સ્થૂળતાની સમસ્યા સામે સરકારનો એક્શન પ્લાન, જંક ફૂડના પેકેટ લેબલ ફરજિયાત

મુંબઈ: જંક ફૂડના વધતા વપરાશને ધ્યાન રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિગારેટના પેકેટ પર જેમ ચેતવણી લેબલ લગાવવામાં આવે છે, તે જ રીતે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર લગાવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર સહિત કેન્દ્રીય સંસ્થાઓને આ દિશામાં આદેશ આપ્યો છે.
ચેતવણી લેબલ અને બોર્ડની યોજના
આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી જેવા ખાદ્ય પદાર્થોના પેકેટ પર ચેતવણી લેબલ લગાવવાનો નિર્ણય લીધો છે. આ લેબલ આકર્ષક રંગોમાં હશે અને તેમાં ખોરાકમાં રહેલી ચરબી અને ખાંડની માત્રાની સહિતની માહિતી આપવામાં આવશે. AIIMS નાગપુરના અધિકારીઓએ જણાવ્યું કે, કેન્ટીન અને જાહેર સ્થળોએ ‘ઓઈલ એન્ડ સુગર બોર્ડ’ લગાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બોર્ડ લોકોને જંક ફૂડથી થતા જોખમો વિશે જાગૃત કરશે.
સ્થૂળતાનો વધતો ખતરો
સરકારી રિપોર્ટ પ્રમાણે આગામી 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી શકવાની શક્યતાઓ છે. જેનાથી ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતાનું કેન્દ્ર બનશે. હાલમાં શહેરોમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવે છે. બાળકોમાં સ્થૂળતાની સમસ્યા પણ ચિંતાજનક છે, જેનું મુખ્ય કારણ ખરાબ ખાણીપીણીની આદતો અને બેઠાડું જીવન છે.
નિષ્ણાતોના મત પ્રમાણે ખાંડ અને ટ્રાન્સ ફેટ આજની નવી તમાકુ છે. લેબલિંગથી લોકોને તેમના ખોરાકની સાચી માહિતી મળશે. ઉદાહરણ તરીકે, જો ગુલાબજાંબુમાં પાંચ ચમચી ખાંડ હોવાનું લેબલ પર જણાવાશે, તો લોકો તે ખાતા પહેલાં વિચારશે. આ પગલું જંક ફૂડ પર પ્રતિબંધ નથી, પરંતુ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો….જંક ફૂડ એટલે યુવાધનના સ્વાસ્થ્ય સાથે ચેડાં