ધર્મતેજ

આત્માનાત્મવિવેચનમ્

વિશેષ -હેમુ ભીખુ

આત્મા અને અનાત્માનો ભેદ સમજવો મુશ્કેલ છે. બે તથ્યો વચ્ચેનો ભેદ ત્યારે જ સમજી શકાય કે જ્યારે બંને તત્ત્વોની હયાતી આપણે સ્વીકારીએ અને તે બંને વચ્ચે રહેલા તફાવતને અનુભવીએ. આ માટે ચોક્કસ બાબતોની સ્વીકૃતિ અને તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા વિવેક જરૂરી છે.

ઘણા બધા ભેદ પારખવા સહેલા છે. શેને અંધારું કહેવાય કે શેને અજવાળું, શું શ્ર્વેત છે કે શું શ્યામ છે, શું ગળ્યું છે કે શું મીઠું છે કે શું ખારું – આ બધું સમજવું સહેલું છે અને આપણે જે સમજીએ તે બધાને માન્ય પણ હોય; કારણ કે આ બધા ઇન્દ્રિયગમ્ય વિષયો છે. જે બાબત ઇન્દ્રિયથી પર હોય તેને જ સમજવી અઘરી છે. જ્યાં પાંચેય કર્મેન્દ્રિયો કે પાંચેય જ્ઞાનેન્દ્રિયો પહોંચી ન શકે તેવી બાબત કોઇ અનેરી વ્યક્તિ જ સમજી શકે. આવી વ્યક્તિ જ આત્મા અને અનાત્માનો ભેદ સમજી શકે. આવી સમજણ માટે વિવેક જોઈએ. આત્મા અને અનાત્માનો ભેદ સમજવા માટે નીર-ક્ષીરનો વિવેક હોવો જરૂરી છે.

અવિવેકી મૂળમાં જ પ્રશ્ર્ન પૂછે છે. શું આત્મા છે, હોય તો તે કેવો છે, તેને કોણે બનાવ્યો છે, શેનાથી બનાવ્યો છે, એનું ઉદ્ગમ સ્થાન કયું છે, તે છે એની કોઈ સાબિતી છે? શરીર છે કારણકે દેખાય છે, શરીર વડે અનુભવાય છે, શરીરનો સાથ વર્તાય છે, શરીરના કાર્યો તથા તેની માટે તેની પાસેના સાધનો સમજાતા રહે છે, શરીરની સંભાવનાઓ તથા તેની મર્યાદાઓની પ્રતીતિ થયા કરે છે – માટે શરીર છે. આત્મા તો દેખાતો પણ નથી.અને જો આત્મા વિશે જ શંકા હોય તો અનાત્માનો વિચાર તો આવી જ ન શકે!

હા, આત્માને જાણી લેનાર તેને પામી શકે છે – ત્યાં સુધી પહોંચનાર તેને યથાર્થતામાં સમજી શકે છે. પણ એવા લોકોના બધા જ શબ્દો પર વિશ્ર્વાસ થોડો મૂકી શકાય? આવા પ્રશ્ર્નો થવા વ્યાજબી છે. આપણું શરીર જેમનું તેમ અમુક સંજોગોમાં કાર્યરત રહે છે. પણ કશુંક થાય છે અને શરીરની બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. આ કશુંક થવાની ક્રિયા પાછળ કોઈ તત્વની બાદબાકી થવાનું કારણ હોવું જોઈએ. આ તત્ત્વ એટલે જ આત્મા. જો આત્મા શરીરને ત્યજી દે તો શરીર જડ બની જાય છે. આમ આત્માનું હોવું સાબિત થાય છે. આત્મા સિવાયનું પ્રત્યેક અસ્તિત્વ એટલે અન્-આત્મા.
ઘરમાં ચાલતો પંખો તેમાં રહેલી તક્નીકી બાબતોને કારણે ફરતો રહે છે અને પવન ફેંકે છે, પણ તેની આ ક્રિયા પાછળ તો મૂળમાં વિદ્યુત-શક્તિ કારણભૂત છે; જો તે શક્તિ ના હોય તો પંખો જેમનો તેમ પડ્યો રહે અને કાળક્રમે એ સંપૂર્ણ વિલય પામે. આવું જ શરીર માટે છે. શરીર એ પંખો છે અને વિદ્યુત-શક્તિ એ આત્મા છે.

કારણભૂત તત્ત્વ સિવાય બધું જ અનાત્મા છે. શરીર, ઇન્દ્રિયો, અંત:કરણ, સંસ્કારો, કર્મ તથા તેની સાથે બંધાયેલા કર્મફળ, વિવિધ પ્રકારના દ્વન્દ્વ – આ અને આવી બધી જ બાબતો અનાત્મા છે. પ્રકૃતિનું પ્રત્યેક અંગ અનાત્મા છે. ઝાડ-પાન, નદી પર્વત, રણ-સાગર, સૂર્ય-ચંદ્રથી શરૂ કરી સમગ્ર બ્રહ્માંડ આત્મા સિવાયનું અન્ય અસ્તિત્વ છે.

વિચારો,ઈચ્છાઓ, કામ, આવેગ, ક્રોધ, લોભ, માતા–પિતા, પુત્ર-દારા – આ બધું જ અનાત્મા છે. હું અને માર્રું- આ સમજ સાથે જોડાયેલી બધી જ બાબતો આત્મા સિવાયની છે. હું ની સાથે આત્મા ત્યારે જોડાય જ્યારે આપણે “અહમ બ્રહ્માસ્મિની સ્થિતિ પર આવીએ. ત્યાં સુધી તો આપણું અસ્તિત્વ પણ અનાત્માની સાબિતી બની રહે છે.

આત્મા-અનાત્માનો વિવેક દુર્લભ કેમ કહેવાય છે એ એક પ્રશ્ર્ન થાય. જવાબ એવો છે કે વ્યક્તિનું ધ્યાન તે તરફ ક્યારેય નથી જતું. આપણે દુનિયાવી તથા વ્યક્તિગત બાબતોમાં એટલા રચ્યા-પચ્યા રહીએ છીએ કે તે દિશામાં આપણું ધ્યાન જ નથી જતું. આપણી ઇન્દ્રિયો આમેય બહિર્ગામી છે, તેથી આપણે આત્મા તરફ – કે જે અંદર રહેલો છે – નજર નથી કરતાં. આત્માની આ આંતરિક સ્થિતિને કારણે જ – આત્માના આ આંતરિક સ્થાનને કારણે જ તો તેને અંતરઆત્મા કહેવાય છે.

વળી આત્માને માયાનું આવરણ ચઢેલું છે. માયા એટલે એવી ઘટના જ્યાં આપણને ન હોય તે દેખાય કે હોય તે ના દેખાય કે જે તે બાબત જેમ છે તેમ ન દેખાય કે પછી તે પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા ઊભી થાય. અંત:કરણના વિવિધ સ્વરૂપોને જે ગેરમાર્ગે દોરે અને અજ્ઞાનતા જન્માવે તે માયા માયા. માયા એ એવી હકીકત છે કે જે માનવીના વિવેકને ભ્રમિત રાખે.

કોઈપણ પ્રકારના ભ્રમ વગર પરિસ્થિતિને યથા સ્વરૂપે સંપૂર્ણતામાં સમજી તે પ્રકારનો વ્યવહાર, કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કરવો એટલે વિવેક. આવો વિવેક જો આત્મા અને અનાત્માનો ભેદ સમજી શકે તો સમગ્ર સમીકરણો ત્યાં પૂરા થાય. આવો વિવેક દુર્લભ છે. કોઈક વિરલાજ તેને પામી શકે – પણ એ પણ સત્ય છે કે આવો વિવેક બધા પામી પણ શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”