જીએસટી ઘટતા ગુજરાતમાં રીન્યુએબલ એનર્જીને વેગ મળશેઃ મુખ્ય પ્રધાન, નાણા પ્રધાને પીએમ મોદીનો માન્યો આભાર

ગાંધીનગરઃ જીએસટીના દરમાં ઘટાડો કરવા બદલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, વડા પ્રધાને હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. જીએસટી દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે.
નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું, વેરાના દરમાં સુધારો થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે. રીન્યુએબલ એનર્જીના વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સોલાર, વીન્ડ તેમજ દરિયાઇ મોજાથી ઉત્પન્ન થતી ઊર્જા માટેના સાધનો અને તેના પાર્ટસ પર પણ વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે. માઇક્રો તેમજ નાના ઉદ્યોગને આ સુધારાથી અનેક ફાયદા થશે. તેનાથી રાજ્યમાં રીન્યુએબલ એનર્જીને વેગ મળશે. વેરાના દરમાં આ સુધારાથી સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો આવશે અને સામાજીક સુરક્ષામાં વધારો થશે. આ ઉપરાંત તેમણે કહ્યું, વેરાના દરમાં સુધારા થવાથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે,જીએસટી કાઉન્સિલ દ્વારા તમામ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સિમાચિન્હરૂપ ભલામણથી ભારત તેમજ ગુજરાતનુ અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે તેમજ“ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત”ની અને “વિકસીત ભારત – ૨૦૪૭”ની સંકલ્પના સાકાર થશે.
આ પણ વાંચો…22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે…