અંધકારભર્યા ભવિષ્યમાં કેદ થવા લાગ્યું છે. ૧૨ વર્ષથી ઉપરની કુંવારી યુવતીઓ અને વિધવાઓની યાદી તૈયાર થઈ રહી છે. આજે મહિલાઓની પીઠો ઉપર વીંઝાતા કોરડા અને ખુલ્લા મેદાનોમાં પથ્થરો મારી અપાતી સજા એ મૌતની ન્યાય પ્રણાલી, અમાનવીય અત્યાચારો અને ધર્મઝનૂની રાક્ષસી શાસનના યુગમાં અફઘાનિસ્તાન ફરી એક વખત પ્રવેશી ગયું છે અને વિશ્ર્વ કાંઈ કરી શક્યું નથી. વિશ્ર્વની મહાસત્તા તાલિબાનો સામે ઘૂંટણિયે પડી ગઈ છે. યુનિફોર્મ વગરના,પાઘડી પહેરેલા અને ખુલ્લી જીપોમાં મશીનગનો અને રાઈફલો લઈને લડેલા તાલિબાનો સામે અમેરિકાએ તૈયાર કરેલું અફઘાન લશ્કર વામણું સાબિત થયું છે.અફઘાનિસ્તાનના નસીબ તો જુઓ. દાયકાઓ સુધી એ દેશ વિશ્ર્વની મહાસત્તાઓની સ્વાર્થી રાજરમતનો ભોગ બનતો રહ્યો અને હવે તેની જ સરકાર અને એના કેટલાક બુઝદિલ સરકારી અને લશ્કરી અધિકારીઓએ જ અફઘાન પ્રજાને દગો દીધો અને ક્રૂર તાલિબાનોના હવાલે કરી દીધા. ઘરના જ ઘાતકી બન્યા. આજે અફઘાન માતાઓના ચિત્કાર સાંભળીને તાલિબાનો સામે પ્રચંડ વિશ્ર્વમત ઊભો થઇ રહ્યો છે પણ વિશ્ર્વની મહાસત્તાઓએ હાથ ખંખેરી નાખ્યા છે. અફઘાન નાગરિકો માટે કપરો કાળ આવી ગયો છે. ત્યારે જોવાનું રહેશે કે ભારત સાથેના તેના વ્યાપારી સંબંધો એવા ચમત્કાર કરશે. આવનારા દિવસો ભારતીય ઉપખંડની રાજનીતિમાં ખૂબ મહત્ત્વના બની રહેશે.