Homeઉત્સવતાજમહેલ કો તાલા મારો શાહજહાં હાઝિર હો

તાજમહેલ કો તાલા મારો શાહજહાં હાઝિર હો

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: લોકો તમને સમજે એ પહેલા તમે ખુદને સમજો! (છેલવાણી)
એક કપલ હનીમૂનમાં, તાજમહેલ જોવા જાય છે.
પતિએ કહ્યું, વાહ, શું વ્યૂ છે!૩
તો પત્ની બોલી, હા….વ્યૂ તો સારો છે પણ ઓલો તાજમહેલ આડો આડો આવે છે!
ખરેખર, તાજમહેલ વર્ષોથી આપણને આડો જ આવે રાખે છે. શાહજહાંની મૃત પત્નીની યાદમાં બનાવાયેલા તાજમહેલને આજે પણ શાંતિ મળતી નથી! તાજમહેલની તકદીરમાં જ વિવાદ લખાયો છે એવું લાગે છે. ક્યારેક એના ૨૨ બંધ રૂમને ખોલવાનો, ક્યારેક એનું નામ બદલવાનો, ક્યારે અને કોણે બનાવ્યો છે, એના અસલી વારસદાર કોણ છે. આ બધાં પર સતત વિવાદો થતા જ રહે છે. તાજમહેલ, અદ્ભુત પણ સંગેમરમરમાં તરાશેલો એક સવાલ છે, જેનો જવાબ કોઈ પાસે નથી.
હમણાં તાજમહેલ પર એક નવી ઉપાધિ આવી પડી છે. ઈતિહાસમાં પહેલી વાર તાજ મહેલને આગ્રા મ્યુનિસિપાલિટી તરફથી પાણી અને પ્રોપર્ટી ટેક્સ ચુકવવાની નોટિસ મળી છે! આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલ ૧૫ દિવસમાં ૧.૯ કરોડનો વોટર ટેક્સ અને ૧.૫ કરોડનો પ્રોપ્રર્ટી ટેક્સ નહીં ભરે તો એને જપ્ત કરી લેવામાં આવશે! અમારી એક સુપરહિટ ફિલ્મ ‘ખૂબસુરત’માં ઉદાસ હિરોઈનને ખુશ કરવા હીરો કહે છે કે- શિવાની, તુમ ઈતની ખુબસૂરત હો કી તુમ્હેં દેખકર લગતા હૈ તાજમહલ કો તાલા માર દૂં! પણ હવે તો ખરેખર તાજમહેલને તાળાં મરાય એવા દિવસો આવી ગયા છે. અમને એ વિચાર આવ્યો કે જો મ્યુનિસિપાલિટીવાળા તાજ મહેલને જપ્ત કરી લેશે તો એને રાખશે ક્યાં? મ્યુનિસિપાલ્ટીની ઑફિસમાં? આમ ને આમ તો ગેટ-વે ઓફ ઇન્ડિયાને, લાલ કિલ્લાને, ઇન્ડિયા ગેટને, કુતુબમિનારને પણ કબજે કરી લે તોય નવાઈ નહીં! જો કે ગાંધીજીના સાબરમતી આશ્રમ વિશે કશું જ નહીં કહીએ કારણ કે એમાં તો અમને જ જપ્ત કરી લેવાય તો નવાઇ નહીં.
જોક્સ અપાર્ટ, દરેક સમય સમાજનો ટેસ્ટ કે મિજાજને છતો કરે છે. એક સમયે તાજમહેલમાં ભવ્ય મુશાયરા થતા, મોટા કવિ સંમેલનો થતા, નૃત્ય-સંગીતના મોટા પ્રોગામો થતા હતા. પણ હવે પછી તાજમહેલ પર બુલડોઝર ફેરવવામાં આવે તોય નવાઈ નહીં લાગે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે તાજમહેલને ૧૯૦૨થી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ(સંરક્ષિત સ્મારક) જાહેર કરવામાં આવ્યો છે. બ્રિટિશ શાસનથી લઈ આજ સુધી તાજમહેલ પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. પણ આગ્રા મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે અમે તો દરેક સરકારી ઈમારતો પર નીકળતા બાકી ટેક્સના આધારે નોટિસ આપી છે.
હવે ટૂંકમાં કંઈ પણ શક્ય છે. તાજમહેલને કોર્ટના કઠેડામાં ગુનેગારની જેમ ઉભો રાખીને ટેક્સ વસૂલવામાં આવે તોય નવાઈ નહીં! એવું પણ બને કે શાહજહાંના વંશજો માટે એરેસ્ટ વોરંટ પણ નીકળે! લોકો દૂરથી તાજમહેલના માથે હાથ મૂકીને ફોટા પડાવતા હોય છે. પણ આજે તાજ મહેલે પોતાના જ માથા પર હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. આજે પણ તાજમહેલમાં ફિલ્મનું શુટિંગ કરવું હોય તો દૂરથી જ કરવું પડે છે. નજીકથી કરવાની પરમિશન નથી. આમ પણ તાજમહેલને આપણે દૂરથી જ જોઈને હરખાઈએ છીએ. દુનિયા માટે સાત અજાયબીમાંનો એક છે. પણ આપણા માટે હજી પણ એક અજાયબી કોયડો છે!
ઈન્ટરવલ:
ભૂખે ભજન ના હોઈ ગોપાલા
(નઝીર અકબરાબાદી)
કહેવાય છે કે જે નાટક કે ફિલ્મમાં તાજ મહેલનો ફોટો ટાંગેલો હોય અથવા તાજમહેલ પર ફિલ્મ બની હોય એ ક્યારેય ચાલી નથી. કદાચ તાજને અપશુકનિયાળ મનાય છે, પણ કવિ શકિલ બદાયૂએ તાજ પર સુંદર કાવ્ય લખેલું-
એક શહંશાહને બનવા કે હસીં તાજમહલ,
સારી દુનિયા કો મોહોબ્બત કી નિશાની દી હૈ,
ઈસકે સાયે મેં સદા પ્યાર કે ચર્ચે હોંગે,
ખતમ જો હો ના સકેગી વો કહાની દી હૈ…
તો એ નઝમની સામે સાહિર લુધિયાનવીએ એ જ તરજમાં, તાજની ભવ્યતાની ટીકા કરતું પ્રતિકાવ્ય રચેલું-
ઈક શહંશાહને દૌલત કા સહારા લેકર,
હમ ગરીબોં કી મોહોબ્બત કા ઉડાયા હૈ મજાક!
ઉર્દૂના મહાન શાયર નઝીર અકબરાબાદીએ પણ તાજમહેલ છોડીને તાજની પાછળની ગલીગૂંચીને પ્રેમ કર્યો હતો. નઝીર, નૂરીગંજની ગલીઓમાં ફરતા ફરતા ગીતો ગાતો, એ કોમનમેનનો કવિ હતો. એણે રોટી, ભુખ કે રીંછ જેવા સામાન્ય વિષયો પર સરળ ને લોકપ્રિય કવિતાઓ લખેલી. કવિવર ટાગોરના શબ્દોમાં કહીએ તો ‘તાજમહેલ, સમયના ગાલ પર અટકી ગયેલ આંસુનાં ટીપા’ જેવી કલાકૃતિ હતી, પણ નઝીર, તાજમહેલની અંદરના સન્નાટાનો કવિ નહોતો પણ એ તો તાજમહેલ પાછળની બસ્તી, તાજગંજમાં મજૂરો-ગરીબોની ચીસો-નિ:સાસાનો કવિ હતો. ગુજરાતીમાં મેઘાણી પછી આમ આદમી કે મજૂરો, કિસાનો, ગરીબો પર લખનાર નઝીર જેવો લોકપ્રિય કવિ ભાગ્યે જ થયો છે કે કદાચ થશે.
જો કે એ જ નઝીરે, તાજમહેલ માટે લખેલું-
રૂએ જમીં (પૃથ્વી પર) પે યૂં તો મકાં ખૂબ હૈ યહાં,
પર ઈસ મકાં કી ખૂબિયાં ક્યા ક્યા કરું બયાં,
સંગે સફેદ (સંગેમરમર) સે જો બના હૈ કમર નિશાં(ચાંદ જેવો),
ઐસા ચમક રહા હૈ તજલ્લી (પ્રકાશ) સે યહ મકાં,
જીસસે બિલ્લોર (ક્રિસ્ટલ) કી ભી ચમક શર્મસાર હૈ.
એની વે, તાજને જો ટેક્સ ભરવા માટે નોટિસ મળી શકે તો આપણને મળે એમાં નવાઈ શું? તમને પ્રોપર્ટી કે પાણીનો ટેક્સ ભરવાની નોટિસ મળે તો મ્યુનિસિપાલિટીને કહેજો કે- જાવ, પહેલા તાજમહેલનો ટેક્સ વસૂલો પછી જ હું ભરીશ! (ચેતવણી: એમાં તાજનું તો કંઈ નહીં બગડે, તમારા ઘરને તાળું લાગી જઈ શકે છે!)
એન્ડ ટાઈટલ્સ:
આદમ: તું આઠમી અજાયબી છે
ઈવ: અઠસોમી વાર કહ્યું તેં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -