T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમવા માટે તૈયાર છે. ભારત 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમશે. દરમિયાન, ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે નેટ પ્રેક્ટિસ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ છે.
રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન થ્રો ડાઉનની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે એક શોર્ટ બોલ તેમના જમણા હાથ પર વાગ્યો હતો. એસ રઘુ તેમને પ્રેક્ટિસ કરાવતા હતા. હાથમાં ઈજા થતાં તેઓ સ્થળ છોડી ગયા હતા.
રોહિત શર્માએ 150 કિમી/કલાકની ઝડપે આવતા બોલ પર શોર્ટ આર્મ પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ ચૂકી ગયા હતા અને બોલ તેમના હાથમાં અથડાયો હતો. તેમણે પ્રેક્ટિસ અધવચ્ચે છોડી દીધી હતી અને તેમના જમણા હાથે એક મોટો આઈસ પેક બાંધ્યો હતો. રોહિત આઇસ બોક્સ સાથે ખૂબ જ પીડામાં જોવા મળ્યા હતા. કોચ પેડી અપટન લાંબા સમય સુધી રોહિત સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. ટીમ ઈન્ડિયાને આશા છે કે રોહિતની ઈજા ગંભીર નથી. જો તેમની ઇજા ગંભીર હશે તો સેમીફાઈનલ પહેલા ટીમ માટે તે મોટો આંચકો સાબિત થશે. 10 નવેમ્બરે રમાનારી સેમિફાઇનલ મેચ પહેલા ટીમના તબીબ પુરો પ્રયાસ કરશે કે કેપ્ટનને કોઇ ગંભીર ઇજા ન થાય અને તેઓ સેમીફાઇનલ રમવા માટે ફિટ હોય.