ઉત્સવ

યાત્રા

ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ

ભૂમિ ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે હાજર થયો. મેનેજર રાજુ. ઉંમર ૧૬ વરસ. ભૂમિ ટ્રાવેલ્સના માલિક કાનજીભાઇ પપ્પાના મિત્ર. ઓલ્ડ એસએસસી- મેટ્રિક પાસ કર્યા પછી રાજુને ભણવાની ઇચ્છા મોળી હતી.બાપાએ કાનજીભાઇને વાત કરી. કાનજીભાઇએ તેમને ત્યાં નોકરી આપી રાજુને પલોટવાનું સૂચન કર્યું.

રાજુ હાજર થયા પછી કાનજીભાઇએ ત્રણ-ચાર દિવસ પછી રાજુને તેમની પાસે બોલાવ્યો .

“જો રાજુ. પાલૈયા ગામના ગ્રૂપને આપણે અયોધ્યા, છપૈયા, અલાહાબાદ ત્રિવેણી સંગમની જાત્રા કરાવવાની છે. તારે ટૂર મેનેજર તરીકે તેમની સાથે જવાનું છે. બધા તારાથી ચાર ગણી ઉંમરના છે. બધાનું માન સન્માન જળવાઇ રહે તેમ વર્તન કરજે!!

દહેગામના પાલૈયાના ૪૦ જણાની ટૂર હતી. રાજુ ટૂર મેનેજર, રસોઇયો, બે મદદનીશ રસોઇયા અને બે હેલ્પરો!

ત્રેવીસ તારીખે સવારે નવ વાગ્યે એર ઇન્ડિયાની અમદાવાદ- દિલ્હીની ફલાઇટ હતી!!

સવારના છ વાગ્યે રાજુ અમદાવાદ એરપોર્ટના ડિપાર્ચર એરિયાના બહાર યાત્રિકોની પ્રતીક્ષા કરવા લાગ્યો. ધીરે ધીરે પુરુષો ધોતિયા-થેપાડા, પહેરણ અને પગમાં ચાંચવાળા જોડામાં અને મહિલાઓ ઘેરદાર ઘાઘરા,કમખા અને હવાઈ ચંપલમાં સજ્જ થઇ આવવા લાગી. સામાનમાં બેગ, બગલથેલો કે ટ્રોલી બેગ નહીં. યુરિયા ખાતરની ખાલી થેલીમાંથી બે ગોંડલ લગાવી બેગ બનાવેલ. તેમાં કપડાં અને બીજો સામાન ભરેલો. બેગ લોક કરવાનો સવાલ નહીં!!

રાજુએ એર ઇન્ડિયાના કાઉન્ટર જઇને બધાનો બોર્ડિંગ પાસ કઢાવ્યો. ખાતરની થેલીની રૂરલ બેગને હેન્ડબેગ ગણાવી તેના પર ટેગ લગાડાવી. બધા બબૂચકો કે બાઘા બની એરપોર્ટની ગતિવિધિ નિહાળે. એરપોર્ટની ચકાચક કાચની દીવાલો, સરકતી સીડીઓ, દુકાનો, માણસોને જોયા કરે.

રાજુએ બધાનું સિકયોરિટી ચેકિંગ કરાવ્યું. બધાને વેઈટિંગ લોન્જમાં બેસાડ્યા. વિમાનમાં જવા માટે ગેટ નંબર પાંચનો ઉપયોગ કરવાનો હતો. એ સમયે એરોબ્રિજ હતા નહીં કે તમે એરોબ્રિજનો ઉપયોગ કરી સીધા પ્લેનમાં દાખલ થઇ શકો!!

ગેટ નંબર પાંચ પર દરેકના ગેટપાસ પર એર ઇન્ડિયાની મહિલા કર્મચારીએ સિક્કા લગાવ્યા. ગેટ નંબર પાંચ પર બસ ઊભેલી હતી. સૌ તેમાં ગોઠવાયા. વિમાન પાસે ઉતરી રાખેલી સીડી ચડી વિમાનમાં દાખલ થયા. એર હોસ્ટેસે પ્રોફેશનલ સ્માઈલ સાથે વેલકમ સર, વેલકમ મેડમ ગુડમોર્નિંગ જેવા પ્લાસ્ટિકિયા વાક્યો બોલી સ્વાગત કર્યું!! સૌ પોતપોતાની ખુરશીમાં ગોઠવાયા. રાજુએ બધાને ખુર્શી કી પેટી બાંધી આપી!!

એર હોસ્ટેસે વિમાનના દરવાજા બંધ કર્યા. વિમાનના કેપ્ટન અભિષેક સહેગલે બધાને ગુડ મોર્નિંગ કહી પ્લેન ટેક ઓફ કરવા માટે રેડી હોવાની હિન્દી-અંગ્રેજી ભાષામાં ઘોઘરા અવાજે એનાઉન્સમેન્ટ કર્યું. વિમાનના એન્જિનની ઘરઘરાટી વધી. વિમાન રન વે પર દોડવા માંડ્યું.એક હળવા ધક્કા સાથે વિમાને ટેઇક ઓફ કર્યું!!

આ બાજુ પાલૈયામાં ૪૦ મુસાફરોએ સ્વામીનારાયણ, રામ, કૃષ્ણ, અંબે, ચામુંડા મા જે કોઇ હડફેટે ચડ્યું તેમની જયજયકાર બોલાવી. છેલ્લે હરહર મહાદેવની જય સાથે બંને હાથ ઊંચા કર્યા!!
એર હોસ્ટેસ ડઘાઇ ગઇ.તેણે રાજુને ફરિયાદ કરી.

આ લોકો ગામડિયા છે. કદી ટ્રેનમાં મુસાફરી કરી નથી. પ્લેનમાં પહેલીવાર બેઠા છે. મુસાફરી કરે ત્યારે દેવતાદેવીનો જયજયકાર બોલાવે છે!!એર હોસ્ટેસે અણગમાથી માથું ધુણાવ્યું!!
થોડીવાર થઇ કે એર હોસ્ટેસે રાજુની પાસે જઇને કહ્યું , કોઇ લાલજીભાઇ તુમ્હે બુલા રહે હૈ!

“કહાંપેં રાજુએ પૂછયું.

“લેવેટરીમેં એર હોસ્ટેસે કહ્યું.

“રાજુલેવેટરી તરફ ગયો. તેણે કહ્યું, “બોલો લાલજીભાઇ.

રાજુ ભાઇ.લોચો પડ્યો છે. મહીં પાણી લેવા પાણી નથી. માલ પોખરામાં પડ્યો છે. શું કરું?

“લાલજીભાઇ. તમે ખેતરમાં શું કરતા હતા? રાજુએ પૂછયું.

“પગ ઘસી નાંખતા હતા. લાલજીભાઇએ કહ્યું.

“લાલજીભાઇ, તમારી ડાબી બાજુ એક ખાનામાં કાગળિયા દેખાય છે? એ લઇને સફાઇ કરી નાંખો. પછી ઊભા થઇને પોખરા પર બટન છે તે દબાવો એટલે બધું જતું રહ્યું. લાલજીએ બટન દબાવ્યું એટલે કાન ફાડી નાંખે તેવો અવાજ થયો!! લાલજીભાઇએ રાજુની સૂચના મુજબ વર્તીને બહાર આવ્યો! લાલજીએ બધાને કહ્યું કે જાજરામાં લોચો છે, કોઇ જશો નહીં.
વિમાન મુસાફરીમાં ખાસ કોઇ પ્રસંગ બન્યો નહીં.દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું.

દિલ્હી એરપોર્ટ પર ઉતરી સૌને મિનિ બસમાં પહાડગંજ વિસ્તારની હોટલમાં ટ્રાન્સફર કર્યા. બીજા દિવસે મિનિ બસમાં હરદ્વાર જવા નીકળ્યા. હરદ્વાર પહોંચવાના એકાદ કિલોમીટર દૂરનો ઘાટ દેખાડી રાજુએ કહ્યું કે આપણે અહીંયા ગંગાસ્નાન કરવા આવવાનું છે.
હરદ્વાર પહોંચ્યા પછી સૌ હોટલના રૂમમાં ગોઠવાયા. રાજુ બધા માટે રાતના જમવાની વ્યવસ્થામાં લાગ્યો! એકાદ કલાક પછી રાજુએ બધાના રૂમો પર જઇ
જમવાનું તૈયાર છે તેવું રહેવા પહોંચ્યો. બધાની રૂમોને તાળા મારેલા હતા. રાજુને ફાંળ પડી કે આ બધા અજાણ્યા વિસ્તારમાં કયા ગયા, ક્યાંક ભૂલા ન પડી જાય! રાજુની મેનેજર તરીકે પહેલી ટૂર! કંસાર કરવા જતા થુલી થઇ જાય!!! રાજુએ હાંફળાફાંફળા થઇને શોધખોળ શરૂ કરી. તેટલામાં બધા ભીના લૂગડે પાછા આવ્યા.

મને કહ્યા વગર કયાં જતા રહેલા? અજાણ્યા શહેરમાં ક્યાંક ખોવાઈ જાવ તો કોની જવાબદારી ?

રાજુ તે હરદ્વાર આવતા ધાટ દેખાડેલો. અમને ગંગા મૈયામાં ડૂબકી લગાવવાની ઇચ્છા થઇ. અમે નાના બાળકની જેમ એકબીજાના હાથ પકડીને માનવસાંકળ બનાવીને ઘાટે જઇ, સ્નાન કરી એ જ રીતે હોટલ પાછા સલામત આવ્યા છીએ લાલજીભાઇએ કહ્યું.

રાજુએ મનોમન ગામડિયાની કુશાગ્રબુદ્ધિને વંદન કર્યા.

આંખો પ્રવાસ સુખરૂપ પૂરો થયો. પ્રવાસેથી પાછા પરત પાલૈયા આવી સૌ પોતપોતાના કામધંધે વળગી ગયા.

કહાનીમાં હવે ટવિસ્ટ છે.વિલન વિના સિનેમા અધૂરી રહે,પૂરી ન થાય તેમ ટવિસ્ટ વિના કહાની આધી અધૂરી જ રહે!!!

“રાજુ સાંજે છૂટીને પાલૈયા જવાનું છે. આટલું કહીને કાનજીભાઇએ ફોન કટ કરી નાંખ્યો!

રાજુ વિચારમાં પડી ગયો. તમામ યાદો ફંફોસી. ટૂરમાં ક્યાંક કોઇની સગવડ સચવાઇ ન હોય. પેલા કાકાએ બંને ટાઇમ છાશ આપવા ભારપૂર્વક જણાવેલ. ચંપામાસીએ બાસમતી ચોખા તુવેરદાળની ખિચડી કરવા કહેલ. કામિનીબાને રૂમમાં એસી ચાલતું ન હતું. આવી નાનીમોટી ફરિયાદીએ મોટું સ્વરૂપ લીધું હોય!! નહીંતર પાલૈયા ગામવાળા મને અને શેઠને શું કામ બોલાવે? રાજુને થયું કે આજે હાડકા ખોખરા થવાનો યોગ જણાય છે.

ગામની ભાગોળે લોકો લાકડી, ધારિયા, ધોકા લઇને ઊભા છે અને રાજુ અને શેઠનો વારો પડી જશે!!

રાજુ અમદાવાદથી પાલૈયા આવે ત્યાં સુધી પારેવાની માફક ફફડતો રહ્યો. પાલૈયા ગામની ભાગોળે લોકોના ટોળા ઊભા હતા. રાજુને થયું કે આજે ફોટા પર હાર લાગી જશે!! જેમ જેમ નજીક આવતા ગયા તેમ ફફડાટ વધતો ચાલ્યો!! આમ, પાલૈયા પહોંચ્યા . ત્યાં શણગારેલા બે ઘોડા ઊભા રાખેલા. કાનજીભાઇ અને રાજુને ઊભા રાખી કુમારિકાએ સ્વાગત કર્યું. પૂજારીએ કુમકુમ તિલક કર્યું. બંનેને ઘોડા પર બેસાડી લાજતો ગાજતે પ્રાથમિક શાળામાં લઇ ગયા.બંનેને ખુરશીમાં બેસાડ્યા. એક એક પિત્તળનો તાંસ લાવી તેમાં તેના પગ મૂક્યા. બધા ગામજનોએ તેમના ચરણ પખાળ્યા!! ગામ લોકોએ હવન કરેલો. તેમાં બંનેના હાથે આહુતિઓ અપાવી. સરપંચના હાથે બંનેને ચાંદીનું સન્માનપત્ર આપ્યું. સરપંચે રાજુની ચોકસાઈ, મેનેજમેન્ટ પાવર, વડીલો સાથે કરેલ આદર સત્કારના વખાણ કરી બે તોલાનો સોનાનો ચેન આપ્યો!!!

સરપંચે કહ્યું પણ ખરું કે હવે જ્યારે જ્યારે પાલૈયા ગામના લોકો યાત્રાએ જશે તો ભૂમિ ટ્રાવેલ્સમાં જ જશે અને રાજુભાઇ ટૂર મેનેજર હશે તો જ જશે. આ ગામની એક શેરીનું નામ રાજુ શેરી રહેશે.
તાળીઓનો ગડગડાટ રાજુને આજે પણ રોમે રોમે વ્યાપેલો રહે છે અમે મહી આનંદનું લખલખું શીતળ મલયાનિલની માફક પ્રસરી જાય છે???
ભરત વૈષ્ણવ

( સત્ય ઘટના પર આધારિત. )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…