નાગપુર: નાગપુરમાં હાઇ કોર્ટના જજની સત્તાવાર કાર મોજમજા માટે ફેરવનારા અને વીજળીના થાંભલા સાથે ઠોકનારા પોલીસ કોન્સ્ટેબલને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કોન્સ્ટેબલને સેવામાંથી બરતરફ કરવા સાથે કારને થયેલા નુકસાનના સમારકામનો ખર્ચ તેની પાસેથી વસૂલ કરવાના નિર્દેશ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે આપ્યા છે.
૨૦૧૬માં આ કોન્સ્ટેબલ પોલીસદળમાં જોડાયો હતો અને તેને મુંબઈ હાઇ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ વાલ્મીકિ મેનેઝીસના સત્તાવાર બંગલો ખાતે સુરક્ષા માટે તહેનાત કરાયો હતો.૪ એપ્રિલે કોન્સ્ટેબલ જજની પરવાનગી વિના તેમની કાર મોજમજા માટે લઇને નીકળ્યો હતો અને નાગપુરના વાયુસેના નગર ખાતેથી પસાર થતી વખતે તેણે કાર વીજળીના થાંભલા સાથે અથડાવી હતી.આમાં કારના આગળના ભાગને નુકસાન થયું હતું. બાદમાં કોન્સ્ટેબલ કાર પાછી જજના બંગલો પર લાવ્યો હતો અને ત્યાં પાર્ક કરી દીધી હતી. તેણે અકસ્માત અંગે કોઇને જાણ કરી નહોતી. આ વાત બહાર આવ્યા બાદ સદર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં કોન્સ્ટેબલની ભૂમિકા સામે આવી હતી. આની જાણ બાદમાં પોલીસ કમિશનરને કરવામાં આવી હતી. સોમવારે કોન્સ્ટેબલને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને કારના સમારકામનો રૂ. ૨.૨૮ લાખનો ખર્ચ તેના નિવૃત્તિના લાભમાંથી વસૂલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.