ઉત્સવ

ખોટીવેશનલ સ્પીકરોમાંથી શીખવા જેવી મોટિવેશનલ વાતો

મોટિવેશન ફાસ્ટ ફૂડ જેવું છે. ચટપટું હોય, પણ પૌષ્ટિક ન હોય. મોટિવેશન ત્યારે જ કારગત નીવડે, જ્યારે તે આપણી જરૂરિયાત હોય…

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

મોટિવેશનલ વક્તાઓ માટે સોશિયલ મીડિયા પર, ગુજરાતીમાં- એક શબ્દ પ્રચલિત થયો છે-ખોટીવેશનલ…
જે લોકો મોટિવેશનના નામ પર મંચ પર ચઢીને ગપ્પાં હાંકતાં હોય અથવા લોકોનું મનોરંજન કરતા હોય એમના માટે મજાકમાં ‘ખોટીવેશનલ સ્પીકર’ શબ્દ વપરાય છે. આનું એક સટીક ઉદાહરણ તાજેતરમાં ડૉ. વિવેક બિન્દ્રાના કિસ્સામાં જોવા-જાણવા મળ્યું.

વિવેક બિન્દ્રા દેશના જાણીતા યુટ્યૂબર છે અને આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા છે. બિન્દ્રા ‘બડા બિઝનેસ’ નામની કંપનીના સ્થાપક અને સીઇઓ છે. એ નેતૃત્વ સલાહકાર-કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ કોચ તરીકે પણ સેવા આપે છે. મહિને ચાલીસથી પચાસ લાખ રૂપિયાની કમાણી કરતા બિન્દ્રાના સોશિયલ મીડિયા પર એમના ચાહકોની સંખ્યા લાખોમાં છે.

અગાઉ અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહેલા બિન્દ્રા તાજેતરમાં પત્ની સાથેની મારપીટને લઈને વિવાદમાં અટવાયા છે. એમની સામે પોલીસ ફરિયાદ થઇ છે. ૪૧ વર્ષીય બિન્દ્રાએ ૬ ડિસેમ્બરના યાનિકા બિન્દ્રા નામની મહિલા સાથે બીજાં લગ્ન કર્યા હતાં (અગાઉ એમણે ગીતિકા સબરવાલ નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં). લગ્નના આઠમા જ દિવસે ઘરેલું હિંસાનો મામલો બહાર આવ્યો. પત્ની તેમજ સાસરિયાંએ બિન્દ્રા સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.

ત્યારથી લઈને બિન્દ્રા મીડિયામાં ચર્ચાનું કારણ બની ગયા છે. બિન્દ્રા સામેની ફરિયાદમાં લોકોને સવિશેષ રસ પડે તેનું કારણ એમના મોટિવેશનલ વિચારો છે. લોકોને એવો પ્રશ્ર્ન થાય કે જે માણસ બીજાઓને જિંદગી કેમ જીવવી તે શીખવાડતો હોય એ ખુદના જ જીવનમાં એ મોટિવેશનનો અમલ કરવામાં નિષ્ફળ જાય?

દરઅસલ,બિન્દ્રા આવી પહેલી
વ્યક્તિ નથી. અગાઉ, મૂલ્યો અને સદાચારના ઉપદેશો આપતા અનેક બાવાઓ અને ગુરુઓ પૈસાથી લઈને સેક્સ સુધીનાં કૌભાંડોમાં જેલમાં પહોંચી ગયાના દાખલાઓ મોજૂદ છે. હકીકત એ છે કે ઉત્તમ વિચારો આપનાર દરેક વ્યક્તિ ઉત્તમ જીવતી હોય તેવું નથી બનતું. વિચારો ફિલ્મની સ્ક્રિપ્ટ જેવા છે. તમે ધારો તેવા વિચારો કરી શકો અને તેને બીજાને આપી પણ શકો, પરંતુ જયારે તેના આચરણ-અનુકરણની વાત આવે છે ત્યારે બીજા અનેક પરિબળો એમાં કામ કરતાં હોય. એટલા માટે જ આપણે ત્યાં કથની અને કરણીની સામ્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાલી વિચાર નહીં, આચરણ પણ જોઈએ. ઈરાદો નહીં, એક્શન પણ મહત્ત્વનું છે. નૈતિકતા એટલે જ અઘરી બાબત છે. મંચ પર ચઢીને તો કોઈ પણ ગુરુ-નેતા કે મોટિવેશનલ વક્તા નૈતિક વાતો તો કરી શકે છે, પણ તેનું પાલન એ પોતે જ કરી શકતો નથી.

એનું કારણ છે. કશું પણ બોલવા માટે મગજને માઈક્રો સેક્ધડ લાગે, પણ કશું કરવા માટે મહિનાઓ લાગે. નૈતિકતા બાયોલોજિકલ છે, સાયકોલોજિકલ નહીં. એને જીવવાની હોય. મહાત્મા ગાંધી જેવા અનેક લોકોએ નૈતિકતાને જીવી બતાવી હતી. સદાચાર સહજ અને અવિચારી હોય. નૈતિકતા શ્ર્વાસોશ્ર્વાસ જેવી પ્રાકૃતિક હોય. વ્યક્તિ એના પ્રત્યે જાગૃત ન હોય. એનો દરેક વ્યવહાર નૈતિક હોય. એને એ ખબર ન હોય કે અનૈતિકતા જેવું પણ કશું હોય છે. નૈતિકતાની યોજના બનાવી ન શકાય. જે વ્યક્તિ નૈતિકતાનાં પરિણામની ચિંતા કરતી હોય, એ અચૂક અનૈતિક બની શકે.
‘હું આમ કરીશ તો તેમ થશે..’ અને ‘તેમ કરીશ તો આમ થશે’ એવું વિચારતી વ્યક્તિ જરૂર પડે નૈતિક અને જરૂર પડે અનૈતિક બની શકે. નૈતિક વ્યક્તિ એના સદાચારનાં પરિણામો પ્રત્યે ઉદાસીન હોય. નૈતિકતા જીવવાનો ગુણ છે-વિચારવાનો નહીં.

વિવેક બિન્દ્રાના કિસ્સામાં આપણને એમના વૈવાહિક જીવનની અસલિયત ખબર નથી. બે વ્યક્તિ વચ્ચે કેમ અણબનાવ થાય અને કેમ વાત મારામારી સુધી પહોંચી જાય તેની પાછળ ઘણી આંતરિક જટિલતા હોય છે અને તે લઈને આપણે દૂર ઊભા રહીને ન્યાય તોળી ના શકીએ, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે મંચ પરથી જે વાતો કરવામાં આવે છે તેનો જયારે અસલી જીવન સાથે પનારો પડે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.

એક વાર એક મિત્રએ પૂછ્યું હતું : ‘મોટિવેશનલ ગુરુને ગુરુ હોય? એ ગુરુને સમય પ્રમાણે બદલવા પડે કે એક જ રાખે? ’ જવાબમાં મેં એક પ્રસંગ કહ્યો હતો :
યુજી કૃષ્ણમૂર્તિ નામના એક પ્રખર વિચારકના જીવનચરિત્રમાં, એમના અનુયાયી અને ફિલ્મસર્જક મહેશ ભટ્ટે પુણેના રજનીશ આશ્રમના એમના દિવસોને યાદ કરીને લખ્યું છે : ‘ભગવાન રજનીશ સાથેના મારા દિવસો પૂરા થઈ ગયા હતા. મેં એમની માળાને ટોયલેટમાં ફ્લશ કરી નાખી હતી. હું જે પ્રકારનું જીવન જીવી રહ્યો હતો તેનાથી થાકી ગયો હતો. રજનીશ આશ્રમમાં વ્યતિત કરેલાં ત્રણ વર્ષોએ મારા આત્મસુધારમાં કોઈ યોગદાન આપ્યું ન હતું. એવી પ્રગતિ
એક ભ્રમ હતો…
“ભગવાન તારી પર બહુ ગુસ્સામાં છે, મહેશ વિનોદ ખન્નાએ મને એક દિવસ આશ્રમના સમાચાર આપ્યા હતા. ‘મેં ભગવાનને આવા ગુસ્સામાં ક્યારેય જોયા નથી…’ એ કહે છે કે ‘એ તને બરબાદ કરી નાખશે…’

મને ગુસ્સો આવી ગયો. મને યાદ આવ્યું કે જે રજનીશ બિનશરતી પ્રેમ માટે અને સંબંધોમાં માલિકી ભાવ વિરુદ્ધ ભાષણો આપતા હતા તે હવે એક ધુત્કારાયેલા પ્રેમીની જેમ વર્તી રહ્યા હતા. એમનાથી રિજેક્શન સહન થયું ન હતું. એ શબ્દોના કારીગર હતા અને અધકચરા વિચારોનો માલ વેચતા હતા. ત્રણ વર્ષ પહેલાં હું એમની પાસે એટલા માટે ગયો હતો, કારણ કે મારે જે સાંભળવું હતું એ જ એ બોલતા હતા. બદનસીબે, સારું લાગવાની એ ફીલિંગ બહુ લાંબી ટકતી
ન હતી. મારે ફરી ફરીને આશ્રમ જવું પડતું હતું અને ભગવાનનાં દર્શન માટે ભીખ માગવી પડતી હતી. મારી હાલત ડ્રગ્સના વ્યસની જેવી હતી. રજનીશ લંગડા માણસની ઘોડી બની ગયા હતા. મારે મારા બે પગ પર ઊભા રહેવું હતું’
અહીં રજનીશની વાત નથી, મોટિવેશનલ વક્તવ્યોની નિર્થકતાની વાત છે. મોટાભાગના મોટિવેશનલ ગુરુ ફીલ ગૂડ – ‘સારું લાગે ’ એવા વક્તાઓથી વિશેષ કશું નથી. એ લોકોને સાંભળીને તમને મજા આવે- મનોરંજન મળે. બે-ચાર કલાક સરસ રીતે ક્યાંક ફરી આવ્યા એવું લાગે, પરંતુ એમાંથી કશું પણ આપણે આત્મસાત ના કરી શકીએ.

શ્રોતા તરીકે ન તો આપણે કશું શીખવા-જાણવા જઈએ છીએ કે વક્તા તરીકે ન તો ગુરુઓ પાસે ચબરાકિયા શબ્દોથી વિશેષ કશું હોય છે. બન્નેને ‘આજે સરસ ગયું’ એટલા પૂરતો જ રસ હોય છે. મોટિવેશન ફાસ્ટ ફૂડ જેવું છે. ચટપટું હોય, પણ પૌષ્ટિક ન હોય. મોટિવેશન ત્યારે જ કારગત નીવડે, જ્યારે તે મારી જરૂરિયાત હોય. હૃદય રોગના ટકોરા ન વાગે ત્યાં સુધી વ્યાયામ કરવાનું કે સ્મોકિંગ છોડવાનું મોટિવેશન ન આવે. મોટિવેશન, સવારે ઊઠીને બ્રશ કરવાની ક્રિયાની જેમ જો દૈનિક જીવનનું રૂટિન ન બને તો તે શિખામણવાળા શેઠના ઝાંપા સુધી…એટલે કે ઓડિટોરિયમના દરવાજા સુધી જ રહે. બીજું, વક્તાઓ પર એમની લોકપ્રિયતા હાવી થઇ જાય છે. સાદી ભાષામાં કહીએ તો ‘રાઈ ભરાઈ જાય છે…’ લોકપ્રિયતા દવા પણ છે અને દર્દ પણ. લોકપ્રિયતા મેરેથોન જેવી છે. એ આપણને સ્પર્ધાત્મક બનાવે છે, બીજા કરતાં બહેતર કરવાનો ઉત્સાહ પૂરો પાડે છે. એ અર્થમાં એ દવા છે, પણ લોકપ્રિયતા આપણને લઘુતાગ્રંથિ અને આત્મવિશ્ર્વાસની કમીમાંથી આઝાદ કરીને આપણને છાકટા બનાવી દેવાની હદે પણ લઈ જાય છે. એ અર્થમાં એ દર્દ છે.

બહુ ઓછા લોકો લોકપ્રિયતા સાથે વિવેકબુદ્ધિથી પનારો પાડી શકે છે. જેમ નશો કરવાથી માણસના મગજમાં સારા- ખોટાનો ભેદ કરતો હિસ્સો નિષ્ક્રિય થઈ જાય છે તેવી રીતે લોકપ્રિયતાની ભાવનાથી માણસના વિચાર-વર્તન-વાતો પરનો અંકુશ દૂર થઈ જાય છે. લોકપ્રિયતાના કારણે એની આસપાસ હંમેશાં એવા લોકો હોય જ છે, જે એની અનુચિત્ત વાતો કે વ્યવહારની પણ વાહવાહી કરતા હોય છે એટલે એને એ ક્યારેય સમજાતું નથી કે એ જે બોલે કે કરે કરે છે તે બકવાસ છે. એ વાહ-વાહીની ટેવ પડી જાય છે. માણસને જ્યાં સુધી પુષ્ટિ ના મળે, ત્યાં સુધી તે શરમાળ રહે છે, એ લોકપ્રિય થઈ જાય પછી બેશરમ બની જાય.

     મોટિવેશનલ...એટલે કે ખોટીવેશનલ વક્તાઓનું પણ એવું જ  છે....

**************

આશરે ૧૧૦૦ શબ્દ
૧ ફોટા સાથે .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure