‘આપ’ના સંજયસિંહને ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ધરપકડ કર્યાના એક દિવસ બાદ દિલ્હી હાઈ કોર્ટે ‘આપ’ના નેતા સંજય સિંહને પાંચ દિવસની એટલે કે ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી ફટકારી હતી.
તપાસ એજન્સી વધુ સારી રીતે તેમની પૂછપરછ કરી શકે તે માટે વિશેષ ન્યાયાધીશ એમ. કે. નાગપાલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી આપી હતી.
કસ્ટડી પૂરી થયા બાદ ‘આપ’ના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
કોર્ટમાં લાવવામાં આવેલા સંજય સિંહે કહ્યું હતું કે મારી ધરપકડ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અન્યાયપૂર્ણ કામગીરી છે. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનો ભાજપ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પરાજિત થશે, એમ તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૨૧-૨૨ના એક્સાઈઝ પોલિસી મનીલૉન્ડરિંગ કેસને મામલે ઈડીએ બુધવારે સંજય સિંહની ધરપકડ કરી હતી.
સંજય સિંહની ધરપકડને કારણે ‘આપ’ને મોટો ફટકો પડ્યો છે.
પત્રકારોને આપેલી મુલાકાતમાં સંજય સિંહે કહ્યું હતું કે આ મોદીનો અન્યાય છે.
મોદી ચૂંટણી ગુમાવશે, ચૂંટણી ગુમાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)



