વારાણસીમાં ભયાનક અકસ્માત | મુંબઈ સમાચાર
નેશનલ

વારાણસીમાં ભયાનક અકસ્માત

કાર અને ટ્રક વચ્ચે અથડામણમાં 8 લોકોનાં મોત

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં સવારે એક ઝડપી કાર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટના ફુલપુરના કારખિયાંવ ખાતે સવારે બની હતી, જેમાં એક ટ્રક અને એર્ટિગા કાર સામસામે અથડાઈ હતી.

આ અકસ્માતમાં 3 વર્ષનો બાળક ચમત્કારિક રીતે બચી ગયો હતો, જ્યારે કારમાં સવાર અન્ય 8 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો પીલીભીતના છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર કાર પીલીભીતના રહેવાસીની હોવાનું કહેવાય છે. કારમાં બેઠેલા લોકો કાશીના દર્શને ગયા હતા, દર્શન પછી બનારસથી બધા જૌનપુર જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને કારમાં બેઠેલા 8 લોકોના મોત થયા હતા.


દુર્ઘટના પછી સ્થાનિક લોકો મદદ માટે સૌથી પહેલા પહોંચ્યા હતા. તેમણે કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગ્રામજનોની મદદથી તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને શિવપુર પોસ્ટ મોર્ટમ હાઉસ મોકલી આપ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ખૂબ જ નુકસાન થયું હતું. મૃતદેહોને બહાર કાઢવા માટે કારનો દરવાજો સળિયાથી તોડવો પડ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથે આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. યોગી આદિત્યનાથ કાર્યાલયના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્વીટ દ્વારા યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવા જણાવ્યું છે.


તેમણે બાબા વિશ્વનાથને દિવંગત આત્માઓની શાંતિ અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતનું કારણ શું છે તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Back to top button