Homeતરો તાજાકૂણા કૂણા મીઠાશથી ભરેલા લીલા ચણામાં સમાયેલા છે આરોગ્યવર્ધક ગુણો

કૂણા કૂણા મીઠાશથી ભરેલા લીલા ચણામાં સમાયેલા છે આરોગ્યવર્ધક ગુણો

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

હિમાચલ પ્રદેશ હોય કે હરિદ્વાર કે પછી મુંબઈની પ્રખ્યાત ચોપાટી, સહેલાણીઓ સદાબહાર ચણા ચાટની લહેજત માણવા અત્યંત આતુર જોવા મળે છે. લીલા ચણાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા સ્વાદિષ્ટ ચાટનો ઉપયોગ ભારતના લગભગ પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવતો હોય છે. તેમાં પણ વળી, શિયાળો શરૂ થાય તેની સાથે લીલા શાકભાજી, વિવિધ વસાણા, સ્વાદિષ્ટ દાળ હોય કે ફરસાણ ખાવાની એક અલગ જ મજા મળતી હોય છે. શિયાળાની મોસમ એટલે પણ ખાસ ગણાતી હોય છે, કારણકે આ મોસમમાં વિવિધ વાનગીનો સ્વાદ વધારવા ખાસ ચટણીઓનો રસાસ્વાદ માણી શકાય છે. જેમાં આમળાં, પાલક, ગાજર, વટાણા, ટમેટાની ખાસ ચટણી બનાવી શકાય છે.
આજે આપણે આવા જ એક લીલાછમ ચણા વિશે જાણકારી મેળવીશું. શિયાળામાં લીલા વટાણા, લીલી તુવેરની સાથે બજારમાં લીલા ચણા મોટા પ્રમાણમાં મળી રહે છે. કૂણા કૂણા લીલા ચણાને કાચા ખાવાનો આનંદ અલગ જ પ્રકારનો આવે છે. અનેક કુટુંબોમાં તો શિયાળો શરૂ થાય તેની સાથે જ લીલા ચણાને ફોફા સાથે શેક્યા બાદ, ધીમે ધીમે છોલીને તેની લહેજત માણવામાં આવે છે. થોડા શેકાવાને કારણે તેનો સ્વાદ મીઠાશથી ભરાઈ જાય છે. શિયાળાની વિદાય સાથે મોસમમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઝરમર વરસાદ કે કરા પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પણ અનુભવાઈ રહી છે. બજારમાં હજી પણ લીલા ચણા સારા પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. તો ચાલો આપણે લીલા ચણાના ગુણો વિશે જાણી લઈએ.
ગુજરાતમાં આપ જાઓ તો ઠેર ઠેર લીલા ચણાને તેની મોટી દાંડી સાથે જ વેચતી અનેક રેકડી જોવા મળે છે. તેને એક એક ડાળીમાંથી અલગ કરવા જરા મહેનત લાગે છે. તો બીજી તરફ દાણાને છોલવામાં પણ સમય જાય છે. આથી જ ખાસ પ્રકારના મશીનમાં તેઓ ડાળખીમાંથી લીલા ચણાને અલગ કરી આપે તેવી સગવડ આપતી અનેક રેકડી આપને નજરે પડશે. શહેરોમાં તો લીલા ચણા એકલા જ
ટોપલામાં વેચાતા મળે છે. જેથી મહેનત ખાસ કરવાની રહેતી નથી.

લીલા ચણાના સ્વાસ્થ્યવર્ધક ગુણો
પ્રોટીનનો ખજાનો સમાયેલો છે : આપણે બધા જ જાણીએ છીએ કે ચણાનો ઉપયોગ મુખ્યત્વે શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે તે માટે કરવામાં આવે છે. મહેનતનું કામ કરતાં મજૂરવર્ગ હોય કે શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે જિમમાં સતત મહેનત કરતો યુવા વર્ગ હોય.
શરીરને સારી માત્રામાં પ્રોટીન મળી રહે તે માટે ચણાનો ઉપયોગ આહારમાં કરવાનું પસંદ કરતા હોય છે. પ્રોટીન શરીરની માંસપેશીઓ, આંખ તથા વાળની તંદુરસ્તી માટે ઉપયોગી ગણાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને છે. વિટામિન એ, વિટામિન સીના ગુણોની સાથે ફાઈબર સારી માત્રામાં સમાયેલું હોવાને કારણે પાચન તંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે.
કૅન્સરના ખતરાથી
બચવામાં ઉપયોગી
ચણાનું સેવન કરવાથી શરીરમાં બ્યૂટિરેટ નામક તત્ત્વ ઉત્પન્ન થાય છે. જે કૉલોરેક્ટલ કૅન્સરના ખતરાથી બચવામાં ઉપયોગી ગણાય છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી
લીલા ચણાનું સેવન કરવાથી હૃદયના રોગોથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ છે લીલા ચણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશ્યિમ, પોટેશિયમ સમાયેલું છે. આથી લીલા ચણાના સેવન દ્વારા બ્લડ પ્રેશર તથા કૉલેસ્ટ્રોલની માત્રા લોહીમાં જળવાઈ
રહે છે.
વાળનો જથ્થો વધારવામાં મદદરૂપ
શરીરમાં પ્રોટિનની માત્રા જળવાઈ રહે તો શરીર શક્તિવર્ધક બને છે. શરીરમાં પ્રોટિનની માત્રામાં ચઢ-ઉતર થાય તો વિવિધ પ્રશ્ર્નો ઊભા થતા હોય છે. જેમ કે વાળ ખરવા. વાળ પાતળા બનવા, વાળ ટૂટવા કે વાળ વહેલા સફેદ થવા. ઉપરોક્ત મુશ્કેલીથી બચવું હોય તો લીલા ચણાનો ઉપયોગ ગુણકારી ગણાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
લીલા ચણામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. આથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વળી ફાઈબરયુક્ત ખોરાકને પચવામાં વધુ સમય લાગે છે. જેને કારણે ધીમે ધીમે વ્યક્તિનું વજન ઘટવા લાગે છે.
શક્તિવર્ધક તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી
શરીરમાં આયર્નની માત્રા જળવાઈ રહે તો વિવિધ અંગોને ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરના વિવિધ અવયવોને શક્તિ પ્રદાન થવાની સાથે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. ફક્ત એક વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે કે શરીરમાં આયર્નની માત્રા ખાદ્યપદાર્થોના સેવન દ્વારા મળવી જોઈએ. અનેક વખત એવું પણ જોવા મળે છે કે અપ્રાકૃતિક રીતે લેવામાં આવેલું આયર્ન શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
આંખો માટે અત્યંત ઉપયોગી
લીલા ચણાનો ઉપયોગ આંખની તંદુરસ્તી જાળવવા માટે અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ લીલા ચણામાં વિટામિન ઈની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે આંખોના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. આંખોની યોગ્ય કાળજી લેવામાં ના આવે તો આંખે ધૂંધળૂં દેખાવાની શરૂઆત થાય છે. તો ક્યારેક આંખે દેખાવાનું બંધ થઈ જાય તેવા કિસ્સા પણ જોવા મળે છે. ભાવે કે ના ભાવે પરંતુ વિટામિન ઈ યુક્ત આહાર-વિટામિન સી યુક્ત આહાર આંખો માટે અત્યંત આવશ્યક ગણાય છે. તેથી આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ. વળી ત્વચા સૂકી પડવાને કારણે નિષ્તેજ બની જતી હોય છે. ધીમે ધીમે કરચલી દેખાવા લાગે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ધીમે ધીમે ત્વચા કાળાશ પકડવા લાગે છે. તો ક્યારેક ત્વચા ઉપર વારંવાર ખણજવાને કારણે ત્વચા સંબંધિત રોગનો ભોગ પણ બનવું પડે છે. ત્વચા સંબંધિત વિવિધ રોગથી બચી શકાય છે.
લીલા ચણાની ટિક્કી
સામગ્રી : બાફેલા લીલા ચણા ૨ વાટકી, ૧ નંગ બાફેલું બટાકું, ૧ મોટી ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, ૧ નાની ચમચી મરી પાઉડર, ૬-૭ નંગ આખા સૂકા ધાણા, સૂકી દ્રાક્ષ ૧ નાની ચમચી, ૧ નાની ચમચી લીંબુનો રસ, ચપટી હિંગ, શેકેલા જીરા-અજમાનો પાઉડર ૧ નાની ચમચી, ૧ નાની ચમચી તલ, ૧ મોટી ચમચી છીણેલું પનીર. ચપટી એલચી પાઉડર.
બનાવવાની રીત : સૌ પ્રથમ તાજા લીલા ચણાને બાફી લેવા. તેમાં બાફેલા બટાકાને છીણીને ભેળવવું. પનીર છીણીને ભેળવવું. આદું-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, સૂકા ધાણા, સૂકી દ્રાક્ષ, જીરા-અજમાનો પાઉડર, એલચી પાઉડર, લીંબુનો રસ તથા મરીનો ભૂકો ભેળવવો. બરાબર ભેળવી દીધા બાદ ટિક્કી ઉપર તલ ભભરાવવા. ચણાને બાફ્યા હોવાને કારણે હાથેથી મસળવા અથવા મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક નૉન સ્ટીક તવા ઉપર ઘી-તેલ લગાવીને ધીમા તાપે ટિક્કી શેકી લેવી. દહીં સાથે ગરમા-ગરમ ટિક્કી પીરસવી. વ્યક્તિને આનંદિત રહેવામાં મદદરૂપ
આપણે બધા જ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. સ્વસ્થ શરીર રહેશે તો મન આનંદિત રહેશે. વિચારો સકારાત્મક રહેવાથી પણ તન-મન ખુશ રહે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન સાયન્સ દ્વારા પ્રકાશિત એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે ચણામાં ફોલેટ તથા વિટામિન બી-૬ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. આથી લીલા ચણાનું સેવન કરવાથી વ્યક્તિનો મૂડ કે સ્વભાવ આનંદિત રહે છે. વારંવાર વિચારોમાં મન પરોવાઈ જાય કે માનસિક તાણ અનુભવાય ત્યારે જો લીલા ચણાનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના મૂડમાં બદલાવ જોવા મળે છે.
લીલા ચણાનું સેવન વિવિધ રીતે કરવું શક્ય છે. જેમ કે તેને છોલીને કાચા ખાવા, તેને શેકીને ખાઈ શકાય છે. લીલા ચણાને બાફીને તેનો ચાટ બનાવીને ખાઈ શકાય છે. લીલા ચણાનું શાક કે અન્ય શાક સાથે તેને ભેળવીને ખાઈ શકાય છે. લીલા ચણાનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકાય છે. લીલા ચણાને કઢીમાં પણ ભેળવી શકાય છે. શિયાળો શરૂ થાય તથા લીલા ચણા બજારમાં મળતાથાય ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને તેના આરોગ્યવર્ધક ગુણો મેળવવા જોઈએ. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -