ઉત્સવ

અમલ વિના વ્યૂહરચના અર્થહીન વ્યૂહરચના વિના અમલ નિરર્થક

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

સમાજમાં બે વિરોધાભાષી મતના લોકો જોવા મળશે. એક એમ કહેશે કે બહુ વિચાર નહિ કરવાનો અને જે કરવું હોય તેનો અમલ કરી દેવાનો. જયારે બીજો મત એમ કહેશે કે, જે કંઈપણ કરો તે સમજી વિચારીને કરો. વેપારમાં પણ આ જોવામાં આવે છે એક વર્ગ તેમ માને છે કે; વ્યૂહરચનાની જરૂર નથી ફક્ત અમલીકરણ પર ધ્યાન આપો અને માલ વેચતા રહો જયારે બીજી વિચારધારા પૂર્ણપણે એમ માને છે કે વ્યૂહરચના વગર આગળ વધવું તે વેપારના હિતમાં નથી. લોકોને પોતાનો મત હોઈ શકે, સાચો કે ખોટો તે સમય અને પરિસ્થિતિ નક્કી કરી શકે. વેપારમાં બંને મત સાચા અને ખોટા છે તેમ કહી શકાય કારણ, પરિણામો સફળતા અને નિષ્ફળતા બંનેમાં જોવા મળે છે. ઘણા લોકો વ્યૂહરચના વગર પણ સફળ થયા છે અને અમુક લોકો વ્યૂહરચના સાથે સફળ થયા છે, પરંતુ જે લોકોએ આ બંનેનો સમન્વય કર્યો છે તેઓની જો યાદી બનાવવામાં આવે તો સફળતાનો આંક ઊંચો હશે.

જે લોકોને ફક્ત માલ વેચવામાં રસ છે અને લાંબા ગાળાનું વિચારવું નથી તે લોકોની આપણે વાત નહિ કરીયે. હા, પણ એવો પણ એક મોટો વર્ગ છે જે દૃઢપણે માને છે કે વેપારમાં વ્યૂહરચનાની અત્યંય આવશ્યકતા છે પણ આમાંનો મોટો વર્ગ વ્યૂહરચના બનાવી સંતોષ માની લઇ તેના અમલીકરણ પર જોઈયે તેટલો વિચાર નથી કરતા. આના કારણે સચોટ વ્યૂહરચનાનું ધાર્યું પરિણામ નથી આવતુ. વેપારનું એક મહત્ત્વનું પાસું છે માર્કેટિંગ, જો તેના પરિપેક્ષમાં જોઈએ તો જણાશે કે, જો વ્યૂહરચના નહિ હોય તો તમે શેના દ્વારા ઓળખાવ છો અર્થાત તમારું પોઝિશનિંગ શું છે, કોને માલ વેચવાનો છે અર્થાત તમારો ટાર્ગેટ ઑડીએન્સ, ઘરાક કોણ છે, કયા એરિયામાં માલ વેચવાનો છે અર્થાત તમારો ભૌગોલિક વિસ્તાર કયો છે, કયા માધ્યમમાં જાહેરાત કરવાની છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ તેના માટે કરવાનું છે આ બધી માહિતી નહિ હોય તો માલ વેચવો અઘરું પડશે. આની સામે જો આ બધી માહિતી હશે પણ તેને અમલમાં મુકવાની યોજના નહિ હોય તો! તો આ વ્યૂહરચના નિષ્ફળ જશે.

વ્યૂહરચના અને અમલીકરણ વચ્ચેના તફાવતની ચર્ચાઓ થયાજ કરશે, પરંતુ આખરે આ કોઈપણ સફળ વેપારના બે અભિન્ન અંગો છે. વ્યૂહરચના એ વેપારના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે સંસ્થાની સર્વોચ્ચ યોજના અથવા ધ્યેય છે. તેમાં સંસ્થાના વિઝન, મિશન, લાંબા ગાળાનાં ધ્યેયો, માર્કેટિંગ, ઉત્પાદનના વિકાસની વ્યૂહરચના વગેરેનો સમાવેશ હોઈ શકે છે. બીજી બાજુ અમલીકરણ એ છે કે સંસ્થા તેની વ્યૂહરચનાને કેવી રીતે આયોજનબદ્ધ આકાર આપે છે. ઉદાહરણ તરીકે તે મીટિંગના એજન્ડા સેટ કરવા, પરિવહનની વ્યવસ્થા કરવી અને કોણ શું અને ક્યારે કરશે તે સંકલન જેટલું સરળ હોઈ શકે છે.

એવા ઘણા લોકો મેં જોયા છે જેઓ વ્યૂહરચના બનાવે છે પણ તેને અનુસાર અમલ નથી કરતા. આમાં મોટાભાગે આ પરિબળો કામ કરે છે. સૌપ્રથમ, વ્યૂહરચના એકવારનું કામ છે પણ તે લાંબાગાળાની વિચારધારા સંસ્થાને આપે છે આથી આના માટે સમય લાગે છે પણ નિશ્ર્ચિત સમયમાં આ કાર્ય પૂરું થાય છે. બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ જાય પછી તેનું અમલીકરણ રોજ થવું જોઈએ અને અહીં લોકો થાપ ખાઈ જાય છે. વ્યૂહરચના બની ગયા બાદ બધા પોતાના રોજિંદા જીવનમાં આવી જાય છે અને રોજેરોજની વેપારની મથામણ સુલઝાવવામાં લાગી જતા સમય વીતી જાય છે. વેચાણ થતું હોવાથી તેના પર ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે પણ તે ભૂલી જવાય છે કે વ્યૂહરચના તેમને વધુ વેચાણ આપશે. બીજું, યોજનાબદ્ધ અમલીકરણ માટે થોડો ખર્ચો પણ થઇ શકે. જેમ કે; માર્કેટિંગની વ્યૂહરચના બનાવી ત્યારબાદ તે પ્રમાણેના કેમ્પેઇન બનાવવા, મીડિયામાં તેને પબ્લિશ કરવા, તેના વિવિધ કોલેટ્રલ્સ બનાવી સેલ્સ ટીમને તૈયાર કરવી વગેરે. ખર્ચની વાત તેમને રોકી દે છે અને વ્યૂહરચના બાજુ પર રહી જાય છે. ત્રીજું અને સૌથી અગત્યનું, ઘણીવાર આ યોજનાને આકાર આપવા માટે સંસ્થા પાસે કાબેલ લોકો નથી હોતા. આમ બીજાં ઘણાં પરિબળો હોઈ શકે પણ વ્યૂહરચનાને અમલમાં ના મુકવાના આ ત્રણ મુખ્ય પરિબળો છે. આથી જો વ્યૂહરચના બનાવવાની તૈયારી હોય તો સૌપ્રથમ આ ત્રણ પરિબળોને કઈ રીતે પહોંચી વળશો તેનો સકારાત્મક વિચાર પ્રથમ કરવો પડશે. તમે જયારે મોટી સંસ્થાઓ અને બ્રાન્ડ વિષે વિચારશો તો તમને આનો સુભગ સમન્વય જોવા મળશે. બાળકોના પ્રિય પાત્રો મિકી, ડોનાલ્ડના રચયિતા વોલ્ટ ડિઝનીએ જો આ વાતને ફક્ત પેપર પર રાખી હોત તો! આજે આપણને ડિઝની લેન્ડ અને તેનાં પાત્રો ના મળ્યાં હોત. તેમણે જે વ્યૂહરચના બનાવી તેનું તેટલી ત્વરાથી અમલીકરણ પણ કર્યું અને તેથી આજે તે એક સફળ સંસ્થા અને બ્રાન્ડ બંને છે. સફળ સંસ્થાના વિકાસ માટે યોગ્ય વ્યૂહરચના અને અસરકારક અમલીકરણ હોવું આવશ્યક છે. વ્યૂહરચના વિકસાવવાની પ્રક્રિયા વર્તમાન પરિસ્થિતિની સમજ સાથે શરૂ થાય છે, જેમાં આંતરિક અને બાહ્ય પરિબળોના વિશ્ર્લેષણનો સમાવેશ થાય છે. આગળ, ઇચ્છિત પરિણામ નક્કી કરો, અને આ પરિણામ હાંસલ કરવામાં મદદ કરવા માટે વ્યક્તિએ લક્ષ્યો નક્કી કરવા જોઈએ.
તેમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઉદ્દેશ્યો નક્કી કરવા, તેમને હાંસલ કરવા માટે જરૂરી સંસાધનોને ઓળખવા અને યોજનાઓ બનાવવાનો સમાવેશ થવો જોઈએ. એકવાર વ્યૂહરચના ઘડવાનું પૂર્ણ કરી લો ત્યારબાદ તેના વિષે તમારી સંસ્થાના બધા લોકોને માહિતગાર કરો જેથી દરેક વ્યક્તિ જણાવેલાં લક્ષ્યોને હાંસલ કરવામાં તેમની ભૂમિકા સમજી શકે. સંસાધનોની યોગ્ય રીતે ફાળવણી કરો, અને તેમના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે પ્રગતિનું નિરીક્ષણ કરો. આ પગલાંને અનુસરીને, કંપનીઓ ખાતરી કરી શકે છે કે તેમની યોજનાઓ વ્યૂહરચના પ્રમાણે જોઈતા સફળ પરિણામો મેળવી રહી છે. વ્યૂહરચના અને અમલીકરણ બંને કોઈપણ વેપારના અવિભાજ્ય અંગ છે. એકવાર વ્યૂહરચના તૈયાર થઇ ગયા બાદ અમલીકરણ એ ખાતરી કરવામાં મદદ કરે છે કે વ્યૂહરચના
અસરકારક રીતે કાર્ય કરે છે. યોગ્ય અમલીકરણ એ વ્યૂહરચના પ્રમાણે કાર્યો સુનિશ્ર્ચિત સમયે અને બજેટ અનુસાર પૂર્ણ કરે છે. અમલીકરણ વ્યૂહરચનાના સંભવિત જોખમો અને તકોને ઓળખવામાં પણ મદદ કરી શકે છે, તેને ઘટાડવામાં મદદ કરે છે, વ્યૂહરચના પ્રમાણેના નિશ્ર્ચિત પરિણામો પ્રદાન કરે છે જે સફળતાને માપવામાં મદદ કરે છે અથવા તે નિર્ધારિત કરે છે કે વ્યૂહરચના સુધારવી જોઈએ કે નહીં અથવા સંપૂર્ણપણે બદલવી જોઈએ. આમ અમલીકરણ આવશ્યક છે, પરંતુ તે હંમેશાં વ્યૂહરચના અનુસાર હોવું જોઈએ. ઘણી વાર, વ્યવસાયો લાંબા ગાળાની સફળતાના ભોગે ટૂંકા ગાળાના લાભોનો પીછો કરે છે. સારી રીતે ચલાવવામાં આવેલ યોજના માત્ર ત્યારે જ મદદરૂપ થાય છે જો તે સાઉન્ડ વ્યૂહરચના સાથે સંરેખિત હોય. આથી એમ કહી શકાય કે; અમલ વિના વ્યૂહરચના અર્થહીન છે અને વ્યૂહરચના વિના અમલ નિરર્થક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral