Homeતરો તાજા‘લીલી હળદર’ કે ‘આંબા હળદર’ શરીરને રાખે છે ‘તરો-તાજા’

‘લીલી હળદર’ કે ‘આંબા હળદર’ શરીરને રાખે છે ‘તરો-તાજા’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

શિયાળામાં ખાસ મળતી લીલી કે કાચી હળદર કે આંબા હળદરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. જે શરીરને ‘તરો-તાજા’ રાખવામાં મદદે કરે છે. જેમ શિયાળો શરૂ થાય તેની સાથે લીલા મરચાંનું તાજું અથાણું લગભગ ઘરે ઘરે બને. જેમને બનાવતાં ના આવડે તેઓ બજારમાંથી તેને સ્વાદ માટે અચૂક લાવે. તે જ રીતે કાચી હળદર કે આંબા હળદરનો ઉપયોગ શિયાળામાં ભરપૂર પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. સવારનું ભોજન હોય કે રાત્રિનું વાળુ બન્ને સમયે હળદરનું સ્થાન અચૂક થાળીમાં જોવા મળે. લીલી હળદર તથા આંબા હળદરને સ્વાદિષ્ટ બનાવવા માટે તેને ઝીણી સમારીને કે તેનું છીણ બનાવીને તેમાં લીંબુ તથા મીઠું ભેળવીને ખાવામાં આવે છે. રોટલી-ભાખરી-પરાઠા કે પૂરી સાથે તે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. રાત્રિના સમયે લીલી હળદરનો ઉપયોગ દૂધમાં કરવાથી ‘ગોલ્ડ મસાલા દૂધ’ બની જાય છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.
ગુજરાતી ગૃહિણી લગભગ બધા જ શાક ને વધુ રૂચિયુક્ત બનાવવા માટે તેમાં એક બટાકાનો ઉપયોગ અચૂક કરતી હોય છે. સૌરાષ્ટ્રની ભાષામાં દાખલો આપીએ તો રિંગણ-બટાટા કે ભીંડા બટાટા કે કોબી બટાટાનો ઉપયોગ કરીને શાકને બનાવવામાં આવે છે. બસ એ જ રીતે લીલી પીળી હળદર તથા આંબા હળદરનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઇ જાય છે. નામ પ્રમાણે આંબા હળદરનો સ્વાદ થોડો કેરી જેવો લાગે છે. તેથી તેને અંગ્રેજીમાં ‘મેંગો જિંજર’ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ‘આમ્રગન્ધ’ કે ‘પદ્મપત્રા’ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં ‘આંબા હલદી’ કહેવામાં આવે છે. ક્ધનડમાં ‘અમ્બારાસિનીહુલી’, પંજાબીમાં ‘અંબિયા હલદી’, બંગાળીમાં ‘આમ આદા’, મરાઠીમાં ‘આમ્બા હલદ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં હળદરની ખેતી કરવામાં આવે છે. આંબા હળદરની ખાસ આંબા જેવી સુવાસને કારણે તેની ગાંઠને ‘આંબા હળદર’ તરીકે ઓળખવામાં આવે છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. ત્વચા સંબંધિત સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. ચહેરાની ચમક વધારવા માટે કાચી હળદર રામબાણ ઉપાય ગણાય છે.
ભારત તથા ઈન્ડોનેશિયામાં તે વધુ જોવા મળે છે. કાચી કે લીલી હળદરનો દેખાવ સામાન્ય રીતે આદું જેવો જ હોય છે, પરંતુ અંદરથી તેનો રંગ ઘેરો પીળો એટલે કે નારંગી રંગ જોવા મળે છે. આંબા હળદરનો દેખાવ પણ આદું જેવો જ હોય છે, પરંતું કાપવાથી તેનો રંગ સફેદ જોવા મળે છે. વળી તેમાંથી એક અત્યંત મીઠી કેરીની સુગંધ આવે છે. હળદરમાં સમાયેલું ક્રક્યૂમિન નામક સત્ત્વ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી મનાય છે. તે બેક્ટેરિયા કે વાયરસથી થતાં રોગથી બચાવે છે.

જડીબૂટી સમાન કાચી હળદરના લાભ
રોગપ્રતિરોધક ક્ષમતા
વધારવામાં ઉપયોગી
કોરોના મહામારીના દિવસોમાં ઘરે ઘરે કાચી હળદરનો ઉપયોગ થવા લાગ્યો હતો. તેનું મુખ્ય કારણ હતું કે વાયરસ સામે હળદરનો ઉપયોગ, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
કૅન્સરના રોગમાં અત્યંત ગુણકારી
હળદરમાં ક્રક્યૂમિન નામક પોષક સત્ત્વ સમાયેલું છે. જે શરીરમાં કૅન્સરની કોશિકાને વધતી રોકવામાં મદદ કરે છે. પુરુષોમાં જોવા મળતાં પ્રોસ્ટેટ કૅન્સર હોય કે મહિલામાં જોવા મળતાં બ્રેસ્ટ કેન્સરના ખતરાથી બચવા માટે કાચી હળદરનો ઉપયોગ નિયમિત ભરપૂર પ્રમાણમાં કરવો આવશ્યક છે. જેમ ભોજનમાં સલાડની આવશ્યકતા છે તેવી જ ભોજનમાં કાચી હળદરની જરૂરિયાત છે. આહારમાં કાચી હળદરનો વિવિધ રીતે ઉપયોગ કરવો આવશ્યક છે. કૅન્સર બાદ તેના ઊથલાથી બચવા પણ ભોજનમાં સારી માત્રામાં કાચી હળદરનો સમાવેશ કરવો ગુણકારી
ગણાય છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
જેમનું વજન વધતું હોય તેમણે તળેલી વાનગીની પરેજીની સાથે તાજી હળદરનો સમાવેશ પ્રમાણભાન રાખીને કરવાથી ફાયદો થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે હળદરમાં સમાયેલું કરક્યૂમિન નામક સત્ત્વ શરીરના વિવિધ રોગ જેવા કે હૃદય રોગ, મોટાપો, ડાયાબિટીસ, ગેસ, અપચો કે એસિડીટીની સમસ્યાને ઘટાડવામાં મદદ કરી શકે છે. મોટાપાની સમસ્યાથી દૂર રહેવા માટે નિષ્ણાતની સલાહ મુજબ આહારમાં હળદરનો વિવિધ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે.

ત્વચા સંબંધિત
વિકારોમાં ગુણકારી
હળદરમાં સમાયેલું કરક્યૂમિન નામક સત્ત્વ ફ્રી રેડિકલ્સથી બચાવમાં મદદ કરે છે. વળી ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોવાથી મૂઢમાર વાગીને સોજો આવવો, ખરજવું કે દાદર જેવી તકલીફમાં રાહત આપવામાં મદદ કરે છે. વળી હળદરમાં યૂવી પ્રોટોક્શનનો પ્રભાવ જોવા મળે છે એટલે કે સૂર્યકિરણોથી ત્વચા ઉપર થતાં હાનિકારક પ્રભાવને રોકવામાં મદદ કરે છે. ત્વચાને ચમકીલી બનાવવાની સાથે વધુ પડતાં તૈલિય કણોને દૂર કરવામાં હળદરનો લેપ ઉપયોગી બને છે. તેથી જ કોસ્મેટિક બનાવતી કંપનીઓ હળદરનો ઉપયોગ કરીને વિવિધ ક્રિમ બનાવવાનું પસંદ કરે છે.
કાચી હળદરમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મૈગ્નેશિયમ, કૅલ્શિયમ તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. તેનો ઉપયોગ આહારમાં વિવિધ રીતે કરી શકાય છે. તેના ગોળ પતિકાં કરીને સંચળ-લીંબુ ભેળવીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. હળદરનું મિક્સ છીણ કરી શકાય છે. તેની ચટણી કે ઘીમાં શાક બનાવી શકાય છે. ગાજર-લીલી તથા આંબા હળદર, આદું, લીલા મરચાંને ભેળવીને તાજું અથાણું પણ બનાવી શકાય છે. આંબળા -હળદરનો રસ નરણાં કોઠે પીવાથી હૃદય સંબંધિત બીમારીથી રાહત મેળવી શકાય છે. તેને ઉકાળીને ચા બનાવી શકાય છે. દૂધમાં ઉકાળીને સવાર-સાંજ પીવાથી સ્વાસ્થ્યને તરો-તાજા રાખવામાં મદદ મળે છે.

શરદી-ખાંસી-ગળામાં ખરાશની વ્યાધિમાં ગુણકારી
સામાન્ય રીતે મોસમમાં બદલાવની સાથે અનેક લોકો શરદી-ખાંસી કે ગળામાં ખરાશની તકલીફનો શિકાર બનતાં હોય છે. તો ક્યારેક તાવ આવી જાય છે. તેમને માટે મોસમના બદલાવથી રાહત મેળવવા આહારમાં કાચી હળદરનો સમાવેશ કરવાથી લાંબા સમય સુધી રાહત મળે છે. કાચી હળદરનું દૂધ કે તેનું શાક પણ ખાવાથી ફાયદો થાય છે. કાચી હળદરના ટુકડાને પાણીમાં ઉકાળીને પીવાથી પણ ઉધરસમાં રાહત મળે છે. કાચી હળદરને વાટીને મધ ભેળવીને ચાટી જવાથી અવાજ સારો બને છે.

ડાયાબિટીસના રોગમાં ગુણકારી
નિષ્ણાતોનું માનવું છે કે કાચી હળદરનું સેવન કરવાથી ઈન્સ્યુલિનની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. વળી લોહીમાં શર્કરાની માત્રાને કાબૂમાં રાખવામાં હળદરમાં સમાયેલું કરક્યૂમિન નિયંત્રણમાં રાખવામાં કે તેમાં સુધારવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવામાં ગુણકારી
આજથી થોડાં વર્ષો પહેલાંની વાત કરીએ તો વાગી જાય કે શરીર ઉપર સોજો આવે તો હળદર દાબી દેવામાં આવતી અથવા તો હળદરનો લેપ લગાવવામાં આવતો. જેને કારણે દુખાવામાં ત્વરિત રાહત મળતી. સાંધાના દુખાવામાં હળદરનો આહારમાં ઉપયોગ તથા તેનો લેપ ગુણકારી ગણાય છે. શરીર માટે જડીબૂટી સમાન કામ કરે છે. હળદરને દૂધમાં ઉકાળીને પીવાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તેમને અચૂક ફાયદો થાય છે.

પાચનતંત્રને મજબૂત બનાવવામાં ગુણકારી
કાચી હળદરનું સેવન આહારમાં કરવાથી પાચનતંત્ર સંબંધિત વિવિધ વ્યાધિમાંથી છુટકારો મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ છે તેમાં સમાયેલાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કરક્યૂમિન પાચનતંત્ર સંબંધિત તકલીફમાંથી રાહત આપવામાં અગત્યની ભૂમિકા
ભજવે છે.

રાજસ્થાની કાચી હળદરનું શાક
બનાવવા માટેની સામગ્રી
૨૦૦ ગ્રામ લીલી હળદર તથા આંબા હળદર, ૧ કપ લીલા વટાણા બાફેલાં, ૧ કપ દહીં, અડધો કપ દૂધ, ૨ ચમચી ઘી વઘાર માટે, ચપટી જીરું, ૪ નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, ૨ નંગ એલચી, ૨ નંગ લવિંગ, ૧ નાનો ટુકડો તજ, ચપટી હિંગ, ૧ નાની ચમચી શાકનો મસાલો, સ્વાદાનુસાર મીઠું, ધાણાજીરું. સજાવટ માટે કોથમીર
રીત: સૌ પ્રથમ હળદરને છીણી લેવી. એક કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં જીરું નાખવું. એલચી, લવિંગ તથા તજનો ટુકડો ભેળવવો. લીલા મરચાં ભેળવીને સાંતળવું. તેમાં છીણેલી હળદર ભેળવીને ૧ મિનિટ સાંતળવું. કાચી હળદરની સુગંધ દૂર થાય એટલે તેમાં લીલા વટાણા ભેળવવા. શાકનો મસાલો, ધાણાજીરું ભેળવવું. ધીમા તાપે સીઝવવું, અડધો કપ દૂધ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. ગેસની આંચ બંધ કર્યા બાદ જ બરાબર વલોવેલું દહીં ભેળવવું. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. થોડો સમય રાખીને કાચી હળદરનું રાજસ્થાની શાક કોથમીરથી સજાવીને ગરમાગરમ રોટી-પરાઠા કે પૂરી સાથે પીરસવુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -