રહેવાસીને ધમકી આપી બદનક્ષી કરવા બદલ સોસાયટીના 18 સભ્ય વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રહેવાસીને ધમકી આપી બદનક્ષી કરવા બદલ સોસાયટીના 18 સભ્ય વિરુદ્ધ ગુનો

થાણે: સંકુલના રિડેવલપમેન્ટના વિવાદને લઈ એક રહેવાસીને કથિત ધમકી આપી બદનક્ષી કરવા બદલ નવી મુંબઈની હાઉસિંગ સોસાયટીના 18 સભ્ય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદમાં 37 વર્ષના ફરિયાદીએ જણાવ્યું હતું કે સોસાયટીના રિડેવલપમેન્ટમાં ચાલતા કથિત ‘ગેરવહીવટ’ સામે તેના એક મિત્રએ આંગળી ચીંધી હતી, જેને પગલે આરોપીઓને ગુસ્સો આવ્યો હતો.

આપણ વાંચો: અશ્ર્લીલ તસવીરો વાયરલ કરીને મહિલાને ઍસિડ અટેકની ધમકી આપનારો પકડાયો

રોષે ભરાયેલા આરોપી સભ્યો પહેલી જૂનની સાંજે ફરિયાદીના ઘરે ગયા હતા અને કથિત ગાળો ભાંડી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, એમ નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદીને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આરોપીઓએ આપી હતી. એ સિવાય ફરિયાદી અને તેના પરિવારજનોને જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની છબિ ખરડવાને ઇરાદે આરોપીઓએ સોશિયલ મીડિયા પર બદનક્ષીભરી પોસ્ટ મૂકી હતી.

આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓની ઓળખ અને ગુનામાં તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Back to top button