સ્વાસ્થ્ય – ઉર્મિલ પંડયા
દેવઊઠી અગિયારસે તુલસીનો વિવાહ ધામધૂમથી વિષ્ણુ જોડે કરવામાં આવે છે. દેવદિવાળી સુધી આ ઉત્સવનો માહોલ રહે છે. આ વિવાહ અંગે શાસ્ત્રમાં આવતી જલંધર નામના રાક્ષસના મૃત્યુ માટે વિષ્ણુ ભગવાને તેની પત્ની વૃંદાના પતિવ્રતાપણા (સતીત્વ)નો ભંગ કર્યો હતો, તેની કથાથી તો આપ સૌ સુપરિચિત છો. આ વાર્તાના પ્રતીકરૂપ પાત્રો આજના જમાનામાં પણ એટલાં જ સુસંગત રહેલાં છે, જેમ કે એ સમયમાં જલંધર નામનો પાણીમાંથી પેદા થયેલો રાક્ષસ હતો અને વિષ્ણુએ તુલસી (વૃંદા)નું સેવન કરીને તેને માર્યો હતો. આ જ રીતે જળપ્રધાન રોગો જેવા કે શરદી, સળેખમ, ખાંસી, ક્ષય, વગેરે આધુનિક રાક્ષસોને તેમ જ ભેજને કારણે ઉત્પન્ન થતા ડેન્ગ્યુ કે ચિકનગુનિયા કે મલેરિયા ફેલાવતા મચ્છરરૂપી અસુરોનો પણ તુલસીના સેવન અને સાંનિધ્યથી સફાયો કરી શકાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસી આ કામ કેવી રીતે પાર પાડે છે તે આપણે જોઇએ.
તુલસીને આયુર્વેદમાં કફ-વાયુનાશક તરીકે ઓળખાવી છે. તુલસીમાં ફેનોલ નામનું તત્ત્વ આવેલું છે, જે ક્ષયનાશક છે. આધુનિક દવા સ્ટ્રેપ્ટોમાઇસિન કરતાં દશમા ભાગની અને આઇસોનિયેઝિડ કરતાં ચોથા ભાગની ક્ષયનાશકશક્તિ તુલસી ધરાવે છે. તુલસીમાં એસ્કાર્બિક એસિડ આવેલો છે, જે શરીરમાં રહેલા જળતત્ત્વ કે કફને શોષી લઇ શરદી કે ખાંસીનો નાશ કરે છે અને સાથે તે શરીરને વધુ પડતી ઠંડીની કુઅસરથી બચાવે છે. તુલસી કફ ઉપરાંત વાયુનાશક છે, તેના પાનને પાણીમાં નાખી તે પાણીની વરાળ લેવાથી માથાનો દુખાવો તેમ જ સાંધાના દુખાવા પણ મટે છે. આ ઉપરાંત તુલસીમાં રહેલો એસ્કાર્બિક એસિડ વાતાવરણમાં રહેલા ભેજને પણ શોષી લે છે. મચ્છરોને ઉછરવા માટે ભીનું ભેજયુક્ત વાતાવરણ જ જોઇએ. આથી જ મચ્છરો ચોમાસામાં ભરાઇ રહેલા પાણી કે ભેજયુક્ત સ્થળોએ ઇંડાં મૂકીને સૌથી વધુ ફેલાવો કરે છે. તુલસી જે ભેજ શોષીને આજુબાજુના વાતાવરણને સૂકું રાખે છે, તેનાથી મચ્છરો જોજન દૂર ભાગે છે અને વાતાવરણ મચ્છરહિત બને છે. તુલસીની-ત્રણ-ચાર જાત છે. એમાંથી કાળી તુલસી કે જેમાં એસિડ અને અગ્નિતત્ત્વ વધારે હોઇ, તે કાળી દેખાય છે. તે વાતાવરણ તેમ જ શરીરને જલદી અને વધુ પ્રમાણમાં ભેજરહિત બનાવે છે. શ્રીકૃષ્ણે આ તુલસીને જ પસંદ કરી હતી. તેથી આ તુલસી શ્યામતુલસી તરીકે પણ ઓળખાય છે. શહેરમાં ઘણા બાગ-બગીચા આવેલ છે, જેમાં અનેક વિદેશી છોડવાને વધુ રૂપિયા ખર્ચીને પણ ઉગાડેલા જોવા મળે છે. અનેક રંગબેરંગી ફૂલના છોડ તેમ જ ભાતભાતના અને જાતજાતના છોડથી બગીચાને કળાત્મક રીતે સજાવી દેવામાં આવી છે, પરંતુ શરીર અને વાતાવરણને શુદ્ધતાથી ભરી દેતી તુલસીના છોડને બગીચાઓમાં સ્થાન હજુ મળી શકયું નથી. દરિયા કિનારે આવેલી ભેજયુક્ત મહાનગરી મુંબઇમાં જાહેર સ્થાનની સજાવટ કરતા છોડવામાં તેમ જ બાગ-બગીચાઓમાં સૌથી વધુ પ્રમાણમાં તુલસીના છોડ વાવવા જોઇએ. ચિકન ગુનિયા કે ડેન્ગ્યુ કે મલેરિયાના મચ્છર જ્યારે હદ વટાવે છે ત્યારે અખબારોમાં મોટી સરકારી જાહેરખબરો આવી જાય છે કે પાણીની ટાંકી સાફ રાખવી, આસપાસમાં પાણી જમા ન થવા દેવું, વાતાવરણ ભેજરહિત રાખવું, પરંતુ વિના ખર્ચે વાતાવરણને ભેજમુક્ત અને મચ્છરમુક્ત રાખતી તુલસી ઉગાડવાની કોઇ તસ્દી લેતું નથી. અલાહાબાદના પ્રસિદ્ધ રાજવૈદ પંડિત અશોકકુમાર શુકલના પુસ્તક ભારતીય જડીબુટ્ટી વિજ્ઞાનમાં જણાવ્યા પ્રમાણે તુલસીના સ્પર્શથી આજુબાજુનું વાયુમંડળ પણ શુદ્ધ થાય છે અને વિષાણુઓ પણ નાશ પામે છે. આમ, તુલસીના સેવનથી રોગો તો મટે જ છે. એટલું જ નહીં પણ તેના પાન અને મંજરી પર થઇને આવતા વાયુ શ્ર્વાસ માટે શરીરમાં જઇ ફેફસાંને નવું બળ આપે છે તેમ જ તન અને મનને સ્ફૂર્તિ આપે છે. તાજેતરના સંશોધન પ્રમાણે ચિકનગુનિયાની કોઇ એલોપથી દવા જ નથી, પણ આયુર્વેદની દૃષ્ટિએ ચિકનગુનિયા એ કફ-વાયુના પ્રકોપથી ઉત્પન્ન થતો તાવ છે અને જેમાં સાંધામાં દુ:ખાવો થાય છે અને સોજા પણ આવી જાય છે. કફ-વાયુશામક તુલસી તાવનો નાશ કરનારી, સોજાને દૂર કરનારી તેમ જ સાંધાનો દુખાવો ઘટાડનારી થ્રી-ઇન-વન ઔષધિ છે. તુલસીનાં પાનનો રસ, ત્રણ-ચાર કાળા મરીનો ભૂકો મધમાં ભેળવી નિયમિત પીવાથી ચિકનગુનિયા થતો નથી અને થયેલો હોય તો મટી જાય છે.
આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની વૃત્તિ આપણા ઋષિમુનિઓમાં ન હતી, પણ પાણી પહેલા જ પાળ બાંધી લેવાની અગમચેતી તેમનામાં જરૂર હતી. શિયાળામાં તમારું લોહી પીવા મચ્છરો રાત્રે ઘરમાં ઘૂસી જાય તે પહેલા તમે તુલસીના પાનનું સેવન શરૂ કરી દો. વધુમાં વધુ તુલસીના છોડ ઘરે ઉગાડો. સમગ્ર ઠંડીની ઋતુમાં તમે તુલસીનું સેવન શરીર અને મનને આરોગ્ય અને સ્ફૂર્તિથી હર્યું ભર્યું તો રાખી શકશો જ, પણ વાયુમંડળના શુદ્ધીકરણમાં પણ નિમિત્ત બની શકશો.ભગવાનને ધરાવાતા ભોજનના થાળમાં પણ તુલસીના ત્રણ-ચાર પાન મૂકવામાં આવે છે, જે ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. આ વાત પણ તદ્દન યોગ્ય જ છે. કારણકે તુલસી વિષનાશક પણ છે, જેથી ભોજન સમયે જો તેનાં ત્રણ-ચાર પાન ખાધા પછી ભોજન કરવાથી ભોજનમાં રહેલી અશુદ્ધિઓથી શરીરમાં ઉત્પન્ન થતાં વિષદ્રવ્યોને તુલસી દૂર કરે છે. ભાગવતમાં એક પ્રસંગ આવે છે જેમાં કૃષ્ણનાં વજન જેટલાં જ સોનાના ઘરેણાંથી તોલી તે સોનાનું દાન આપવાનું હોય છે. મહેલના ભંડારમાં રહેલા ઘરેણાં તેમ જ રુક્મિણીના શરીર પરનાં તમામ ઘરેણાથી પણ શ્રીકૃષ્ણ તોળાતા નથી, પણ જ્યારે એક તુલસીના પાનમાત્રથી જ શ્રીકૃષ્ણ તોળાઇ જાય છે. તાર્કિક દૃષ્ટિએ આ વાત ગળે ઊતરે તેવી નથી, પરંતુ ગહન વિચાર કરતાં તેમાં રહેલો ગૂઢ મર્મ સમજાય છે કે સોના-ચાંદીના કિંમતી ખજાના સામે પણ તન-મનને સ્વસ્થ કરનારી તુલસીનું મૂલ્ય અનેકગણું છે. વેલ્થની સામે હેલ્થનું પલડું હંમેશાં ભારે રહે છે. એ આ પ્રસંગના પ્રતીકરૂપે ભગવાન શ્રીકૃષ્ણે બતાવી દીધું છે. શિયાળામાં તુલસીનું નિયમિત સેવન કરો. પછી જુઓ કે તમારા શરીરના બજારમાં આખું વર્ષ કેવી આખલા જેવી તેજી રહે છે.ઉ
—
૨૫ ડિસેમ્બરના દિવસે તુલસી ડે પણ ઉજવાય છે
મમળાવો ‘તુલસી’ની થોડીક ‘ટિપ્સ’
– તુલસીનો રસ અને આદુંનો રસ નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી અને માથાનો દુ:ખાવો મટે છે.
– તુલસીનાં ચાર-પાંચ પાન અને સંચળ ૨ ગ્રામ, દહીંમાં મેળવી ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
– સવારે સ્નાન બાદ તુલસીનાં પાંચ પાન પાણી સાથે લેવાથી યાદશક્તિ વધે છે.
– કાળી તુલસીના ૧૦૦ પાન લઇ વાટી તે દૂધ મેળવતી વખતે નાખી દેવા પછી દહી મળી જાય ત્યારે તેમાં મધ ભેળવી દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી કૅન્સર મટે છે.
– તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
– કાળી તુલસી ૧૦ પાન, લીલી હળદર ૫૦ ગ્રામ, બીલીપત્ર ૩૦ પાન, ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવવા. સવારે ખૂબ મસળી, ગાળીને નરણે કોઠે પીવું. પછી ૧ કલાક સુધી કંઇ પણ ખાવું-પીવું નહીં. લગભગ ૨૧ દિવસ આ પ્રમાણે કરવાથી શરૂઆતનો ડાયાબિટિસ મટે છે.
– તુલસીના પાનનો રસ એક ચમચી પાણી સાથે લેવાથી પ્રસવની પીડા ઓછી થઇ જાય છે.
– તુલસીનાં પાનના ઉકાળાના કોગળા નિત્ય કરવાથી દાંત-પેઢાં મજબૂત થાય છે.
– તુલસીનાં પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.
– તુલસીનાં પાનનો રસ ૫-૬ ટીપાં પાણીમાં નાખીને બાળકને પીવડાવવાથી તેનાં હાડકાં મજબૂત થાય છે અને જલદી ચાલતાં શીખે છે.