ઉત્સવ

વેકેશન એટલે વાંચવાની મોજેમોજ…! (આ મોજ ક્યાં ગઈ?)

કેન્વાસ – અભિમન્યુ મોદી

બ્રિટનની આશ્ર્ચર્યજનક વાત છે. ૨૦૦૪માં રોનાલ્ડ જોર્ડન પકડાઈ ગયો. રોનાલ્ડ જોર્ડન કોણ? એ જે હોય તે, પણ એની ધરપકડથી અમુક લોકોએ ભારે રાહતની લાગણી અનુભવી તો અમુક લોકોને એના માટે સહાનુભૂતિ પણ થઇ. એની ઉપર અદાલતી કાર્યવાહી શરૂ થઇ. એના ઘરે રેડ પાડવામાં આવી ત્યારે એના ઘરેથી અધ્ધ્ધધ્ધ અઢાર હજારની ઉપરની સંખ્યામાં માલ નીકળ્યો. એ માલ ચોરીનો હતો. રોનાલ્ડ ધંધાદારી ચોર હતો. અને એ ફક્ત એક જ વસ્તુઓની ચોરી કરતો. અને એ હતાં: પુસ્તકો! વર્ષે પાત્રીસ હજાર જેટલાં પુસ્તકો ચોરીને વેચી નાખતો જે આમજનતાને સરવાળે સસ્તા ભાવે મળતા. રોનાલ્ડની ધરપકડ થઇ ત્યારે આમેય પુસ્તકચોરો (બશબહશજ્ઞસહયાિ)ં નો દબદબો ક્ષીણ થતો જઈ રહ્યો હતો. રોનાલ્ડની માસ્ટરી ટ્રાવેલ ગાઈડની બુક્સ ચોરવામાં હતી. હા, પુસ્તકચોરોના સમાજની અંદર પણ પેટા વિભાગો રહેતા. અમુક પુસ્તકચોર ફક્ત આર્ટ બુક્સ જ ઉઠાવતાં તો અમુક નોવેલ્સ જ. પણ એ જમાનો ઓલમોસ્ટ પૂરો થઇ ગયો છે. પેશેવર પુસ્તકચોરો હવે દુનિયામાં ક્યાંય નથી રહ્યા. એ લોકો ઈતિહાસ બની ગયા. પોલીસ કે કાયદાઓ નહિ, ઈલેક્ટ્રોનિક ઝંઝાવાતે આ પુસ્તકચોરોની હથોટી’ જમીનદોસ્ત કરી નાખી!

પ્રોફેશનલ પુસ્તકચોરો દુનિયામાં હવે રહ્યા નથી. આ વાતે ખુશ થવા જેવું નથી બલકે દુખી થવા જેવું છે. પુસ્તકચોરો એટલા માટે નથી રહ્યા કે સારા પુસ્તકોનું વાંચન ઘટી ગયું છે. બાકી યાદ કરો, કોલેજના એ દિવસો, સ્કુલની એ ચોપડીઓ અને લાઈબ્રેરીના એ કબાટો. પુસ્તકોની દુનિયા આખી અલગ હોય છે. અત્યાર સુધી તો દરેક વ્યક્તિની જિંદગીના ઘડતરમાં પુસ્તકોએ ક્યાંકને ક્યાંક ભાગ ભજવ્યો છે. પણ હવે શું સ્થિતિ છે? એના માટે ગુલઝારની આ પ્રખ્યાત નઝમનો વીડિયો ફરીથી જુઓ.

કિતાબે ઝાંકતી હૈ બંદ અલમારી કે શીશો સે
બડી હસરત સે તકતી હૈ મહિનો અબ મુલાકાતે નહિ હોતી
જો શામે ઉનકી સોબત મેં કટા કરતી થી, અબ અક્સર
ગુઝર જાતી હૈ કમ્પ્યુટર કે પરદો પર;
બડી બેચૈન રહતી હૈ કિતાબે.

ઉન્હેં અબ નીંદ મેં ચલને કી આદત હો ગયી હૈ.

આહા. આફરીન. બુકનું પેજ ફેરવવા માટે હોઠે આંગળી અડાડીયે અને એનો જે ઝાયકો આવે, અને એની મજા, આંગળીથી ક્લિકમાં મળવાની? ચોરીછુપીથી જોઈ રહેતી કોઈ આંખો સાથે બે-ત્રણ પુસ્તકોની લેવડદેવડ વીસ-ત્રીસ પેઢીઓના ફોર્મેશનમાં પરિણમે! બુકની તાકાત તો જુવો! પરંતુ હાર્ડ બાઉન્ડ પુસ્તકો પણ ધીમી તો ધીમી, પણ ઓટમાં છે. એની ભરતીનો જમાનો ગયો.

સદીઓ વીતતી ગઈ. મનુષ્યને ગુફાચિત્રો દોરવામાં ફાવટ આવી ગઈ. ચિત્રો નાનાં થતાં ગયાં અને તે સરવાળે અક્ષરોમાં પલટાયા. પેપીરસની છાલમાં પુસ્તકનો નાજુક જન્મ થયો. જમાનાઓ બદલાયા. સદીઓ પટકાતી ગઈ. સમય છૂટતો ગયો. જાતિઓ વિલોપ થઇ, અસ્તિત્વમાં આવી. પણ પુસ્તકો અડીખમ રહ્યા. ના, એમ નહિ, પુસ્તકો જ આખા વિશ્ર્વની કાયાપલટનું નિમિત્ત અને સબૂત બનતાં રહ્યાં. બ્રિટનથી બાર્બાડોસા અને સિંધથી સુદાન સુધી, રૂસથી રોમાનિયા અને પનામાથી પંજાબ સુધી પુસ્તકો રાજ કરતા આવ્યાં છે. પુસ્તકોએ આખેઆખી સંસ્કૃતિને પલોટી છે અને દરેક દેશના ઈતિહાસને સાચવીને બતાવ્યો છે. દરેક ધર્મના મજબૂત પાયા એકલદોકલ પણ મહાન બુક ઉપર તાકાતથી જડાયેલા છે. ધર્મની એ વિચારધારા સાથે અબજો માનવો અને એના વર્ગની ચોક્કસ સંસ્કૃતિ ટકી છે. માનવવ્યવસ્થાને પોતાના મિજાજ થકી આજ સુધી ટકાવી રાખી છે આ પુસ્તકોએ.

માણસને જીવવા માટેની સૌથી મહત્ત્વની અને પાયાની જરૂરિયાત જો રોટી, કપડાં અને મકાન જ ગણાતી હોય તો આપણા અને આદિમાનવોમાં ફર્ક શું? કે ફોર ધેટ મેટર કોઈ પણ પ્રાણીમાં અને આપણામાં? આપણે બીજા જીવો કરતાં કઈ બાબતે જુદા પડીએ છીએ? બુદ્ધિથી. અને બુદ્ધિનું એક્સટેશન કમ એક્સપ્રેશન એટલે બુક્સ, પુસ્તકો. પુસ્તકોએ હાલના બુદ્ધિચાતુર્યથી ભરપૂર માણસ બનવાની પ્રોસેસ-ઉત્ક્રાંતિમાં જે પ્રત્યક્ષ અને પરોક્ષ ડાયનોસોર-ફાળો આપ્યો છે એ બદલાતા જતા ઉગઅ એ પણ નથી આપ્યો. શબ્દો જ બોલવા-સાંભળવા-જોવા-વર્ણન કરવાનું ડેવલપ કરતાં ગયા અને આપણે ભગવાન-દેવો-દાનવો, મહાભારત-રામાયણ-ઓડીસી-બાઈબલ-કુરાન જેવી મહાગાથાઓ કે ધર્મગ્રંથો પણ પુસ્તકના રૂપમાં જોયા. પુસ્તક ન હોત તો ભગવાન મળત?

કાર્લ માર્ક્સ રશિયાની શકલસુરત બદલી નાખે તો ઇસપની વાર્તાઓ વિના દરેક દેશના બાળકો કેમ મોટા થયા હોત? પૂર્વવૈદિક અને વૈદિક કાળની સંસ્કૃતિ, પુરાણો, ગ્રંથો અને ભારતને આઝાદી આ બધું પુસ્તકો વિના કલ્પી શકાય એમ છે? દેશના વિકાસ માટે જરૂરી ઇકોનોમિકસ, વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી અને સમૃદ્ધ સાહિત્ય આ બધું પુસ્તકો વિના ઘર-ઘર તથા પેઢી દર પેઢી પહોચત નહિ અને જો એ ન પહોંચત તો હજુ આપણે કમર ફરતે લીલા પાંદડા વીટીને પથરાળ યુગમાં ફરતા હોત. સમગ્ર માનવજાત પર પુસ્તકોનું ઋણ છે. બુક્સની બલિહારી છે બોસ.

આ બધી વાત આજે કરવાનું એટલા માટે થયું કે વેકેશન સમય આવી રહ્યો છે. બાળકોના વેકેશનમાં વડીલોને પણ થોડું વધુ ફ્રી રહેવું પડતું હોય છે. ઇલેક્ટ્રોનિક વાવાઝોડાં સામે પુસ્તકોનો ગઢ હવે અડીખમ નથી દેખાતો. માટે આવતીકાલના વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે નિમિતે જોરશોરથી ચીલ્લાવું પડે છે કે સારી બુક્સ વાંચો. પુસ્તકોને થોડાં તો પોતીકા બનાવો. લાઈબ્રેરીની ખાલી હવા ટચસ્ક્રીન સામે હાર માનતી જાય છે. વાંચવાનું છાપાંની હેડલાઈન, કોલેજ-કલાસીસના મટિરિયલ-લીથા, બેંકની પાસબુક, બિઝનેસ ચેનલના શેરના આંકડા અને વોટ્સએપિયન સુપરફિશિયલ મેસેજ પૂરતું મહદંશે સીમિત થઇ ગયું છે, અને તેને વાંચવાનું કહી શકાય, વાંચન નહિ. તો વાંચન કોને કહેવાય? કરીએ વાત, આવતા અંકમાં…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…