અમદાવાદમાં ખાણીપીણી બજાર માટે મશહુર માણેકચોકમાં ટેબલ ખુરશી રાખવા અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. માણેકચોક ફરી ભીડથી ધમધમતું થયું છે. ગ્રાહકો માટે ફરીથી ટેબલ ખુરશી મુકાતા ફરી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
નોંધનીય છે કે સ્થાનિકોની ફરિયાદને આધારે અમદાવદ પોલીસે ખાણીપીણી બજારના ફૂડ સ્ટોલ માલિકોને ટેબલ ખુરશી ન ગોઠવવા નોટીસ પાઠવી હતી. છેલ્લા 5 દિવસથી માણેકચોકમાં આવતા લોકો ટેબલ ખુરશીના મળતા નીચે જમીન પર પાથરેલી તાડપત્રી પર બેસીને ભોજન લેવ મજબૂર બન્યાં હતા. કેટલાક લોકો ખુરશી ન મળતા પરત ફરતા હતા જેને લઈને વેપારીઓને નુકશાન થઇ રહ્યું હતું. પોલીસને વિનંતી બાદ સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું છે. વેપારીઓએ બાહેધરી આપી હતી કે હવેથી ટેબલ-ખુરશીઓ કોઇને નડતર રૂપ ન થાય તેમ ગોઠવવામાં આવશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક રહેવાસીઓ અને અન્ય દુકાનદારો તરફથી ઘણી ફરિયાદો મળી છે કે ફૂડ સ્ટોલના માલિકોએ રસ્તા પર ઘણી જગ્યાઓ પર અતિક્રમણ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે વેપારીઓ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડના વાહનોને પસાર થવા માટે પણ જગ્યા છોડતા નથી.
માણેકચોકના ફૂડ સ્ટોલ માલિકોનું કહેવું છે કે, અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ ન હતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.
1960માં માણેક ચોકમાં એક વેપારીને ખાણીપીણીની લારી માટે પહેલીવાર લાઇસન્સ આપવામાં આવ્યું હતું. હાલમાં અહિયાં 42 સત્તાવાર અને 30 લાઇસન્સ વગરના ખાણીપીણીના સ્ટોલ કાર્યરત છે.