રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી કરનાર IAS અધિકારી અશોક ખેમકા આજે નિવૃત્ત થયા, કારકિર્દીમાં 57 વખત બદલી થઇ

નવી દિલ્હી: ઈમાનદારીના દૃઢના સંકલ્પ અને કર્તવ્યનિષ્ઠા માટે જાણીતા હરિયાણા કેડરના વરિષ્ઠ IAS અધિકારી ડૉ. અશોક ખેમકા આજે બુધવારે 60 વર્ષની ઉંમરે નિવૃત (IAS Ashok Khemka Retirement) થઇ રહ્યા છે. આ સાથે વહીવટીતંત્રમાં તેમનો 33 વર્ષ અને 7 મહિનાનો લાંબો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. કાર્યકાળ દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કાર્યકાળ દરમિયાન તેમનું 57 વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
ઓક્ટોબર 2012 માં, અશોક ખેમકાએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની કંપની ‘સ્કાયલાઇટ હોસ્પિટાલિટી’ અને DLF યુનિવર્સલ લિમિટેડ વચ્ચે ગુરુગ્રામ જમીન સોદાને કથિત ગેરરીતિઓને કારણે રદ કરવાની ભલામણ કરી હતી. આ મુદ્દો પ્રકાશમાં લાવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ઓછા સક્રિય ખાતામાં બદલી:
વાડ્રા-ડીએલએફ જમીન સોદામાં ગેરરીતિઓનો પર્દાફાશ કર્યા પછી, ખેમકાની પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પુરાતત્વ અને આર્કાઇવ્સ જેવા વિભાગોમાં બદલી કરવામાં આવી હતી. આ વિભાગો પ્રમાણમાં ઓછા સક્રિય માનવામાં આવ્યા છે. તેમને ઘણી વખત એવા વિભાગો સોંપવામાં આવ્યા જ્યાં કોઈ નક્કર કામ થતું ન હોય, છતાં તેઓ હિંમત ન હાર્યા.
વર્ષ 2023 માં, તેમણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હરિયાણા મુખ્યપ્રધાનને પત્ર લખીને વિજીલન્સ ડીપાર્ટમેન્ટ પોસ્ટિંગની માંગ કરી હતી. તેમણે લખ્યું, “જો તક મળશે, તો ભ્રષ્ટાચાર સામે ખરા અર્થમાં યુદ્ધ થશે. કોઈ ગમે તેટલી વગ ધરાવતો હોય, તેને બક્ષવામાં આવશે નહીં.”
હજુ કેસ ચાલી રહ્યો છે:
જમીન સોદાનો કેસ પ્રકાશમાં આવ્યાને 12 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી કે કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. વર્ષ 2007-08 આ જ જમીન સોદા કેસની પૂછપરછ માટે રોબર્ટ વાડ્રા 15 એપ્રિલ, 2025ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા.
સાત મુખ્ય પ્રધાનો હેઠળ કામ કર્યું:
અશોક ખેમકાએ IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં BTech, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)માંથી PhD અને MBA અને પછી LLBનો અભ્યાસ કર્યો હતો. અશોક ખેમકાએ હરિયાણાના સાત મુખ્ય પ્રધાનો ઓમ પ્રકાશ ચૌટાલા, ભજન લાલ, બંસી લાલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મનોહર લાલ ખટ્ટર અને નાયબ સિંહ સૈની હેઠળ કામ કર્યું હતું.
આપણ વાંચો: ભારત ગમે ત્યારે કઈંક કરશે તેવી આશંકાથી ફફડ્યું પાકિસ્તાન, પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના
યુવા અધિકારીઓને પ્રેરણા આપતા રહેશે:
આજે, જ્યારે તેઓ વહીવટીતંત્રમાંથી વિદાય લઇ રહ્યા છે, તેમનું નામ એવા અધિકારીઓમાં લખાશે જેઓ ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહીં પરંતુ ગમે તે ભોગે સત્યની સાથે ઉભા રહ્યા. તેમણે એક વાર ટ્વિટ કર્યં હતું કે, “સીધા વૃક્ષો પહેલા કાપવામાં આવે છે. કોઈ અફસોસ નથી, નવા સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.”