વેપાર અને વાણિજ્ય

સોનાચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી

સોનામાં રૂ. ૮૨૪નો અને ચાંદીમાં રૂ. ૧૪૦૩નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ઘટ્યા મથાળેથી ૦.૨ ટકા જેટલો અને વાયદામાં ૦.૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ૦.૧ ટકાનો સુધારો આવ્યો હતો.


જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૨૧થી ૮૨૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૦૩ના ઘટાડા સાથે ફરી રૂ. ૭૬,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૦૩ના ઘટાડા સાથે ફરી રૂ. ૭૬,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૭૫,૦૨૭ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૨૧ ઘટીને રૂ. ૬૨,૨૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૨૪ ઘટીને રૂ. ૬૨,૪૫૭ના મથાળે રહ્યા હતા.


અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત શુક્રવારે હળવી નાણાનીતિના સંકેતો આપતાં સોનામાં ઝડપી તેજી આવ્યા બાદ ગઈકાલે અમુક અંશે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જોકે, આજે પુન: ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૨.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૦૫૧.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


તાજેતરમાં વૈશ્ર્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ૬૦ ટકા ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની ધારણા મૂકી રહ્યા છે. હાલના તબક્કે સોનામાં ઔંસદીઠ ૨૦૦૯ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ૧૯૮૦ ડૉલર સુધી ઘટી શકે છે, એવું રૉઈટર્સનાં વિશ્ર્લેષકોનું મંતવ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color” IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ