લાડકી

તરુણાવસ્થાએ ઈમોશનલ ઈજાઓ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

“”she is jealous of me.. મમ્મીને મારી બહુ ઈર્ષ્યા આવે. ડિમ્પીના આ શબ્દો સાંભળી ચોંકીને ચૂપ થઈ ગયેલા વિહા, વિવાન, રીશા કે ત્રિશામાંથી કોઈએ ઘરમાં પેરેન્ટ્સને તેઓની ઈર્ષ્યા આવતી હોય એવું ભાળ્યું નહોતું એટલે એ બધા તો ડિમ્પીની વાત પર ખડખડાટ હસવા લાગ્યા. જીવનમાં પહેલી જ વખત ડિમ્પીએ પોતાના વિચારોને મોકળા મનથી વહેંચેલા પણ એને સાંત્વના આપવાને કે સહમત થવાને બદલે અહીં ફ્રેન્ડ્સ દ્વારા પોતાની મસ્તી થઈ રહેલી જોઈને અચાનક ડિમ્પીને શું થયું કે એ વિફરી, ફરી બે મહિના પહેલાની ઝઘડાખોર જાતે જાણે તેનામાં પ્રવેશ લીધો હોય એમ જોરજોરથી ઘાંટા પાડી એ તો ઝઘડવા લાગી, ત્યાં રહેલા સહુ કોઈ આ નઝારો જોઈ રહ્યા એટલે આપણા ઈમેજ કોન્સિયશ એવા વિહાબેન માટે તો અસહ્ય થઈ પડ્યું જોકે એને સમજ નહોતી આવતી કે શું કરવું એટલે તે ડિમ્પી સામે શાંત થઈ જવા રીતસર કરગરી રહી હતી. આ જોઈ ઑડિટોરિયમ ખાતે કોઈ કામસર આવેલી વિહાની મમ્મી સ્નેહાથી ના રહેવાયું, એણે થોડા ઊંચા, કરડાકીભર્યા સ્વરે કહ્યું, ” શું માંડ્યુ છે આ બધું.?? અને વાત જે હોય તે પણ ડિમ્પી વિહાએ તને કેટલો સપોર્ટ આપ્યો એ પણ તને ના દેખાયું?? આટલું બોલી સ્નેહા એક પળનો પણ વિલંબ કર્યા વગર વિહાને ખેંચી ચાલી નીકળી. પાછળ રહી ગઈ ડિમ્પી એકલી..શૂન્યમનસ્ક
વિહાની મમ્મા એને કેટલી સાચવે છે, અને મારે..?!! ઊલટું મારી મમ્મીને તો કંઈ ફેર નથી પડતો હું શું કરું છું એ જાણવાની કોઈ દરકાર પણ નથી હોતી, આજે એ જ અણગમાને લીધે પોતાનાથી આવું વર્તન થઈ ગયેલું પણ ડિમ્પી અને પૌલોમી એ બંન્ને મા-દીકરી વચ્ચે બંધાયેલા તકલીફભર્યા સંબંધો વધુને વધુ એટલે બગડતા રહે છે કારણકે, બંન્ને એ સંબંધ સિવાય પોતાના અસ્તિત્વની સંભાળ રાખવામાં વ્યસ્ત છે, પોતપોતાના અલગ સપનાઓને ઊંચકી નોખી દિશામાં ચાલતા રહે છે, જનરેશન ગેપના કારણે ઉદ્ભવતા વૈચારિક મતભેદનો શિકાર બનતા રહે છે અને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને ઘોળીને પી ગયા હોય એ રીતે પોતાની જાતને શ્રેષ્ઠતમ બનાવવા અને બતાવવા વલખાં મારતા રહે છે ત્યારે એ મમતાના તાંતણે બંધાયેલ બે સ્ત્રીઓ કઈ હદે એકબીજાને ઈમોશનલ આઘાતો આપતી રહે એ સ્નેહા જેવી સંતાન માટે જ જાણે જન્મ લીધો હોય એવી મા માટે વિચારવું પણ અઘરું હતું.

“સુરભી, થાય છે કે ડિમ્પીને આટલો સાથ આપ્યા પછી પણ એ છોકરીએ જે વર્તન ર્ક્યું વિહા સાથે એ કેટલી હદે યોગ્ય હતું?! સ્નેહાએ સાંજે સુરભીની બાલ્કનીમાં કોફી પીતા કહ્યું.

“સ્નેહા, ડિમ્પી ટોકસિક પેરેન્ટીંગનો શિકાર બની છે. આવા સંજોગોમાં તરુણીઓ એક બાહ્ય કરડાકીભર્યું વ્યક્તિત્વ બનાવી લેતી જોવા મળે છે જેના મનના અંતરિયાળ પડમાં એક સાવ જ નબળું, નજીવા પ્રેમ માટે વલખાં મારતું હૃદય ધબકતું રહે છે. પોતાના નજીકના સંબંધોમાં માન અને માન્યતા મેળવવાની તાલાવેલી ટીનએજર્સને મળેલી સફળતાનો આસ્વાદ માણતા ઘણી વખત રોકી દેતી હોય છે. તેના માટે પોતાની વ્યથા કોઈ સાંભળે એ બહુ જરૂરી હોય છે અને એ કોઈ પાછું તેનું અંગત હોય એ અત્યંત આવશ્યક.

” હમ્મ..સ્નેહા પાસે હોંકારો ભણ્યા સિવાય કોઈ વાત નહોતી એટલે સુરભી એ આગળ ચલાવ્યું, ” ડિમ્પી પણ આ છટપટાહટથી બિલકુલ પર નથી. તેના વાણી, વર્તન, વિચાર સતત આપણને એ વાતથી વાકેફ કરાવતા રહે છે કે હ્યુમન સાયકોલોજીનો વિષય ઘણો જ રસપ્રદ છે એમાં પણ ટીનએજર્સની વાત આવે ત્યારે એ વધુ જટિલતા ધારણ કરી લેતો હોય છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે, તરુણાવસ્થા એ યુવતીઓના મનને કળવું આસાન નથી. તો સામા પક્ષે હ્યુમન સાયકોલોજી અને સ્ત્રી મનના અકળ જગતને આપણી સમક્ષ ખોલતી તેની મધર પૌલોમી છે
“સાચું કહું મને તો એમ થાય કે, સમાજમાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સ્નેહા થોડી નિરાશા સાથે વચ્ચે બોલી ઉઠી.

” હા, આપણી આસપાસ સ્ત્રીઓ જ અન્ય સ્ત્રીઓ પર વધુ કરડાકીભર્યા નિયમો લાદી તેઓને અન્યાય કરતી નજરે ચડતી હોય છે. સાવ સામાન્ય બાબતોમાં પણ એકબીજાને મદદ કરવાને બદલે એકબીજાને નીચા બતાવવાની હોડ લાગેલી સ્ત્રીઓમાં ક્યાં જોવા નથી મળતી!? ખેર, આવી વાતો કરવાથી કંઈ સમય કે સમાજ થોડો બદલવાનો છે, એમ બોલી સ્નેહા આદતવશે અધૂરી વાતે ચાલી નીકળી.

ડિમ્પી એક યુવાન, પ્લમપી તરુણી પોતાની મહત્ત્વાકાંક્ષા અને આવડત વચ્ચે, પોતાના પર રખાતી અપેક્ષા અને હકીકતની સચ્ચાઈ વચ્ચે ગોથા ખાતી રહે છે ત્યારે એ જમાનાની એક સફળ સુંદરી રહી ચુકેલી માતા પૌલોમીના મનમાં કાયમ માટે ડિમ્પી પ્રત્યે એક ખટકો ઘર કરી જાય છે અને જાણ્યે-અજાણ્યે તેણી તેના માટે અણગમાભર્યા વર્તાવ થકી ઘણા ઊંચા અપેક્ષાઓના પહાડ ખડકી દે છે અને ત્યાંથી જ શરુ થાય છે બે મા-દીકરી વચ્ચેનું તુમૂલ યુદ્ધ. સતત મા સામે જાતને સાબિત કરવાના પ્રયાસો અંતે ડિમ્પીના વ્યક્તિત્વને સાવ છેતરામણું સ્વરુપ આપી દે છે જે ધીમે ધીમે બિહામણા પરિણામ તરફ તેને ધકેલી રહ્યું છે. પોતાની માતા દ્વારા સતત કરાતા અણગમાને કારણે ડિમ્પીની દુનિયા એક ના સમજાય એવા ખાલીપાથી ભરાય જાય છે. બહાર લોકો સાથે હળવા મળવાના ગમે તેટલા પ્રયત્નો કરે પણ ડિમ્પી કદાચ તેના આંતરિક જીવનના શૂન્યાવકાશ અને ખાલીપાને જીરવી શકવા અસમર્થ છે.

એક તરુણીની એકલતા, યાદો, પીડા, પ્રતિભા, આવડત, ઈર્ષ્યા અને ગંભીર ગીલ્ટના અવકાશમાં ગોથા ખાતી જાત અને લાગણીઓના અતિરેક થકી પહોંચાડાતી ઈમોશનલ ઈજાઓને દૂર કરવા શું કરી શકાય?? ( ક્રમશ:)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure