કેઇએમ હોસ્પિટલમાં જાતીય સતામણી: આરોપી ડોક્ટરને કોર્ટની રાહત નહીં

મુંબઈ: છ મહિલા જુનિયર ડોક્ટર્સના વિનયભંગ કરનારા પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરતા બૉમ્બે હાઇ કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાઓને થયેલા માનસિક અને શારીરિક ત્રાસ વિશે વિચારવું બહું જરૂરી છે.
હાઇ કોર્ટે આઠમી મેના રોજ કેઇએમ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના એડિશનલ પ્રોફેસર રવિન્દ્ર દેવકરની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરતી પીડિતાઓએ આક્ષેપ કર્યો હતો કે દેવકર તેમને અયોગ્ય રીતે અડતા હતા અને વાંધાજનક ટિપ્પણીઓ પણ કરતા હતા.
કોર્ટે કહ્યું હતું કે દેવકર લાંબા સમય સુધી અયોગ્ય રીતે વર્તતો હતો અને પોતાના ઉચ્ચ પદનો ખોટો લાભ લઇ રહ્યો હતો. અગાઉ કોઇ પણ આ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતા, કારણ કે તેઓ ભયભીત હતા અને પોતાની કારકિર્દી ખરાબ થઇ જવાનો તેમને ભય હતો.
આ પણ વાંચો: મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ શરૂ થશે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
જો દેવકરને આગોતરા જામીન આપ્યા તો તે કદાચ ફરિયાદી પીડિતાઓ સામે વેર વાળવાનો પ્રયાસ કરી શકે છે અને તે ફરી આવું જ કુકર્મ કરતો રહેશે એ ભય વધુ છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
પીડિતોને થનારા શારીરિક અને માનસિક ત્રાસ વિશે વિચારવું જરૂરી છે. તેઓ મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે અને હોસ્પિટલ જેવી જગ્યાએ મહિલા સુરક્ષાનો પ્રશ્ર્ન ઊભો થાય તો તે ગંભીર છે. નૈતિકતાની રીતે અને કાયદાકીય રીતે મહિલાઓના સન્માનનું રક્ષણ થવું જ જોઇએ. તેથી હાલના તબક્કે આરોપીને આગોતરા જામીન આપવા યોગ્ય નથી, એમ કોર્ટે કહ્યું હતું