ભારતમાં વર્લ્ડ કપની મૅચો રમવા વિશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નિર્ણય લઈ લીધોઃ અહેવાલ…

બોર્ડને સરકારની સૂચના, ` આપણી વર્લ્ડ કપની મૅચો ભારતને બદલે શ્રીલંકામાં રખાવડાવો’
ઢાકાઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આગામી ફેબ્રુઆરી-માર્ચના ટી-20 વર્લ્ડ કપની મૅચો રમવા માટે ભારતના પ્રવાસે નહીં જાય એવો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ લઈ લીધો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું.
બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે (Nazrul) રવિવારે સોશ્યલ મીડિયા પરની પોસ્ટ મારફત આ બાબતે પુષ્ટિ કરી છે. નઝરુલે જણાવ્યું છે કે બીસીબીએ તાકીદની બેઠક બાદ નિર્ણય લીધો છે કે બાંગ્લાદેશના ક્રિકેટરોને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલવામાં આવે.

જોકે હવે જોવાનું એ છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મુદ્દે શું નિર્ણય લે છે, કારણકે વિશ્વ સ્તરની આ ઇવેન્ટ માટેનું શેડ્યૂલ આઇસીસી તૈયાર કરતી હોય છે.
બાંગ્લાદેશમાં હિન્દુ પ્રજા પર થઈ રહેલા અત્યાચારને પગલે બીસીસીઆઇની સૂચના મુજબ પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને આઇપીએલની 2026ની સીઝનમાંથી (કેકેઆરની ટીમમાંથી) કાઢી મૂકવામાં આવ્યો એને પગલે હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આગામી ફેબ્રુઆરી-માર્ચના ટી-20 વર્લ્ડ કપમાં પોતાની ટીમની મૅચો ભારતમાંથી ખસેડીને શ્રીલંકામાં રખાવવા દૃઢનિશ્ચયી છે. ખરેખર તો બાંગ્લાદેશના ખેલકૂદ મંત્રાલયે જ બીસીબીને સૂચના આપી છે કે તમે બાંગ્લાદેશની વર્લ્ડ કપની મૅચો ભારતની બહાર લઈ જવા વિશે જય શાહના અધ્યક્ષસ્થાન હેઠળની આઇસીસી સમક્ષ માગણી મૂકો.
આ પણ વાંચો…બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી…’ મુસ્તફિઝુર રહમાનના આઇપીએલમાં રમવા પર મોટું નિવેદનઃ અહેવાલ…

આસિફ નઝરુલે પોતાના ફેસબુક અકાઉન્ટ પર લખ્યું, ` બાંગ્લાદેશ વિશ્વ કપ રમવા માટે ભારત નહીં જાય. બીસીસીએ આજે (રવિવાર, ચોથી જાન્યુઆરીએ) આ ફેંસલો કર્યો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ. આ નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડની આક્રમક સાંપ્રદાયિક નીતિઓના જવાબમાં લેવામાં આવ્યો છે.’
બાંગ્લાદેશ સરકારે નિર્ણય લઈ લીધો?
એક અહેવાલ મુજબ બીસીબીએ ટી-20 વર્લ્ડ કપ લીગ મૅચો ભારતથી શ્રીલંકામાં ખસેડવા આઇસીસીને ને અરજી કરી છે. મુસ્તફિઝુર રહેમાનની કેકેઆરમાંથી હકાલપટ્ટી થયા બાદ બીસીબીએ ઇમરજન્સી બોર્ડ મીટિંગ બોલાવી હતી. જોકે બેઠક બાદ બીસીબીના પ્રમુખ અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અમીનુલ ઇસ્લામે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. જોકે એક અહેવાલ અનુસાર નજરુલે સોશ્યલ મીડિયા પર એવું જણાવ્યું છે કે ` બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બેઠકમાં નિર્ણય લીધો છે કે બાંગ્લાદેશની ટીમ ટી-20 વર્લ્ડ કપની મૅચો ભારતમાં નહીં જ રમે.’

ખેલભાવનાથી સાવ ઊલટો અભિગમઃ બાંગ્લાદેશ
બાંગ્લાદેશના સૂચના-પ્રસારણ ખાતાના સલાહકાર સૈયદા રિઝવાના હસને આખા મામલાને રાજનીતિ-પ્રેરિત ગણાવતા કહ્યું છે, ` આપણી સરકાર આ આખી ઘટનાને ચુપચાપ સહન નહીં કરે. સામાન્ય રીતે બે દેશ વચ્ચે રાજનીતિ તંગદિલી થાય છે ત્યારે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થાય છે તેમ જ ખેલકૂદના સંબંધોને સુદૃઢ બનાવીને તંગદિલી ઘટાડવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ અહીં તો સાવ ઊલટું જ થયું. બાંગ્લાદેશના એક ખેલાડીને પહેલાં આઇપીએલ માટે પસંદ કરવામાં આવ્યો અને પછી તેને ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો.’
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર: નવનીત રાણાએ બાંગ્લાદેશી ખેલાડીઓના ભારતમાં પ્રવેશનો કર્યો વિરોધ
મૂળ શેડ્યૂલ મુજબ મૅચો કોલકાતા-મુંબઈમાં
આઇસીસીના મૂળ શેડ્યૂલ મુજબ ટી-20 વિશ્વ કપમાં બાંગ્લાદેશની મૅચો કોલકાતાના ઈડનમાં આગામી 7-14 ફેબ્રુઆરી દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ, ઇટલી તથા ઇંગ્લૅન્ડ સામે તેમ જ 17મી ફેબ્રુઆરીએ વાનખેડેમાં નેપાળ સામે રમાવાની છે. જોકે ભારતે મુસ્તફિઝુર સામે હકાલપટ્ટીનું પગલું લીધું એ કારણસર તેમ જ ભારતમાં પોતાના ક્રિકેટરો પર હુમલા થઈ શકે એવા ડરને લીધે બાંગ્લાદેશ બોર્ડ વર્લ્ડ કપની મૅચો ભારતમાં રમવા નથી માગતું એવું શનિવારે રાત્રે જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે? જાણો BCCIએ શું કહ્યું



