ઈન્ટરવલ

ગાંધીજીની લડતના સરસેનાપતિ સરદાર વલ્લભભાઈ પટેલ

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

‘દેશી રજવાડાંઓના આંટીઘૂંટીવાળા પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકે એવા એક સરદાર વલ્લભભાઈ હતા.’

         - કાકાસાહેબ કાલેલકર

‘મારી માના પેટે પાંચ પથરા પાક્યા હતા.’ આવું બોલનાર સરદાર વલ્લભભાઈ પટેલ પાંચ ભાઈઓ (સોમભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ)માં ચોથા નંબરના ભાઈ હતા. ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫ના રોજ તેમનો જન્મ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈને ત્યાં કરમસદ મુકામે થયો હતો.

વલ્લભભાઈના ઘેર નહોતાં વાડી-વજીફા કે નહોતાં ગાડી બંગલા, નહોતી કુટુંબની કે પિતાની નામના કે નહોતી બાપદાદાની કમાણી. એમને ઘેર તો હતા ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ, રળિયામણા ઝાઝા હાથ અને સંતોષનો રોટલો. મધ્યમ વર્ગનો કણબીનો છોકરો એટલે ભણી લે તે પહેલાં પરણાવી દીધો હોય. મેટ્રિક થાય એટલે તેને શોધવી પડે નોકરી, વ્યવસાય, ધંધો કે મજૂરી.

૧૮૯૭માં મેટ્રિક થયા. આગળ ભણવાની ઈચ્છા ઘણી હતી. ધગશ પણ ખરી. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા આપી વકીલાત કરાતી. વલ્લભભાઈ આગળ મોટાભાઈ વિઠ્ઠલભાઈનો દાખલો હતો. અને થઈ ગયા વલ્લભભાઈ પ્લીડર. મિજાજને ફાવે તેવો સ્વતંત્ર અને અનુકૂળ વ્યવસાય. સામાન્ય રીતે નવો સવો વકીલ કોઈ મોટા માથાવાળા વકીલનો જુનિયર થાય કે મોટા વકીલનો મદદનીશ થાય.પરંતુ સ્વતંત્ર મિજાજવાળા વલ્લભભાઈમાં કોઈના ડેવિલ થવાની ખેવના નહોતી. પોતાના મોટાભાઈના પણ નહીં. તેમણે ચાતર્યો ચીલો ને લીધો મારગ સીધો પોતાનો.

૧૯૦૦ના જુલાઈમાં પોતાના ઘરવાળાં ઝવેરબાઈને લઈને ઉપડ્યા ગોધરા. વકીલાત કરવા. ઉધાર ઉછીના પૈસા લઈને નાનકડું ઘર ભાડે રાખ્યું. પહેલે વર્ષે રૂપિયા ૬૦૦ની પ્રેક્ટિસ થઈ. એ જમાનામાં ઠીક ઠીક સારી ગણાય. ૧૯૦૨માં ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો. ગોધરાથી આવ્યા બોરસદ. બોરસદ એટલે નામી તાલુકો. આખી મુંબઈ પ્રેસિડેન્સીમાં બોરસદ તાલુકાનો ગુનાખોરીનો આંક તે વખતે સૌથી ઊંચો, એટલે સુધી કે બ્રિટિશ સરકારને ત્યાં ખાસ રેસિડેન્સિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ મૂકવા પડેલા. વલ્લભભાઈ બોરસદમાં થોડા વખતમાં અગ્રણી ફોજદારી વકીલ તરીકે ઝળક્યા. ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામનો ડંકો વાગ્યો. ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામના સિક્કા પડે. પોલીસ તંત્ર, સરકારી વકીલ અને સરકારના હાંજાં ગગડી ગયા. સરકાર હારે અને આરોપીઓ છૂટી જાય. એટલે સુધી કે છેક મુંબઈ એનો પડઘો પડ્યો. બોરસદથી કોર્ટનું મથક હટાવીને પંદર માઈલ દૂર આણંદ મથક લઈ ગયા. એવા આશયથી કે બોરસદથી એટલે દૂર વલ્લભભાઈ રોજે રોજ આવી શકે નહીં. કેટલાક વકીલોએ સહિયારો ટાંગો રાખ્યો. વલ્લભભાઈએ પોતાનો સ્વતંત્ર ટાંગો રાખ્યો. કોર્ટ આણંદ ખસેડવાની સરકારની મકસદ પૂરી ન થઈ. કોર્ટ પાછી બોરસદ આવી ગઈ!
૧૯૦૯માં વલ્લભભાઈ એક મહત્ત્વનો કેસ ચલાવતા હતા. તેમની દલીલો વચ્ચે તેમના હાથમાં એક તાર અપાયો. તેમણે તાર વાંચ્યો. તેમના પત્નીના મૃત્યુનો તાર હતો. તેમણે તાર વાંચી ગજવામાં મૂકી દીધો. કંઈ જ ન બન્યું હોય તેમ તેમણે કેસ ચલાવ્યો. પૂરો કર્યો.

૧૯૦૪માં તેમના પુત્રી મણીબેનનો જન્મ અને ૧૯૦૫માં તેમના પુત્ર ડાહ્યાભાઈનો જન્મ, પણ એ બંનેને પાંચ વર્ષ અને ચાર વર્ષના મૂકી ઝવેરબેનનું અવસાન થયું હતું. એ સમયે તો પટેલોમાં એક જીવતી હોય તેના પર બીજી પણ લાવતા. પણ નાનાં બાળકો ઉછેરવાનાં હતાં છતાં વલ્લભભાઈએ બીજું લગ્ન ન કર્યું તે ન જ કર્યું. તેઓ વિધુર થયા ત્યારે ફક્ત ૩૩ વર્ષની ઉંમરના હતા. વિધુર થયા પછીના ૪૨ વર્ષના જીવનમાં પોતે ક્યારેય નૈતિક અધ:પતન નથી કર્યું. આખું આયખું એકલા પૂરું કર્યું. એવું હતું પોલાદના માનવીનું કૂણું અને ભીનું હૈયું.

બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા ત્યારે પોતે ૩૫ વર્ષના વિધુર હતા. એ સમયે તેમને આડા રસ્તે ફંટાવું ખૂબ આસાન હતું, પણ એમની બેરિસ્ટર બનવાની અડગ અધ્યાય નિષ્ઠા અને સંકલ્પ બળ તેમને ક્યાંય ચસકવા દે તેમ ન હતા. સાદાઈથી જ રહેતા અને રોજ ૧૧ કલાક અભ્યાસ પાછળ ગાળતા. પુસ્તકો ખરીદવાના પાસે પૈસા નહીં. મિડલ ટેમ્પલની લાઈબ્રેરીમાં બેસી વાંચતા રહેતા. ત્યાંથી તે લાઈબ્રેરી દસ બાર માઈલ દૂર હતી. આવવા જવાના થઈ રોજ ૨૪ માઈલની મજલ તે પગપાળા કાપતા. લાઈબ્રેરી સવારે નવ વાગે ખુલે ત્યારે પહોંચી જતા અને સાંજે છ વાગ્યા સુધી ત્યાં વાંચતા. બેરિસ્ટર થવા માટે ત્રણ વર્ષ રહેવું પડે, પણ ‘રોમન લૉ’ની પરીક્ષામાં બેસી કોઈ ઊંચો ગ્રેડ મેળવે તો દોઢ વર્ષમાં બેરિસ્ટર થઈ શકે. વલ્લભભાઈ તે પરીક્ષામાં બેઠા પ્રથમ આવ્યા. દોઢ વર્ષ બચાવ્યું. પ્રિલિમિનરી પરીક્ષામાં પ્રથમ સ્થાન બે વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચાયું. તેમાં એક હતા વલ્લભભાઈ. પાંચ પાઉન્ડનું ઈનામ મેળવ્યું. આખરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી ૫૦ પાઉન્ડનું પારિતોષિક મેળવ્યું.

૧૯૧૩માં બેરિસ્ટર થઈ અમદાવાદના બારમાં ધાક જમાવી.વકીલોની ‘ગુજરાત કલબ’માં પણ તેમના નામના સિક્કા પડવા માંડ્યા.ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ફિરોઝશાહ મહેતા અને મહમદઅલી ઝીણા જેવા નેતાઓએ ગાંધીજીને આવકાર્યા. પણ સૂટ-બૂટમાં સજ્જ, સતત સિગારેટો ફૂંકતા વલ્લભભાઈ ગાંધીજીથી પ્રભાવિત નહોતા થયા. તેમણે તો આ પોટડીદાસ વાણિયાની મશ્કરી પણ ઉડાડી. પણ ગાંધીજીની ત્રણ સિદ્ધિઓએ વલ્લભભાઈને હલાવી નાખ્યા. ગાંધીજીએ વાઈસરોયને નિયત મુદતમાં ‘વેઠિયા પ્રથા’ની નાબૂદી માટે રાજી કરી લીધા. કાઠિયાવાડ અને મુંબઈ વચ્ચે વિરમગામના
તપાસ નાકાની નાબૂદી કરાવી. દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે કસ્ટમ ક્લિયરન્સની પ્રથા હાડમારીવાળી તો હતી જ પણ તે ભારતીય પ્રજાજન તરીકે અને આપણા સ્વમાનને હણનારી હતી. પણ વલ્લભભાઈ પર મોટી અસર તો થઈ ચંપારણની ગાંધીજીની લડતથી. ગળીનું વાવેતર અને ઉત્પાદન કરતા બ્રિટીશરો કામ કરનાર ખેત-મજૂરો પર અન્યાયી અત્યાચારો કરતા. તે સામે ગાંધીજીએ તપાસ ઉપાડી. જેલમાં જવાને ભોગે પણ તપાસ ચાલુ રાખવાના ગાંધીજીના નિશ્ર્ચયે પટેલને હચમચાવી દીધા. જેમને પોતે ભીરુ વાણિયો માનતા હતા, તેનામાં પોતાના જેવો દ્રઢ મનોબળવાળો
લડવૈયો દેખાયો. ગાંધીજીએ ધરતીના છોરું માટે લડત ઉપાડી હતી તે આ ધરતીના બાળને સ્પર્શી ગઈ.

૧૯૨૧ના અધિવેશન પછી કૉંગ્રેસનો લડાયક ચહેરો ખીલી ઊઠ્યો. એક પછી એક લડતનાં મંડાણ મંડાયાં. સત્યાગ્રહની પરંપરા સ્થપાઈ. તે બધી લડતોમાં વલ્લભભાઈ અગ્રેસર રહ્યા. વિજયોના સહભાગી બન્યા.

માનવ જીવનની અનેક કળાઓમાં રાજકારણની કળા શ્રેષ્ઠ કળા છે. સમાજની મૂળભૂત વ્યવસ્થા રાજકારણ દ્વારા જળવાય છે. આબાદી કે બરબાદી, પ્રગતિ કે અવગતિ, શાંતિ કે યુદ્ધ રાજકારણના આંગણે નક્કી થાય છે. આજે દેશ જે ઝંખે છે, તેવું ઉત્કૃષ્ટ રાજકારણનું દર્શન આપણને સરદાર વલ્લભભાઈ પટેલમાં જોવા મળે છે. તેમના જીવનમાં અથથી ઈતિ સુધી તેમણે જે જે કાર્ય હાથમાં લીધાં તેમાં તેમને સાર્વત્રિક અને ઉચ્ચ પ્રકારની સફળતા મળી છે. નેપોલિયન વિશે કહેવાતું કે તેના જોડણીકોશમાં ‘અશક્ય’ જેવો કોઈ શબ્દ જ ન હતો. સરદાર માટે કહી શકાય કે તેમના કોશમાં ‘નિષ્ફળતા’ જેવો કોઈ શબ્દ ન હતો. તેઓ કોઈપણ પ્રશ્ર્નન હાથમાં લેતા તેમાં સળંગ સૂત્ર સફળતા મેળવતા. તેમનામાં ભારોભાર શૂરવીરતા હતી. તેમની કુનેહ, કાર્યદક્ષતા, કાર્યસાધકતા, વ્યવહારુ રાજપટુતા અને માણસને પારખવાની શક્તિનો જોટો જડવો મુશ્કેલ છે.

સરદારના વ્યક્તિત્વ અને સફળ કારકિર્દીનો વિચાર કરીએ તો સૌ પ્રથમ તો ગાંધીજીના સત્યાગ્રહના સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવાનું વિકટ કાર્ય તેમણે સફળતા અને સરળતાથી પાર પાડ્યું. બારડોલીના સત્યાગ્રહ પછી સમગ્ર દેશે તેમને સરદાર બનાવ્યા. સરદાર સત્યાગ્રહનો ધર્મ અને મર્મ સમજનારા હતા. ગાંધીજી, સરદાર અને નહેરુની ત્રિપુટી વિશે કહેવાતું ‘ૠફક્ષમવશ ાજ્ઞતિીંહફયિંત,જફમિફિ યડ્ઢયભીયિંત ફક્ષમ ગયવિી યડ્ઢાહફશક્ષત’ ગાંધીજી સિદ્ધાંતનું ઉચ્ચારણ કરતા, સરદાર તેનો અમલ કરતા અને નહેરુ તે સમજાવતા.

‘બ્રિટિશ ઈન્ડિયા’ સિવાયનો ભારતનો ઉપખંડ ૫૬૫ દેશી રજવાડાંનો દેશ હતો. એ રાજ-રજવાડાંઓમાં વળી નહોતી સમાનતા કે નહોતી એકવાક્યતા. કોઈ નાનાં હતાં, કોઈ મોટાં; તો વળી કોઈ મહત્ત્વકાંક્ષી! ક્યાંક પ્રજા હિંદુ, નવાબ મુસ્લિમ; ક્યાંક રાજા હિન્દુ વસતિ મુસ્લિમ! ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બધાં બ્રિટનની સર્વોપરિતામાંથી મુક્ત થવાનાં હતાં. તેઓ કે તેઓમાંના ઈચ્છે તે ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે તેમ હતાં. સ્વતંત્ર રહી શકે કે સ્વતંત્ર જૂથ રચી શકે તેમ હતાં. સિફ્ત-સફાઈથી અને કુનેહ – કાબેલિયતથી વીજળીક ઝડપે સરદારે ૫૬૫ રજવાડાંને એક રાષ્ટ્રમાં ભેળવી આપ્યાં.જગતના ઈતિહાસમાં આવી સિદ્ધિનો જોટો જડે એમ નથી.યુરોપમાં બિસ્માર્કે મુઠ્ઠીભર રાજાઓને જેર કરી એક મજબૂત જર્મન રાજ્ય રચ્યાનો દાખલો છે.તે માટે બિસ્માર્કને મહાન મુત્સદ્દીનો સરપાવ મળ્યો છે. પણ સરદારના કામ આગળ બિસ્માર્કની કામગીરી સાવ સામાન્ય લાગે.ભારતના રજવાડાંઓની સંખ્યા સેંકડોમાં હતી. સરદારની પદ્ધતિ બિસ્માર્ક કરતા સાવ નિરાલી અને નરવી હતી.બિસ્માર્કે સરમુખત્યારી અને હિંસક રીતે કામ કર્યું હતું.જ્યારે સરદારે નરમ, નમ્ર, વિવેકી, લોકશાહી અને અહિંસક રીતે કામ લીધું. પૂર્વ રાષ્ટ્રપતિ વી.વી.ગિરિએ કહ્યું છે તેમ, ‘સરદારમાં બિસ્માર્કની સંગઠનશક્તિ,ચાણક્યની મુત્સદ્દીભરી, દૂરંદેશીતા અને અબ્રાહમ લિંકનની રાષ્ટ્રીય એકતા માટેની પ્રીતિ- ભક્તિનો સમન્વય જોવા મળે છે.’

નહેરુનાં નેતૃત્વમાં સરદાર પટેલને ભારોભાર અન્યાય થયો છે:

સરદારના નિધન વખતે નહેરુએ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર બાબુને પ્રવચન કરી અંજલિ આપવાની ના પાડી પણ રાજેન્દ્ર બાબુ ના માન્યા.ક.મા.મુનશી દિલ્હીથી મુંબઈ જઈ સરદારની સ્મશાન યાત્રામાં જોડાય તે અંગે નહેરુએ ના પસંદગી બતાવી, તો પણ મુનશી તો મુંબઈ ગયા. કોઈ કૉંગ્રેસી પ્રવચનમાં સરદાર પટેલના નામનો ઉલ્લેખ પણ કરતો નહીં, હજી આજે પણ નથી કરતો. ઈન્દિરાજીએ સરદારને પ્રવચનમાં કદી યાદ ન કર્યા. કૉંગ્રેસના કોઈ અધિવેશનમાં સરદારની છબી જોવા ન મળે, તેવો જાણે થયા જ ન હતા. રાજીવ ગાંધીએ પોતાના પ્રવચનોમાં સરદાર પટેલને એક પણ વખત યાદ નહોતા કર્યા. દિલ્હીમાં મહાત્મા ગાંધી,જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ચૌધરી ચરણસિંહ વગેરેના સમાધિ સ્થળ છે,પરંતુ સરદાર સાહેબનું સમાધિ સ્થળ નથી. આનાથી મોટી બીજી કમનસીબી કઈ હોઈ શકે !

કેવડિયા કોલોની પાસે સરદાર સરોવરને કાંઠે સરદાર સાહેબનું ૧૮૨ મીટર દુનિયાનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને નરેન્દ્ર મોદી સરકારે સરદાર સાહેબને જબરી અંજલિ આપી છે.
સરદાર મોટા ગજાના શિલ્પી હતા. સ્વાતંત્ર્ય પછીના ભારતના નકશાનું જે દર્શન તેમની સામે હતું તેને તેમણે અદ્ભુત રીતે સાકાર બનાવ્યું. આ સમગ્ર કાર્ય અહિંસક યજ્ઞ જેવું હતું. તેમની દ્વારા અને તેમના હસ્તે અનેક સંસ્થાઓનું નિર્માણ થયું. કૉંગ્રેસ પક્ષના તેઓ હામી અને ઘડવૈયા હતા. તેઓ રાજ્ય વહીવટના પણ કુશળ સંચાલક હતા. રાષ્ટ્ર ઘડતરમાં તેમણે આપેલો ફાળો વૈશ્ર્વિક કક્ષાએ નોંધપાત્ર રહેવા પામ્યો છે.

“પટેલ વિના ગાંધીના વિચારોનો વાસ્તવિક પ્રભાવ ઓછો રહ્યો હોત અને નહેરુના આદર્શવાદને અલ્પ અવકાશ મળ્યો હોત. પટેલે આઝાદીની લડતને સંગઠિત કરી અને નવભારતનું સર્જન પણ કર્યું. ક્રાંતિકારી અને મુત્સદ્દી તરીકે એક જ માણસ ભાગ્યે જ સફળ થાય.પટેલ તેમાં અપવાદરૂપ છે.
– માન્ચેસ્ટર ગાર્ડિયન

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…