Homeપુરુષતંદુરસ્તી વધારતું ખટ -મધુરું ફળ ‘ચકોતર’

તંદુરસ્તી વધારતું ખટ -મધુરું ફળ ‘ચકોતર’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

તહેવારોમાં વૈવિધ્ય-સભર મીઠાઈ-ફરસાણની લહેજત તો આપણે માણી લીધી. શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે. તો ચાલો હવામાનમાં બદલાવને કારણે આરોગ્યની સંભાળ પ્રત્યે સજાગ બનીએ. તંદુરસ્તીની દેખભાળ તરફ આગેકૂચ કરીએ તો તહેવારનો આનંદ બેવડાઈ જશે. હાલમાં એક સમાચાર એવા પણ જાણવા મળ્યા કે દિવાળી બાદ ડાયાબિટીસના દર્દીમાં ઊછાળો જોવા મળ્યો. ભારત માટે એક ચિંતાદાયક વાત ગણી શકાય. આજે આપણે જે ફળના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ફળ છે ‘ચકોતર’. જેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દી માટે અત્યંત ગુણકારી ગણાય છે. ઉત્તર ભારતમાં ઠેર-ઠેર જોવા મળતાં ગોળમટોળ ચકોતર ફળનો સ્વાદ થોડો લીબું જેવો લાગે છે. લીબું સ્વાદમાં ખાટું વધુ હોય છે. ચકોતર સ્વાદમાં ખટ-મધુરું લાગે છે. હવે તો મેટ્રો શહેરોમાં ચકોતરની હાજરી જોવા મળે છે. આકારમાં સક્કરટેટી જેવાં ગોળ પરંતુ મોસંબી જેવી આછાં લીલા રંગની છાલ ધરાવે છે. તેને કાપ્યા બાદ મોસંબી કે સંતરા જેવી તેની ચીરી કે પીસીઓ નીકળે છે. તેનો રંગ લાલ કે આછો ગુલાબી જોવા મળે છે. આપણે ત્યાં જેમ શિયાળામાં જામફળની લારી ફરતી હોય છે તેમ દિવાળી બાદ ઉત્તરાખંડ-હિમાચલ- પંજાબ-દિલ્હીની સફર કરો તો ઠેર-ઠેર ચકોતર લારીમાં વેચાતા જોવા મળે છે. નંગના હિસાબે વેચાતા ચકોતરની કિંમત લગભગ ૫૦-૮૦ રૂપિયા હોય છે. પીસીઓ અલગ પાડીને તેની ઉપર ચટપટો સ્વાદિષ્ટ ચાટ મસાલાનો છંટકાર કરીને ગ્રાહકોને પીરસવામાં આવે છે.
એશિયાઈ ખાટા ફળોમાં સ્થાન ધરાવતાં ચકોતરમાં વિટામિન સી, ખનીજ તત્ત્વો તથા ઍન્ટિ-ઑક્સિડન્ટનો ખજાનો સમાયેલો જોવા મળે છે. અંગ્રજીમાં તે ‘ગ્રેપફ્રૂટ’ તરીકે ઓળખાય છે.
ભારતમાં કેરાલા, આસામ, બૅંગલોર, ત્રિપુરામાં ચકોતર સીઝનમાં પકાવવામાં આવે છે. ૧૫૦૦ મીટરની ઊંચાઈ ઉપર પણ તેનો પાક લેવામાં આવે છે.
ચકોતરાનો ઉપયોગ પશ્ર્ચિમ બંગાળના મણીપુરમાં ધાર્મિક વિધિમાં પણ કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક તથા રસદાર ફળનું નામ દ્રાક્ષના વેલાની જેમ ઝૂમખામાં ઊગતાં હોવાથી ગ્રેપફ્રૂટ તરીકે પણ જાણીતા છે. ૧૮૦૦ની સદીમાં કરેબીયન મૂળનું ફળ ગણાય છે. પૉમેલો તરીકે પણ આ ફળ જાણીતું છે.
૯૨ ટકા પાણી ધરાવતાં ચકોતરમાં કાર્બસની માત્રા નહીંવત્ જોવા મળે છે. ૧૦૦ ગ્રામ ફળમાં ફક્ત ૭ ગ્રામ જોવા મળે છે.
નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં તેની હાજરી બજારમાં સૌથી વધુ જોવા મળે છે. વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી શરદી, ખાંસી તથા કફની તકલીફમાં ગુણકારી ગણાય છે. ચકોતરની પસંદગી કરતી વખતે તેનું વજન વધુ હોય તેવું ફળ પસંદ કરવું. તેની સુગંધ મીઠી આવતી હોય તેવું પસંદ કરવું. બે અઠવાડિયા સુધી તે સારું રહે છે. વિવિધ સલાડ, સૂપ કે ફ્રૂટડીશમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો રસ બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે.

રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા માટે ગુણકારી
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રત્યેક વ્યક્તિની રોગ પ્રતિરોધક શક્તિ સારી હોય તે અત્યંત આવશ્યક છે. ચકોતરમાં વિટામિન એ તથા વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો ભરપૂર માત્રામાં સમાયેલાં છે. શરીર માટે જરૂરી પોષક ગુણોના ખજાનાની સાથે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

બ્લડપ્રેશરની તકલીફમાં ગુણકારી
અનેક લોકો એવા જોવા મળશે કે પોતાને બ્લડપ્રેશરની તકલીફ છે તેવું જાણ્યા બાદ તે માટે ગર્વ અનુભવતા હોય છે. જે અત્યંત શરમજનક કહેવાય છે. બ્લડપ્રેશરની વ્યાધિ પ્રત્યે બેદરકાર રહેવાથી ડાયાબિટીસ, કૉલેસ્ટ્રોલ કે હૃદયની બીમારી થઈ શકે છે. બ્લડપ્રેશર ઘણું જ ખતરનાક ગણાય છે. જેને કારણે દર્દીના લોહીમાં કૉલેસ્ટ્રોલની હાજરી પણ અકારણ વધવાની શક્યતા રહેલી જોવા મળે છે. ચકોતરમાં પોટેશ્યિમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

વજનને નિયંત્રણમાં
રાખવામાં ગુણકારી
તહેવારો બાદ લગભગ પ્રત્યેક વ્યક્તિ પોતાનું વજન વધી જવાની ફરિયાદ કરતું હોય છે. ચકોતર ફળનો આહારમાં વિવિધ રીતે ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ સંબંધમાં કરવામાં આવેલાં એક પ્રયોગ દ્વારા ઉપરોક્ત વાતની સકારાત્મક્તા આસાનીથી સમજી શકાશે. એક સંશોધન દ્વારા કેટલીક વ્યક્તિને ચકોતર ફળ ખાવા માટે આપવામાં આવ્યું હતું. વળી કેટલીક વ્યક્તિને ચકોતર ફળનો રસ કાઢીને પીવા માટે આપવામાં આવ્યો હતો. તો કેટલીક વ્યક્તિને ચકોતરમાંથી બનાવવામાં આવેલી ગોળી ચોક્કસ સમય માટે ખાવા આપવામાં આવી હતી. ચોક્કસ સમય સુધી નિરીક્ષણ બાદ જાણવા મળ્યું હતું કે ચકોતરનો ઉપયોગ આહારમાં નિયમિત કરવાથી વ્યક્તિના વજનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ડાયાબિટીસના દર્દી
માટે ગુણકારી
નેશનલ સેન્ટર ફોર બાયો ટેકનોલોજી દ્વારા થોડા સમય પહેલાં એક સંશોધન પ્રકાશિત કરવામાં આવેલ હતું. તે મુજબ થોડાં ડાયાબિટીસના દર્દીઓને ભોજન પહેલાં ચકોતરનો ઉપયોગ આહારમાં ક્રવાનું કહેવામાં આવ્યું હતું. આમ કરવાથી જે તે દર્દીઓના ઈન્સ્યુલિનના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચકોતરની ગણતરી ગ્લાયસેમિક ઈન્ડેક્સ ફળમાં થાય છે. ગ્લાયસેમિક ઈન્ડેક્સ દ્વારા જાણી શકાય છે કે ભોજન કેટલું ઝડપથી બ્લડ સુગરને વધારી કે ઘટાડી શકે છે. જો કોઈપણ ખાદ્ય પદાર્થમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સની માત્રા વધુ હોય તો તે બ્લડ ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. ચકોતરનો ઉપયોગ આહારમાં કરવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.

કૅન્સરના જોખમને ઘટાડવામાં ગુણકારી
ચકોતરનો આહારમાં ઉપયોગ કરવાથી કૅન્સરના જોખમથી રક્ષણ મેળવી શકાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ચકોતરનું સેવન કરવાથી તેમાં રહેલા ઍપિજેનિન નામક ફ્લેવોનોઈડ શરીરમાં પ્રવેશવાથી કેન્સરના જીવાણુંને દૂર કરવામાં સરળતા રહે છે. ઍન્ટિ ઈન્ફ્લેમેટરી તથા ફ્રી રેડિકલનો નાશ કરવામાં સહાયક ગણાય છે. રક્તકોશિકાને પ્રભાવતિ ર્ક્યા વગર કૅન્સર સેલ્સને વધતાં અટકાવવામાં મદદ કરે છે. વળી ચકોતરમાં નગિંગીન તથા નરિંગેનીન નામક ફ્લેવોનોન્સ પણ જોવા મળે છે. ઉપરોક્ત બંને ફ્લેવોનોન્સ ભરપૂર માત્રામાં સમાયેલી હોવાથી એન્ટિ કાર્સિનોજેનિક ગુણ સમાયેલાં જોવા મળે છે. ચકોતર ફળના સેવનથી કેન્સરને વધતું રોકવામાં મદદ મળે છે.

મસાલા ચકોતર
૧ નંગ ચકોતરનું ફળ, એક વાટકી કોથમીર-ફૂદીનાના પાન ઝીણાં સમારેલાં, ૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું, સંચળ પાઉડર સ્વાદ પ્રમાણે,
અડધી ચમચી દળેલી ખાંડ, ચાટ મસાલો સ્વાદાનુસાર
બનાવવાની રીત : સૌ પ્રથમ ચકોતર ફળને બરાબર સાફ કરીને તેને છોલી લેવું. તેની પ્રત્યેક પીસી કે ચીરી બરાબર સાફ કરીને લેવી. એક બાઉલમાં તેને અડધા કરીને લેવા. કોથમીર-ફૂદીનાના પાનને ઝીણાં સમારીને કાપેલી પીસીમાં ભેળવવા. ઝીણું સમારેલું મરચું પણ ભેળવવું. સંચળ પાઉડર, દળેલી ખાંડ તથા ચાટ મસાલો ભેળવીને બરાબર હલાવી લેવું. હિમાચલમાં આ સલાડમાં કોલસાને એક વાટકીમાં ગોઠવીને તેમાં ઘી નાંખી ઘૂંગાર આપવામાં આવે છે. સ્વાદમાં આ સલાડ સાદો પણ સ્વાદિષ્ટ જ લાગે છે.

હૃદયરોગથી બચવામાં અત્યંત ગુણકારી
ચકોતર ફળના સેવનથી હૃદય સંબધિત બીમારીના જોખમને ઘટાડી શકાય છે. તેનું મુખ્ય કારણ છે ચકોતરમાં ભરપૂર પ્રમાણમાં ફ્લેવનોઈડની માત્રા જોવા મળે છે. ચકોતરમાં પાણીની માત્રા વધુ હોવાથી તેને એક લૉ કેલરી ફળ તરીકે ગણવામાં આવે છે. શરીરમાં હાઈડ્રોજનની માત્રા વધારવાની સાથે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. વળી તેને કોઈપણ મોસમમાં ખાઈ શકાય છે. હૃદય, લિવર તથા કિડનીની તકલીફને ઘટાડવામાં મદદરૂપ ગણાય છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -