ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા…

હેન્રી શાસ્ત્રી

જોકર: હસાવે-જીતાડે ને ડરાવે સુધ્ધાં…

જોકર નામ પડતા જ આંખ સામે ચિત્ર-વિચિત્ર મેકઅપ – પોશાકમાં સજ્જ સર્કસનો વિદૂષક આંખ સામે તરવરવા લાગે, જેની હરકતોના સ્મરણ માત્રથી ચહેરો મલકાઈ જાય. સાથે સાથે પત્તા રમવાના શોખીનોને જોકરે બાજી જીતાડી આપી હોવાની વાત યાદ આવે અને મોઢા પર સહેજ રૂઆબ આવી જાય. હવે જો તમને કહેવામાં આવે કે એક જોકર એવો પણ છે જે બીવડાવે છે, તો? યુએસના નેવાડા રાજ્યના રણ વિસ્તારમાં ‘ધ ક્લાઉન મોટેલ’ પ્રવાસીને થથરાવી દેવાની ખ્યાતિ ધરાવે છે. જુગાર માટે જગવિખ્યાત યુએસના લાસ વેગસથી 300 કિલોમીટરના અંતરે આવેલી આ મોટેલમાં જિંદગીનો જુગાર રમાઈ જતો હોય એવી લાગણી થાય છે.

40 વર્ષ પહેલા શરૂ થયેલી આ મોટેલમાં છેલ્લા 10 વર્ષથી ભય ઉત્પન્ન કરતી નામનાને કારણે કુતૂહલવશ રોકાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વિખ્યાત ‘ડિસ્કવરી- ટ્રાવેલ ચેનલ’ પર ‘ધ ક્લાઉન મોટેલ’ના રજૂ થયેલા એપિસોડમાં બોક્સમાંથી નીકળતો અજાણ્યો અવાજ, વિશાળ કદના જોકરનો એની મેળે ચાલતો હાથ વગેરે નજરે પડ્યા બાદ મોટેલના બુકિંગમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. મોટેલ લાંબી માર્ગ મુસાફરી દરમિયાન રાતવાસો માટે જાણીતી છે. ‘ક્લાઉન મોટેલ’ના પ્રવેશદ્વાર પર એક મોટા જોકરનું કટઆઉટ તમારું સ્માઈલ સાથે સ્વાગત કરે છે. દીવાલ પર અલગ અલગ જોકરો જોવા મળે છે.

જોકે, અંદર જતાંની સાથે મલકાયેલા ચહેરા પર પરસેવો વળવા માંડે. કવિ ‘કલાપી’ની પંક્તિ ફેરફાર સાથે યાદ આવી જાય કે ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી જોકરોની.’ ક્યાંક પોસ્ટર તો ક્યાંક મૂર્તિ અને એ સિવાય સોફ્ટ ટોય્ઝ – એમ વિવિધ સ્વરૂપે જોકરો સ્વાગત કરે છે. મોટેલની કેટલીક રૂમ ભયભીત કરી દેતી થીમથી તૈયાર કરવામાં આવ્યા છે. અમુક ઠેકાણે નકલી રક્તનો છંટકાવ જોવા મળે છે તો ક્યાંક વિચિત્ર એક્શન સાથે વિદૂષકની હાજરી ચોંકાવી દે છે. મોટેલની બાજુમાં જ 125 વર્ષ જૂનું કબ્રસ્તાન છે, જે અહીંના સમસ્ત સિનારિયોમાં ભય -રોમાંચમાં ઉમેરો કરે છે.

સ્પેનના ‘થર્મોસ હાઉસ’નું આકર્ષણ

ગરમ અને ઊંડું ખિસ્સું ધરાવતા એકવીસમી સદીના સહેલાણી માટે રોમેન્સ કરતા રોમાંચનું વધુ મહત્ત્વ છે. રૂંવાડા ઊભા થઈ જાય, મોઢું આશ્ર્ચર્યથી પહોળું થાય એવા સ્થળની એને તલાશ હોય છે. આયફેલ (એફિલ) ટાવર, નાયગ્રા ફોલ્સ કે ડિઝનીલેન્ડથી ધરાઈ ગયેલા સહેલાણીઓ હવે સ્પેશ્યલ ઇફેક્ટ ધરાવતી જગ્યા શોધતા લોકોની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે સ્પેનના ટ્રોગ્લોડાઈટ આર્કિટેક્ચરના વિશિષ્ટ ‘થર્મોસ હાઉસ.’ બાર્સેલોના, મેડ્રિડ વગેરે શહેરો માટે ખ્યાતિ ધરાવતા સ્પેનના કેડીઝ પ્રાંતમાં સેટેનિલ દ લાસ બોડગસ નામના 2700 લોકોની વસતી ધરાવતા ખોબલા જેવડા શહેરમાં પ્રવેશ કરતા જ કોઈ સિટીમાં નહીં, બલ્કે પ્રકૃતિની ગોદમાં આવ્યા હોય એવો અનેરો એહસાસ થાય છે.

આ અનોખું શહેર એક નદી નીચે પહાડ કોતરીને અસ્તિત્વમાં આવ્યું છે. 500 વર્ષથી વધુ પુરાણા ‘સ્પેનિશ કેવ હાઉસ’ પર્વતને કોરી તૈયાર કરવામાં આવ્યા છે. આ આવાસ મોટેભાગે વાઈટવોશ (આપણી ભાષામાં ચૂનો) કરવામાં આવ્યા હોય છે. આ અનોખા બંધારણને કારણે એ સમગ્ર વર્ષ દરમિયાન પ્રાકૃતિક થર્મોસ હાઉસની ગરજ સારે છે. પરિણામે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમાવો મળે છે, કોઈપણ પ્રકારના ઉપકરણ વિના. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ મનભાવન છે. આ વિસ્તારનું એતિહાસિક મહત્ત્વ એ છે કે એના નામમાં જે ‘સેટેનિલ’ નામનો શબ્દ છે એ ‘સેપ્ટેમ નિહીલ’ એ લેટિન શબ્દો પરથી ઊતરી આવ્યો છે. પોતાનો પ્રદેશ મુસ્લિમ શાસન પાસેથી પરત મેળવવા ખ્રિસ્તી શાસકોએ સાત વખત કરેલા આક્રમણ પરથી ઊતરી આવ્યો છે. ટૂંકમાં સંઘર્ષ પછીની શાંતિનો આ પ્રદેશ છે. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!

નિરાધારને આધાર, પોલીસની પુણ્યાઈ

એકાદ મહિના પહેલાની વાત છે. યુએસના સેન્ટ્રલ ન્યૂયોર્ક વિસ્તારમાં કામ આટોપી રહેલા સિરાકુઝ પોલીસ ડિપાર્ટમેન્ટના જેમી પેસ્ટોરેલો નામના ઓફિસરની નજર માથે કાર્ડબોર્ડનું બોક્સ રાખી ચઢાણ ચડવામાં પારાવાર મુશ્કેલી અનુભવતી મહિલા પર પડી. જેમીના દિલમાં જિસસ જાગ્યા અને પોતાની કારમાં 55 વર્ષની રિયા હોમ્સને લિફ્ટ આપવાની ઓફર કરી. માથા પર ગ્રોસરી (કરિયાણું) લઈને રિયા પતિની કબરની મુલાકાતે જઈ રહી હતી.

કબ્રસ્તાન પહોંચ્યા પછી પોલીસના દયાભાવથી ગળગળી થયેલી રિયાએ જેમી સાથે સેલ્ફી લીધી અને એ ફોટોગ્રાફ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ‘ફેસબુક’ પર શેર કરી માનવતાની મહેક તરીકે રજૂઆત કરી. આ ફોટોગ્રાફ જોઈ કબ્રસ્તાનની જાળવણીનું કામ કરતી વ્યક્તિએ રિયા ત્યાં વારંવાર આવતી હોવાની તેમજ અનેક દિવસ પતિની કબર પર રાતવાસો કરતી હોવાની જાણકારી પોલીસને આપી. વાત સાંભળી જેમી અને એના સાથીઓ સ્તબ્ધ થઈ ગયા.

તપાસ કરતા ખબર પડી કે 26 વર્ષના સુખી વૈવાહિક જીવન બાદ 2020માં રિયાના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ આઘાતથી રિયા ભાંગી પડી. નોકરીએ જવાનું બંધ કર્યું, જેને કારણે તેને પાણીચું મળ્યું અને એક દિવસ ભર શિયાળામાં ઘર છોડવાનો વારો આવ્યો. ઠૂઠવાતા વાતાવરણમાં રિયા રસ્તે રઝળતી વાર્તા બની ગઈ. જોકે, અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં રિયાએ ફૂડ પેન્ટ્રીઝ અને ચર્ચમાં એ કરતી હતી એ સેવા કાર્ય જારી રાખ્યું.

ઈશ્વરમાં અફાટ શ્રદ્ધા ધરાવતી રિયાનું માનવું છે કે પ્રભુએ જ એનો ભેટો પોલીસમેન જેમી સાથે કરાવી આપ્યો. રિયાની હૃદયદ્રાવક સ્ટોરી જાણી હચમચી ગયેલા જેમીની કોશિશોને પગલે આજે રિયા 300 ચોરસ ફૂટના ઘરમાં હેમખેમ જીવી રહી છે. ઈશ્વરી સંકેત જુઓ કે જાન્યુઆરીમાં સિરાકુઝમાં ઠંડી વધીને તાપમાન માઈનસ 18 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું ત્યારે પોતે આ તાપમાનમાં ટકી શકી ન હોત એ સ્વીકારી રિયાએ જેમી અને જિસસનો આભાર માન્યો.

સપ્તપદીના સાત ફેરા – ઓફિસના આંટાફેરા

એક સમય હતો જ્યારે વ્યક્તિ જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચે સંતુલન જાળવવા કોશિશ કરતી જોવા મળતી હતી. એકવીસમી સદીમાં ઘણું બધું બદલાયું છે અને અંગતભૂમિ અને ઓફિસભૂમિ વચ્ચે સંતુલન જાળવવાને પ્રાધાન્ય આપવું જરૂરી બની ગયું છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી અનુસાર લગ્ન પહેલાં વેવિશાળ કરવા રજા લેનારા યુવક – યુવતીને લગ્ન લેટ કરજો, પહેલા ઓફિસમાં આવી પ્રોજેક્ટ પૂરો કરો એવું ફરમાન કરવામાં આવ્યું છે.

કામને પ્રાધાન્ય આપતી કંપનીએ તાજેતરમાં ‘જિયો ફેન્સિંગ’ કરી ઓફિસના લોકેશનથી વધુમાં વધુ 120 કિલોમીટર દૂર રહીને જ કામ કરી શકાય એવું સાફ સાફ કહી દીધું છે. વેવિશાળ અને લગ્નની તારીખ અંગે બે મહિના અગાઉથી જાણ કરી હોવા છતાં ઓફિસે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના બંને નોકરિયાતને અંગત જીવન વિસરી ઓફિસ લાઈફમાં વ્યસ્ત થવા કહેતા યુગલ ચોંકી ગયું છે. ના પાડશું તો નોકરી જશે એ બીક પણ સતાવી રહી છે અને એટલે જ આ હૈયાવરાળ ઠાલવતી વખતે ઓફિસ કે શહેરનું નામ નથી જણાવ્યું.

લ્યો કરો વાત

ચારેક વર્ષ પહેલા મીડિયામાં ચમકેલી ‘મૂછાળી મા’ની સ્ટોરીએ લોકોને પહેલા આશ્ર્ચર્યચકિત કર્યા હતા અને એ જ લોકો હલબલી ગયા હતા. દીકરીના જન્મ પછી તરત પતિનું અવસાન થતા તમિલનાડુમાં એક રૂઢિચુસ્ત વાતાવરણમાં રહેતી એસ. પેચિઅમ્મલ નામની મહિલા માટે કપરાં ચઢાણ હતાં. જોકે, મુશ્કેલીઓથી વિચલિત થયા વિના એસ. પેચિઅમ્મલ પુરુષ વેષ ધારણ કરી ‘મુથુ માસ્ટર’ બની ગયા. વાળ કપાવી, પુરુષના કપડાં પહેરી સંપૂર્ણ વેશપલટો કરી મિસ્ટર મુથુ ક્યારેક ચિત્રકાર, ક્યારેક મજૂરી કામ તો ક્યારેક ફૂડસ્ટોલ પર ચા – પરાઠા બનાવી લોકોને ઓડકાર ખવરાવી દીકરીનું ભાવિ ઘડવા લાગ્યો. આ સ્ટોરી ફરી વાઇરલ થઈ છે અને અનેક લોકો માટે પ્રેરણાનું પીયૂષ સાબિત થઈ રહી છે. લાગલગાટ 30 વર્ષ સુધી પોતાની ઓળખ ઓગાળી અલગ સ્વરૂપ ધારણ કરી ઝઝૂમવું અને એમાં સફળતા મેળવવી એ બહુ મોટી સિદ્ધિ છે. બાળ કેળવણીના પ્રખર હિમાયતી ગિજુભાઈ બધેકા ‘મૂછાળી મા’ કહેવાતા અને મુથુ માસ્ટરએ એમની સ્મૃતિ તાજી કરાવી દીધી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button