સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરીમાં રોકાણ કરનારાની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરીમાં રોકાણ કરનારાની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોલાપુરમાં મેફેડ્રોન ડ્રગ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ કર્યા પછી આ ફૅક્ટરી ધમધમતી કરવા માટે આર્થિક રોકાણ કરનારાની પણ ધરપકડ
કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામનગર ચંદ્રયા ગૌડ ઈડગી ઉર્ફે રાજુ ગૌડ તરીકે થઈ હતી. તેલંગણામાં રહેતા ગૌડને મુંબઈની સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને ૨૧ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગૌડ શ્રી શેંકી કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરોમાંનો એક છે. પોલીસે નાશિક પછી સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરી પર કાર્યવાહી કરી હતી. એ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૯ના અધિકારીઓએ બે ભાઈ રાહુલ ગવળી અને અતુલ ગવળીની ધરપકડ કરી હતી. બન્ને ભાઈ અગાઉ કેમિકલની ફૅક્ટરીમાં કામ કરતા હતા અને ત્યાંથી જ તેમને મેફેડ્રોન બનાવવા સંબંધિત માહિતી મળી હતી.

આરોપીએ સોલાપુરમાં ચિંચોલી એમઆઈડીસી પરિસરમાં ફૅક્ટરી ભાડેથી લઈ તેમાં જ ત્રણ લૅબોરેટરી શરૂ કરી હતી. છેલ્લા સાત-આઠ મહિનાથી ફૅક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. પોલીસે આ ફૅક્ટરીમાંથી અંદાજે છ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એ સિવાય ૧૦૦ કરોડ રૂપિયાનો કાચો માલ પણ હસ્તગત કર્યો હતો.

Back to top button