ઈન્ટરવલ

લેણદેણ

ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ

કાવ્યા આજે ખુશ હતી. ઓફિસમાંથી ટ્રેનિંગ માટે જવાનું હતું. આજે ટ્રેનિંગ જલદી પૂરી થઈ જતા વહેલા ઘરે જવા મળ્યું. ઘડિયાળ જોતાંજ એના ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું. હાશ, હજી તો ત્રણ વાગે છે. અંધેરીથી ફાસ્ટ લોકલ મળી જાય તો જલદી ઘર ભેગી થઈ જાઉં… ઈશા તો હજુ આવી નહીં હોય આરામથી નહાવા મળશે. પોતાના મન સાથે વાત કરતી કાવ્યા જલદી ઘરે ગઈ અને ઘર ખોલતાંજ એક અજબ આનંદની લાગણી અનુભવી રહી. સોફા પર બેસતાં જ હાશ!! બોલાઈ ગયું, પણ જેવી નજર બેડરૂમમાં ગઈ તો જોયું ઈશા સૂતી હતી. એની બધી જ મજા બગડી ગઈ. ગુસ્સામાં મોં મચકોડ્યું, મનમાં જ બોલી, “કેવી પનોતી ચીટકી છે?… કાશ, મારી પાસે વધારે પૈસા હોત તો… તો આ ફ્લેટમાં ઈશાને પેટાભાડૂત તરીકે રાખીજ ન હોત…પણ જવા દે ‘તો’ થી કોણ છૂટ્યું છે!! નિસાસો નાખતા ઊભી થઈ રૂમમાં જઈ પોતાના કબાટમાંથી કપડાં લીધા… બાથરૂમમાં જતાં એક નજર ઈશા તરફ નાખી. એ ધ્રૂજતી જણાય. જાણે રડતી હોય… પણ કાવ્યાએ મારે શું? વિચારી ધ્યાન આપ્યું નહીં. નહાવા જતી રહી.

ધરાઈને નાહી ફ્રેશ થઈ. મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો. ઈશા હજુ ઊઠી જ નહીં, એને કાવ્યા આવ્યાનો અવાજ તો આવ્યો જ હશે છતાં… કાવ્યાને નવાઈ લાગી. “ઈશા, હું કોફી બનાવું છું, તારે પીવી છે? ઈશા તરફથી કોઈ જ જવાબ ન મળ્યો. એની નજીક જઈ પૂરું બોલી જ ન શકી. ઈશાની હાલત જોઈ કાવ્યાને તેની દયા આવી. “અરે, તને તો તાવ છે… શરીર કેટલું ગરમ છે, કોઈ દવા લીધી? ઈશાએ માત્ર ઈશારાથી જ ના કહ્યું.

“કાંઈ નહીં જો હું કોફી બનાવું છું… કોફી સાથે બિસ્કિટ ખા અને પછી ક્રોસિન આપું છું. રાતે ડૉક્ટર પાસે જઈશું. કાવ્યાના અવાજમાં એક પ્રકારની આજ્ઞા હતી, જેથી ઈશા કાંઈજ બોલી નહીં.
બે મગ કોફીના ભરીને કાવ્યાએ ટેબલ પર મૂક્યા. ટેકો આપી ઈશાને તકિયાના સહારે બેસાડી અને હાથમાં કોફી આપી. પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો. ઈશાને તો ઠીક કાવ્યાને પણ પોતાના વર્તનની નવાઈ લાગી. રોજ લડવાનું સંભળાવવાનું બહાનું શોધતી રહેતી આજે અચાનક… બન્ને જણા ચૂપચાપ કોફી પીતા રહ્યાં. ખબર નહોતી શું બોલવું? કોણ શરૂઆત કરે?… બન્નેના સંબંધો જ એવા હતા.

લાતુર પાસેના નાના ગામડામાંથી ગ્રેજ્યુએટ કર્યા પછી કાવ્યા નોકરીની શોધમાં મુંબઈ આવી. કાકાને ત્યાં થાણામાં રહી નોકરી શોધતી રહી. પારલાની એક ઓફિસમાં એને નોકરી મળી. ઓફિસના અન્ય કર્મચારી તથા એના બોસ સારા હતા. એને ત્યાં કોઈ જ અગવડ નહોતી. એના બોસ સ્નેહા પાટીલ ખૂબ પ્રેમાળ સ્ત્રી હતી, એ પોતાની ત્યાં નોકરી કરતી દરેક છોકરીઓને પ્રેમથી સાચવતા. સવારથી રાત સુધીની નોકરી તેમ જ થાણાથી અંધેરી સમયસર પહોંચવાનું હોવાથી કાવ્યા ઘરમાં કાંઈ જ મદદ નહોતી કરી શકતી. આથી તેના કાકી હંમેશાં તેનાથી નારાજ રહેતા.

“આવી ગયા મેડમ? તમે તો જાણે ઘરના મહેમાન છો!! આવો રસોઈ તૈયાર છે… આવા મહેણા રોજ સાંભળવા મળતા. થાકેલી કાવ્યા ઉદાસ થઈ જતી. છતાં, છ મહિના ખેંચી કાઢ્યા. પોતાની આ મૂંઝવણ અચકાતાં અચાતાં પાટીલ મેડમને જણાવી વયમાં સૌથી મોટા પાટીલ મેડમ ઓફિસની છોકરીઓની મૂંઝવણ સમજતાં તેમ જ મદદરૂપ થતાં. તેમણે વિરારમાં પોતાના ઘર પાસે જ એક બિલ્ડિંગમાં એક બેડરૂમ, હોલ, કિચનનો ફર્નિચરવાળો ફ્લેટ ૮૦૦૦ રૂ. ભાડા પર અપાવ્યો. કાવ્યાને ભાડું થોડું વધુ લાગ્યું પણ સ્ટેશન નજીક, પાટીલ મેડમની નજીક તથા સજાવેલો હોવાથી લઈ લીધો.
કાવ્યા એક ગરીબ કુટુંબમાંથી આવે છે. એના પિતા ખેડૂત હતા જે ખેતરમાં કામ કરતા સાપ કરડવાથી મૃત્યુ પામ્યા. માતાએ ગામના શ્રીમંત ઘરોમાં વાસણ કપડાં કરી દીકરીને ભણાવી. કાવ્યા પછીના બે ભાઈઓ ભણવામાં હોશિયાર હતા, એટલે જ કાવ્યાએ મુંબઈ આવવાનું નક્કી કર્યું, તેમ જ ભાઈઓને ભણાવાય એમ વિચાર્યું. નસીબે સાથ આપ્યો અને નોકરી તથા જગ્યા સારી મળી ગઈ. પણ મહિને રૂ. ૮૦૦૦ ભાડું વધારે લાગતું હતું. એણે પાટીલ મેડમને મુશ્કેલી જણાવી હંમેશની જેમ તેઓ ફરીથી મદદે આવ્યા.

“ઈશા નામની એક છોકરીને હું ઓળખું છું. કોલ સેન્ટરમાં નોકરી કરે છે માટે સમય સાચવવો પડશે. બાકી નિયમિત ભાડું આપશે, તને પણ એકલું નહીં લાગે. બન્નેને એકબીજાની કંપની રહેશે.
કાવ્યાને યોગ્ય લાગ્યું, “મેડમ આપની વાત સાચી જ છે આમ પણ સાંજે ઘરે ગયા પછી મને એકલું લાગે છે. કંપની અને પૈસા બન્ને મળશે તમે એમની સાથે વાત કરો અને શક્ય હોય તો આજે જ મળી લઈએ… આપનો ખૂબ ખૂબ આભાર.

“અરે એમાં શું? તમે બધા તો મારો પરિવાર છે. મારો દીકરો તો વિદેશમાં છે અહીં તમે જ તો બધા મારા છો…

સાંજે ઈશા જગ્યા જોઈ મળી નક્કી થઈ ગયું. બીજે જ દિવસે ઈશા સામાન લઈ આવી. સામાનમાં તો કાંઈ હતું જ નહીં માત્ર એક બેગ. બેડરૂમમાં બે સીંગલ બેડ હતાં એમાંથી એક ઈશાને ફાળવી નાનું કબાટ આપી દીધું.

શરૂઆતમાં તો બન્ને વચ્ચે સારી વાતો થતી, જ્યારે ઈશા વહેલી આવતી ત્યારે મોડી રાત સુધી બન્ને વાતો કરતા. ઈશાના મોબાઈલ પર સતત ફોન આવતા રહેતા. જેથી કાવ્યાને કંટાળો આવતો.
એના ફોન પર થતી વાતોથી કાવ્યાને સમજાયું કે કોઈ કોલ સેન્ટરમાં નહીં પણ જુહૂની નટરાજ હોટલમાં કામ કરે છે. ઈશા સૂતી હોય ત્યારે તેનાં મેસેજ વાંચતા તેમ જ ફોન પર થતી વાતો સાંભળતા કાવ્યાને સમજાઈ ગયું કે ઈશા હોટેલમાં કેવા પ્રકારનું કામ કરે છે. આ વાત કાવ્યા પાટીલ મેડમને પણ કરી શકે તેમ નહોતી. સંબંધ બગડે. એમણે ઘણી મદદ કરી હતી. તેમ જ ભવિષ્યમાં પણ એમની જરૂર પડે, કદાચ એમને ઈશા વિશે ખબર ન હોય એમ વિચારી એને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું. એકાદ વર્ષ પછી બીજા કોઈને રાખી લઈશ એવું નક્કી કર્યું.

બન્ને વચ્ચે તિરાડ તો પડીજ ચૂકી હતી. નાની નાની વાતોમાં કચકચ થતી. કાવ્યા હંમેશાં ઈશાની ભૂલો શોધતી. તું પાણી વધારે વાપરે છે. ટી.વી. હું મારી પસંદની ચેનલ જ જોઈશ, સાંજે હું થોડું બનાવીશ બાકી તું સમયસર આવીને બનાવજે. મારો મોબાઈલ પહેલા ચાર્જ કરવા મૂકીશ… વગેરે… શક્ય હોય ત્યાં સુધી ઈશા ચૂપ રહેતી. પણ ક્યારેક જવાબ આપી દેતી. “કાવ્યા, હું પણ પૈસા આપીને રહું છું, મને પણ દુ:ખ થાય છે. કાવ્યા માત્ર વ્યંગમાં હસતી.

કોફી પીતાં પીતાં કાવ્યાએ મૌન તોડ્યું, “આજે ગઈ જ નહોતી કે જઈને પાછી આવી? આટલો બધો તાવ છે, દવા લેવી જોઈએ… મને ફોન કરવો જોઈએ… ચાલ ડૉક્ટર પાસે જઈએ…
“ના… ના મારે ક્યાંય જવું નથી, મને, મને સૂઝતું નથી હું શું કરું? ઈશા કાવ્યાનો હાથ જોરથી પકડી રડવા લાગી.

“અરે, નાના છોકરાની જેમ રડ નહીં. તાવ તો છે… એ તો સારું થઈ જશે, આરામ કર હું છું ને? …ચાલ હું થોડી ખીચડી, શાક એવું બનાવી લઉ પછી જઈને દવા લઈ આવીએ. તું ત્યાં સુધી આરામ કર. સહાનુભૂતિથી કાવ્યા ઈશાના માથા પર હાથ ફેરવતી હતી. થોડો પ્રેમ મળતાં જ ઈશા તૂટી ગઈ. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કાવ્યાએ પણ એને રડવા જ દીધી. માત્ર એના માથા તથા પીઠ પર હાથ ફેરવતી રહી. થોડી વારે એને પાણી આપી શાંત કરી. સરખી સૂવડાવી કાંઈ જ પૂછયું નહીં. હમણાં આરામ કર, કાંઈ વિચાર નહીં એક વખત તાવ ઊતરે પછી તારી સમસ્યા વિશે વિચારશું, હમણાં સૂઈ જા.

ઈશા પણ આજ્ઞાકારી બાળકની જેમ સૂઈ ગઈ. રસોઈ બનાવતા કાવ્યા ઈશા વિશે જ વિચારતી રહી, શું હશે? એને ઈશાની દયા આવી. પરવારી બેડરૂમમાં ગઈ ઈશા સૂતી હતી. પ્રેમથી એને ઉઠાડી ડૉક્ટર પાસે લઈ ગઈ. સામાન્ય ચેકઅપ કરી ડૉક્ટરે દવા આપી. જમી પરવારી કાવ્યા ઈશા પાસે બેસી દવા આપી શાંતિથી પૂછયું, “મને જણાવી શકાય એવું હોય તો કહે, આપણે સાથે વિચારી નિવારણ કરીએ. ચિંતા કરી વધું માંદી પડશે. થોડી હિંમત અને ધીરજથી કામ કરવું પડે. ઈશાએ પણ બધું સાચું કહી દેવાના નિર્ણય સાથે સ્વસ્થ થઈ કાવ્યાને કહેવાનું શરૂ કર્યું.

“કાવ્યા, તને મારા ફોન પર થતી વાતો તથા આવવા જવાના સમય પરથી ખબર પડી જ હશે, હું શું કામ કરું છું?

કાવ્યાએ માત્ર ઈશારામાં માથું હલાવી હા કહ્યું.

“હું મૂળ દહેરાદૂનની છું. મારા લગ્ન નાની વયમાં જ થયાં હતાં. ખાસ ભણી નહીં પણ ઈશ્ર્વરે રૂપ સારું આપ્યું. પતિ સાથે સુખી હતી. મારા પતિ અકસ્માતમાં માર્યા ગયા. મારે એક દીકરો છે. દીકરા તથા મને મારા પતિના અકસ્માત મૃત્યુ પછી સાસરે રાખવાની ના કહી. હું મારા માતા-પિતાના ઘરે આવી. માતા પિતા મૃત્યુ પામ્યા હતા. ભાઈ ભાભીના સહારે રહેવા લાગી. ભાભી કાંઈ બોલ્યા નહીં પણ તેમના વર્તનમાં અમારા પ્રત્યેનો અણગમો દેખાતો હતો. હું કાંઈ કામ શોધતી હતી. હું સમજતી હતી કે મોંઘવારીના જમાનામાં અમે બન્ને ભાઈને માથે પડ્યાં હતાં. એજ સમયે મારા કાકાનો છોકરો સમીર મુંબઈથી દહેરાદૂન આવ્યો હતો. મેં તેને વાત કરી.

“અહીં શું નોકરી મળે? ચાલ, મુંબઈ તને ખૂબ કામ મળશે, તારો દીકરો અને તું ઠાઠથી રહેશો… થોડા પૈસા રાખ આપણે આદિત્યને હોસ્ટેલમાં મૂકી દઈએ એટલે તને ભાઈ ભાભી પાસે એને મૂકવો નહીં પડે.

હું ખુશ થઈ ગઈ. મનમાં પ્રભુને પ્રાર્થના કરી પણ… પણ… પ્રભુ?? પ્રભુ હંમેશાં શક્તિશાળીને જ મદદ કરે છે. આપણે જે મનમાં ઈચ્છીએ તે ના જ થાય એવા સંજોગો ઈશ્ર્વર યોજે છે. ઈશ્ર્વરને ઝંખના કહેવી જ નહીં! કેટકેટલું અહીં આવી ત્યારે મનમાં ધારેલું!! સરસ નોકરી કરીશ કમાઈશ… દીકરાને ભણાવીશ. પણ.. ધ્રુસકે ધ્રુસકે રડી પડી ઈશા… કાવ્યાએ એને શાંત કરી.

સમીર મને મુંબઈ લઈ આવ્યો. મને ત્યારેજ શંકા ગઈ. મેં પૂછયું તો મને સમજાવી બહાર જતો રહ્યો. હું કાંઈ સમજું એ પહેલા તો એ કોઈને લઈ આવ્યો. એણે મારો સોદો કરી લીધો. મેં વિરોધ કર્યો. બૂમ બરાડા ધમપછાડા કર્યા પણ વ્યર્થ. હોટેલમાં બધા એના સાથીદાર હતા. એક મજબૂર છોકરી અજાણ્યા શહેરમાં કેટલું જોર કરી શકે? હું લાચાર થઈ ગઈ અને…છેવટે મેં પરિસ્થિતિ સાથે સમાધાન કરી સ્વીકારી લીધું. મેં દીકરાના ભવિષ્યનો વિચાર કર્યો એ સરખું ભણી રહે એટલે બસ. મેં આદિત્યને માત્ર નાના બાળકો સાચવવાની સારી નોકરી મળી છે એમ સમજાવ્યું. ત્યાં એને સારી શાળામાં ભણાવું છું પૈસા પૂરા મોકલું. હું પણ અહીં જીવું જ છુંને, હું કમાઈ લઉં છું. ત્રણ વર્ષમાં મેં મારા પોતાના ગ્રાહક ઊભા કરી લીધા છે. જેથી સીધી મને જ કમાણી થાય. સમીરને કાંઈ આપવું નહીં પડે.

બોલીને જાણે થાકી ગઈ હોય એક અટકી. એની આંખો લાલ થઈ ગઈ. અવાજ કંપવા લાગ્યો. એનું આખું શરીર ધ્રુજવા માંડ્યું. કંપતા અવાજે કહે, “કાવ્યા, હું એક સ્ત્રી છું પણ મારી અંદરનું સ્ત્રીત્વ તો ક્યારનુંય ચિમળાઈ ચૂંથાઈને લીરે લીરા થઈને ઊડી ગયું છે. મુંબઈમાં મારી નજાકત ઋજુતા ક્યાંક ખોવાઈ થઈ છે. કાવ્યાએ તેને પાણી આપ્યું. “બસ, કાવ્યા સમીરને આજ વાંકું પડ્યું છે. મને રોજ ધમકી આપે છે કે એ મારા દીકરાને તથા અન્યોને અહીંના મારા ધંધા વિશે કહી દેશે… નહીં તો મારી સાથે હું કહું એમ જ કરવાનું. એ મને ખૂબજ થોડા પૈસા આપે છે. તું જ કહે કાવ્યા હું… હું મારા દીકરાને કેવી રીતે મોં બતાવું.

“છેલ્લા દસ દિવસથી હું આજ બાબતે પરેશાન છું. છે મારી સમસ્યાનું કોઈ નિવારણ?

“વિચારી વિચારીને થાકી જવાય છે…

કાવ્યા પાસે કોઈ જ જવાબ નહોતો છતાં એણે આશ્ર્વાસન આપી ઈશાને સૂવડાવી. દવાના કારણે ઈશા સૂઈ ગઈ. કાવ્યા ક્યાંય સુધી ઈશાને જોઈ રહી. મોડી રાત સુધી ઈશાના વિચારોમાં જાગતી રહી.
બીજે દિવસે કાવ્યાની ઈચ્છા ઓફિસ જવાની નહોતી. પણ આજે પાટીલ મેડમ રિટાયર્ડ થવાનાં હતાં. પાર્ટી હતી. તેઓ પછી વિદેશ જતા રહેવાના હોવાથી તેમને સેન્ડઓફ કરવા જવું જરૂરી હતું.

ઈશાએ એને ખુશીથી જવા કહ્યું. ઈશાએ કાવ્યાને પોતાની સાડી પહેરવા આપી. તેમ જ તૈયાર કરવામાં પણ મદદ કરી. તૈયાર થઈને અરીસામાં જોતાં જ કાવ્યા ઝૂમી ઊઠી. એના ગાલને સ્પર્શતી વાળની લટો, સુંવાળી કમર, કામણગારી આંખો. પોતાનું રૂપ જોઈ કાવ્યા પોતે જ શરમાઈ ગઈ. સુંદર લાગતી હતી કાવ્યા. ઓફિસમાં પણ સૌની નજર એના પર જ હતી, ખાસ કરીને રાહુલ. કાવ્યાની આજુબાજુ જ ફરતો હતો. જાણે ઉત્સવનું વાતાવરણ હતું ઓફિસમાં. સાંજ સુધી બધાએ થોડું કામ અને મજા જ કરી. જમી કરીને મોડેથી સૌ પાટીલ મેડમને શુભેચ્છા આપી છૂટા પડ્યા. આખો દિવસ આનંદમાં પસાર થયો. રાહુલે પોતાની ગાડીમાં કાવ્યાને મૂકી જવા-કહ્યું. ખૂબ જ નમ્રતાથી અપાયેલા આમંત્રણને કાવ્યા ના નહીં કહી શકી.

રસ્તામાં રાહુલે કાવ્યાને પ્રેમથી જોયા કર્યું. કાવ્યા શરમાતી હતી… “આજે તમે સુંદર લાગો છો… પણ વચ્ચે વચ્ચે કાંઈક ઊંડા વિચારોમાં ઊતરી જતા હોય એવું લાગે છે… પાટીલ મેડમ તમારા લેડીસોના દુ:ખના ઈલાજ હતા હું જાણું છું… પણ તમને કોઈ મૂંઝવણ હોય તો મને કહી શકો છો…

“ઓહ, આભાર આપનો, પણ એવું કાંઈ જ નથી. આ તો અહીં પાટીલ મેડમનો સાથ છૂટી જતાં જરા…

“આય અન્ડરસ્ટેન્ડ, એટલે જ તો કહું છું હું આપની સાથે જ છું. એક સારા મિત્ર તરીકે તમે તમારી વાતો મારી સાથે શેઅર કરી શકો છો.

“ચોક્કસ રાહુલ હું યાદ રાખીશ. ઘર પાસે ઊતરતા કાવ્યાએ આભાર ભરી નજરોથી રાહુલ તરફ જોતા રહ્યું. ઘર ખોલતાં જ કાવ્યાને ઈશા યાદ આવી. સીધી બેડરૂમમાં ગઈ.

ઈશા નિરાસ વદને બારી બહાર જોઈ રહી હતી. કાવ્યાએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. ખૂબ તાવ હતો. તરત જ ડૉક્ટરને ફોન કરી ઘરે આવી જવા વિનંતી કરી.

તપાસી ડૉક્ટરે કહ્યું. “પ્રાથમિક તપાસમાં કાંઈ સમજાતું નથી અત્યારે તો હું આ દવા આપું છું સારું લાગશે, પણ આ સાથે હું અમુક ટેસ્ટ કરાવવાનું જણાવું છું. કાલે ને કાલે કરાવી લેશો.

“હા. ચોક્કસ ડૉક્ટર આપનો આભાર.

ડૉક્ટર જતાંજ ઈશા રડવા લાગી. એને ડર લાગતો હતો. કાવ્યાએ એને શાંત કરી દવા આપી. અસ્પષ્ટ શબ્દોમાં ઈશા બોલતી હતી. “મને… મને જીવવું છે કાવ્યા, મારા આદિ માટે… એને ભણાવવો છે.

“અરે. તું તો એવી વાત કરે છે જાણે મૃત્યુ તને હમણાં ને હમણાં લઈ જશે, ગાંડા જેવી વાત નહીં કર… તને કાંઈ જ થવાનું નથી. સૂઈ જા…

ઈશાને જાણે કાળે સંદેહ આપી દીધો હતો છતાં દવાની અસરમાં સૂઈ ગઈ.

એકલી પડતાં જ કાવ્યાને રાહુલ યાદ આવી ગયો. એણે મનમાં મીઠી ઝણઝણાટી અનુભવી. એને રાહુલ ગમતો. ક્યારેક એકલતામાં રાહુલ સાથેના સપના જોતી. છતાં પોતાની જવાબદારીથી એ જાગૃત હતી. આજે રાહુલે બતાવેલી આત્મીયતા એને ગમી. મીઠા ખયાલોમાં ક્યારે ઊંઘ આવી ખબર જ ન પડી.

સવારે ઊઠતાં જ રાહુલને ફોન કર્યો.

“ફરમાવો મેડમ હું આપની શું સેવા કરી શકું?

સવારમાં રાહુલનો પૌરુષતા ભરેલો નાટકીય અદામાં અવાજ સાંભળી હસી પડી…

“સેવા નહીં મારી એક વિનંતી છે. હું આજે ઓફિસ નહીં આવી શકું… રાહુલને સર્વ હકીકત જણાવી.

“ઓકે. ટેક કેર. કાંઈ કામ હોય તો એની ટાઈમ ફોન કરજે, હું રાત્રે ફોન કરીશ, તારી કાળજી રાખજે…

મનમાં શાંતિ થઈ કાવ્યાને. ઈશાને લઈ ડૉક્ટરે કહ્યા પ્રમાણે ટેસ્ટ કરાવી થોડું ખાઈને ઘરે આવ્યા. ઈશા તો દવા લઈને સૂઈ ગઈ. કાવ્યાને થયું અડધો દિવસ ઓફિસમાં ગઈ હોત તો… રાહુલ સાથે વાત થઈ હોત… પણ ઈશાને એકલી મૂકતા જીવ ન ચાલ્યો.

રાહુલના ખયાલ માત્રથી કાવ્યાનું તન મન જાણે ઝૂમી ઉઠતું. એ વિચારી રહી રાહુલ માટેની આ લાગણી ક્યાંક એના માટેનો પ્રેમ તો નથી. એની યાદ કેમ હરપળ આવે છે? યાદ સાથે જ મનમાં આવા મીઠાં સ્પંદનો શા માટે થાય છે? અચાનક વાગેલી મોબાઈની રીંગે એની વિચારધારા તૂટી. સ્ક્રીન પર રાહુલનું નામ વાંચતાં જ ખુશી અને આશ્ર્ચર્ય થયું. વોટ એ ટેલીપથી? ફોન પર રાહુલનો નાટકીય અવાજ સંભળાયો.

“હેલો મેડમ!! જમ્યા કે નહીં, ઈશાની સેવામાં ભૂલી તો નથી ગયાને

“ના, અત્યારેજ જમી, ઈશા સૂતી છે હું તારા જ વિચાર કરતી હતી.

“વાહ! શું વાત છે? મેડમ અમને વિચારોમાં રાખે છે જાણી આનંદ થયો.

ફોન પર હોવા છતાં કાવ્યા શરમાઈ ગઈ.

“ના, ના, એવું નથી આ તો… આમજ.

“ઓકે. ઓકે… મારે સ્પષ્ટતા નથી જોઈતી… ઈશાને કેમ છે? હું સાંજે તમારી સાથે રિપોર્ટ લેવા આવીશ કેટલા વાગે નીકળશો?

કાવ્યા મનથી રાહુલને મળવા ઈચ્છતી હતી એણે તરત જ સાંજે છ વાગે ત્યાં મળવાનું કહી દીધું.

કાવ્યા પહોંચીને રાહુલની રાહ જોતી હતી. રાહુલના આવતાંજ બન્ને ડૉક્ટર પાસે રિપોર્ટ માટે ગયા.

ગંભીર વદને ડૉક્ટરે બન્નેને બેસાડી રિપોર્ટ બતાવી નિદાન જણાવ્યું… “તમે તાત્કાલિક એમને હૉસ્પિટલમાં એડમીટ કરો. આ રિપોર્ટ તો કેન્સર તરફ ઈશારો કરે છે. હાલ પૂરતું તમે પેશન્ટને જણાવશો નહીં પણ… ઉતાવળ કરવી જરૂરી છે. એમના કોઈ નજીકના સગાને બોલાવી લો.

આઘાતથી કાવ્યા કાંઈ જ બોલી ન શકી. રાહુલે ડૉક્ટરનો આભાર માની કાવ્યાનો હાથ પકડી રિપોર્ટ લઈ બહાર લઈ આવ્યો.

“ચાલ સામે હોટલમાં બેસી કોફી પીએ, પછી હું તને ઘરે મૂકી જઈશ.

કોઈ જવાબ આપ્યા વગર જ કાવ્યા રાહુલ સાથે દોરાઈ… કોફી અને બ્રેડ બટરનો ઓર્ડર આપી રાહુલે કાવ્યાને સમજાવવા પ્રયત્ન કર્યો. સ્વસ્થ થતાં કાવ્યાએ રાહુલને ઈશા વિશે બધી જ વાત કરી. કોફી પીતાં રાહુલ પણ વિચારમાં પડ્યો. છતાં કાવ્યાને હિંમત આપી.

“જે હશે એનો સામનો કરવો જ પડશે. અત્યારે ઈશાને તારી જરૂર છે એનું તારા સિવાય કોણ છે? તું જ આમ નિરાશ થઈ જશે તો ઈશાને કેવી રીતે સાચવશે?

“કાલે સવારે તમે તૈયાર રહેજો. પુરોહિત હૉસ્પિટલમાં કેન્સરના નિષ્ણાતો આવે છે અને એક ડૉક્ટર મને ઓળખે છે. ત્યાં એડમીટ કરીએ… હિંમત રાખ અને તું એકલી નથી હું તારી સાથે જ છું.
“ઓકે. થેન્કયુ રાહુલ…

કાવ્યાને ઉતારી રાહુલ ઘરે ગયો…. ઈશા કાવ્યાની આતુરતાથી રાહ જોતી હતી.

શું થયું? રિપોર્ટમાં શું આવ્યું? કેમ મોડું થયું?

“ઓહો, શાંતિ રાખ… જો રિપોર્ટ તો નોર્મલ છે પણ તને વિકનેસ છે માટે ડૉક્ટરે એક બે દિવસ એડમીટ થવા કહ્યું છે. રાહુલની ઓળખાણ છે કાલે સવારે આપણે જઈશું. તારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, અમે બન્ને તારી સાથે જ છીએ. ચાલ થોડું જમી લઈએ.

કાવ્યા ઈશા સાથે વધુ ચર્ચા કરવા નહોતી માગતી… રિપોર્ટ એણે પોતાની પાસે જ રાખ્યા. જમી પરવારી જાણે કાંઈ થયું જ નથી એમ બેસીને ટી.વી. જોયા કર્યું.

સવારે છ વાગ્યામાં રાહુલ આવી ગયો. એની ઓળખાણ હોવાથી તરત જ એડમીટ કરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. જુદા જુદા રિપોર્ટ તથા નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આવી ગઈ. સાંજ સુધીમાં ચોક્કસ નિદાન થઈ ગયું… ઈશાને આંતરડાનું કેન્સર છે… ડૉક્ટરે સમજાવ્યું કેન્સર જન્ય ભાગ કાપીને ઈલાજ કરવો શક્ય નથી. માટે એ જીવે એટલી જિંદગી બાકી તો બધું જ ઈશ્ર્વરના હાથમાં છે. શક્ય હોય તો એના સગાવહાલાને જણાવી દેજો…

રાહુલ સાથે કાવ્યાએ ચર્ચા કરી એના મત પ્રમાણે ઈશાથી કાંઈ જ ન છુપાવવું બધું જ સાચું જણાવી દેવું જેથી તે એના દીકરાને શાંતિથી મળી શકે.

રાત્રે ઈશા થોડી સ્વસ્થ જણાતાં કાવ્યાએ કોફી મંગાવી એની પાસે બેસી હળવેથી માથા પર હાથ ફેરવતા વાતની શરૂઆત કરી. કાવ્યા તથા રાહુલની દોડાદોડ તથા ચહેરાના ભાવ પરથી ઈશાને પોતાની બીમારીની ગંભીરતા ખબર જ હતી. માટે જ અત્યારે એ સ્વસ્થ હતી. “મારું કાવ્યા તમારા સિવાય કોઈ જ નથી એક મારો આદિ… ગળગળા અવાજે ઈશાએ કહ્યું. “મારા પતિના મૃત્યુ પછી સાસરિયામાંથી કોઈએ મને પોતાની નથી ગણી અને છેલ્લાં ત્રણ વર્ષથી ભાઈ-ભાભીએ મારી તપાસ સુધ્ધાં નથી કરી માટે આદિત્ય સિવાય હવે કોઈને જણાવવાનું નથી.

રાહુલે આદિત્યની સ્કૂલમાં વિગતે વાત કરી એને બોલાવી લીધો. ઓફિસમાં કાવ્યાની રજા નવી નોકરી હોવા છતાં મંજૂર કરાવી લીધી. નિયમિત હૉસ્પિટલમાં આંટા મારી ઈશા અને ખાસ તો કાવ્યાની કાળજી રાખતો. આ દિવસો દરમિયાન બન્ને જણા એકબીજાના પૂરક હોય તેમ નજીક આવી ગયા. મનથી બન્નેએ એકબીજાને સ્વીકારી લીધાં. આદિત્ય પણ આવીને રાહુલ તથા કાવ્યા સાથે હળીમળી ગયો. નાનો છતાં સમજુ આદિ. મમ્મીની પરિસ્થિતિ વિશે જાણતો હતો. માટે એને ખુશ રાખવા પ્રયત્ન કરતો.

પંદર દિવસ થઈ ગયા… ઈશા આદિત્ય સાથે હસતી વાતો કરતી પણ એની ઊંડી ઊતરી ગયેલી આંખોમાં વિષાદ કાવ્યા સ્પષ્ટ જોઈ શકતી. એને આદિત્યની ચિંતા હતી. નવ વર્ષની વયે આ બાળક અનાથ થઈ જશે. હવે એનું શું થશે? આવા વિચારે એ કાવ્યા પાસે રડી પડતી. એ પણ રાહુલને કહેતી, “ઈશાને આદિત્યની ચિંતા છે. મા-બાપ બન્નેનું છત્ર ગુમાવી દેનાર બાળકની મને પણ કાળજી છે પણ આપણે શું કરી શકીએ?

રાહુલ સમજાવતો. “જો કાવ્યા, ઈશ્ર્વરે કાંઈક તો વિચાર્યું હશે… કાવ્યાનો હાથ પંપાળતા રાહુલ પ્રેમથી કહે, “આપણને બધાને આ રીતે ભેગા કરવામાં પ્રભુની મરજી હશે, એમને આપણી આપણા કરતાં વધુ ચિંતા હોય છે. એ સોનું ભલું જ કરે છે. માર્ગ ભલેને વિકટ હોય પણ એને બીજે છેડે સુખ રહેલું છે એટલી આશા માનવીના મનમાં જાગે તોય એ રસ્તો એને સુગમ લાગવા માંડે છે… સમજાય છે ને?

જાણે કોઈ મહાત્મા બોલતા હોય એમ રાહુલ બોલતો હતો. કાવ્યા તેને અહોભાવથી જોઈ રહી. જ્યારે રાહુલ કાવ્યાનો હાથ પસરાવતા ઊંડા વિચારમાં હતો. મૌનમાં બન્નેએ ઘણી વાતો કરી લીધી. રાહુલે જાણે કોઈ નિર્ણય લઈ લીધો હોય તેમ કાવ્યાને ઊભી કરતાં કહે.

“ચાલ, આપણને લગ્ન કરી લઈએ… અને આદિત્યને અપનાવીએ… આથી ઈશા શાંતિથી દેહ છોડે અને આદિત્ય અનાથ નહીં થાય એ આપણી સાથે હળીમળી ગયો છે, સમજુ છે આપણી બન્ને સાથે ખુશ રહેશે…

આશ્ર્ચર્યથી ડઘાઈ ગયેલી કાવ્યાએ રાહુલને ધીમેથી કહ્યું. “આટલા મોટો નિર્ણય લેતા પહેલા એકવાર વિચારી લે. તારા ઘરમાં…

મારું કોણ છે કે મારે વિચારવું પડે? હા, અનાથ છું. એટલે જ આદિત્યનો વિચાર આવે છે… મારે કોઈને પૂછવાનું નથી. તું તારી માને…

“મારી મા પણ મને નહીં રોકે, અમે પણ ત્રણે ભાઈ બહેન બાપ વગર મોટા થયા છે. અમે પણ પીડા સમજીએ છીએ… બસ. મારી ઈચ્છા મારા બન્ને ભાઈઓને ભણાવવાની છે…

મેં કહ્યું ને, હું સમજું છું તારી ઈચ્છા, આજથી એ મારી જવાબદારી હવે આપણે બન્ને સાથે છીએ એકલા નથી…

કાવ્યા અને રાહુલ ખુશખુશાલ ચહેરે ઈશા પાસે આવ્યા. ઈશા પણ હસી પડી… કાવ્યાએ બધી વાત કરી તો એ આનંદથી ઝૂમી ઊઠી. બન્નેને પ્રણામ કરી દુઆ આપી. પ્રભુને મનથી પ્રાર્થના કરી. એ રાત્રે જ ઈશાએ દેહ ત્યાગ કર્યો… મૃત ઈશાના ચહેરા પર સંતોષનું સ્મિત હતું.

ઈશાની જરૂરી ક્રિયાઓ પૂરી થતાં જ કાવ્યાએ ગામથી પોતાના ભાઈઓ તથા મમ્મીને બોલાવી. બધી જ બાબતની જાણ કરી. મમ્મી તો રાહુલ જેવો જમાઈ મેળવી આનંદિત થઈ ગઈ. જાણે બધી જ ચિંતા એક સાથે દૂર થઈ ગઈ.

સાદાઈ અને ખુશીઓ વચ્ચે તરત જ લગ્ન લેવાયા. કાવ્યા રાહુલની બાંહોમાં ઝૂમી ઊઠી. “રાહુલ, કેવું ને? ક્યાં હું, તું ઈશા… આ પૃથ્વીના જુદા જુદા ખૂણેથી ભેગા થયા… જાણે જનમોજનમના ઋણી…

“આનું જ નામ તો લેણદેણ છે… ઈશ્ર્વરની ગોઠવાયેલી બાજી આપણને સમજાતી નથી પણ એને જ લેણદેણ કહેવાય…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral