જીવનનું અમૃત -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
સત્ત્વ, રજ અને તમ – આ ત્રણે બુદ્ધિના ગુણ છે. આત્માના નહિ. સત્ત્વગુણના વિકાસ દ્વારા રજ અને તમ – આ બંને ગુણો પર વિજય પ્રાપ્ત કરી લેવો જોઈએ. તદનન્તર સત્ત્વગુણની શાંત વૃત્તિ દ્વારા તેની દયા આદિ વૃત્તિઓને પણ શાંત કરી દેવી જોઈએ. જ્યારે સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે ત્યારે જીવને મારા ભક્તિરૂપ સ્વધર્મની પ્રાપ્તિ થાય છે. નિરંતર સાત્ત્વિક વસ્તુઓનું સેવન કરવાથી જ સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે ત્યારે ભક્તિરૂપ સ્વધર્મની પ્રાપ્તિ
થાય છે.
શાસ્ત્ર, જળ, પ્રજા, દેશ, સમય, કર્મ, જન્મ, ધ્યાન, મંત્ર અને સંસ્કાર – આ દશ વસ્તુઓ જો સાત્ત્વિક હોય તો સત્ત્વગુણની, જો રાજસિક હોય તો રજોગુણની અને જો તામસિક હોય તો તમોગુણની વૃદ્ધિ થાય છે. વાંસોના ઘર્ષણથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમગ્ર વનને બાળીને ભસ્મ કરી નાખે છે. તેમ વિચારરૂપ મંથન કરવાથી જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થાય છે. તે સમસ્ત શરીરો અને ગુણોને બાળીને ભસ્મ કરી નાખે છે અને પછી સ્વયં શાંત થઈ જાય છે.
લગભગ બધા જ માણસો જાણે છે કે વિષય વિપત્તિઓનું ઘર છે છતાં તેઓ કૂતરાં, ગધેડાં અને બકરાંની જેમ દુ:ખ સહન કરીને પણ વિષયો જ ભોગવે છે. આમ બનવાનું કારણ શું છે?
જીવ જ્યારે અજ્ઞાનવશ પોતાના સ્વરૂપને ભૂલીને હૃદયથી સૂક્ષ્મ-સ્થૂળ વગેરે શરીરોમાં અહંબુદ્ધિ કરી બેસે છે. કે જે સર્વથા ભ્રમ છે ત્યારે તેનું સત્ત્વપ્રધાન મન ઘોર રજોગુણ તરફ ઢળે છે અને તેનાથી વ્યાપ્ત થઈ જાય છે. મનમાં રજોગુણની પ્રધાનતા થઈ, એટલે તેમાં સંકલ્પ-વિકલ્પોનો પ્રવાહ શરૂ થઈ જાય છે અને વિષયોનું ચિંતન શરૂથઈ જાય છે. પોતાની દુર્બુદ્ધિને કારણે કામના પાશમાં ફસાઈ જવાય છે. આ પાશમાંથી મુક્ત થવું અતિ કઠિન છે.
અજ્ઞાની મનુષ્ય કામવશ અનેક પ્રકારનાં કર્મ કરવા લાગે છે અને ઈન્દ્રિયોને વશીભૂત થઈને આ કર્મોનું અંતિમ ફળ દુ:ખ જ છે તેમ જાણવા છતાં તે કર્મો કરે છે. તે વખતે તે રજોગુણના તીવ્ર વેગથી મોહિત રહે છે.
જોકે વિવેકી પુરુષનું ચિત્ત પણ ક્યારેક-ક્યારેક રજોગુણ અને તમોગુણના વેગથી વિક્ષિપ્ત થઈ જાય છે. તોપણ તેમની વિષયોમાં દોષદૃષ્ટિ રહે છે. તેથી તેમની વિષયોમાં આસક્તિ થતી નથી.
સાધકે આસન અને પ્રાણવાયુ પર વિજય પ્રાપ્ત કરીને પોતાની શક્તિ અને સમય પ્રમાણે ખૂબ સાવધાનીપૂર્વક ધીમેધીમે મન પ્રભુમાં એકાગ્ર કરવું. અસફળતા મળે તો નિરાશ ન થવું. પરંતુ અતિ ઉત્સાહપૂર્વક અભ્યાસ વધારતા રહેવું. સાધકે મનને સર્વ દિશાઓમાંથી ખેંચીને વિરાટ વગેરેમાં નહિ. પરંતુ સાક્ષાત્ પ્રભુમાં જ લગાડવું.
ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્વવજીને ભગવાન તથા સનકાદિ વચ્ચે થયેલ સંવાદ સંભળાવે છે. સનકાદિ બ્રહ્માજીના માનસપુત્ર છે. એક વાર તેમણે પોતાના પિતાજીને યોગની સૂક્ષ્મ અંતિમ સીમા વિશે આ પ્રમાણે પ્રશ્ર્ન પૂછ્યો-
“પિતાજી! ચિત્ત ગુણો અર્થાત્ વિષયોમાં પ્રવિષ્ટ રહે છે અને ગુણો પણ ચિત્તની એક-એક વૃત્તિમાં પ્રવિષ્ટ રહે છે. અર્થાત્ ચિત્ત અને ગુણ અન્યોન્ય ઓતપ્રોત રહે છે. આવી સ્થિતિમાં જે પુરુષ આ સંસારસાગરથી પાર થઈને મુક્તિપદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે આ બંનેને એકબીજાથી અલગ-અલગ કેવી રીતે કરી શકે છે?
બ્રહ્માજી સર્વ દેવોના શિરોમણિ, સ્વયંભૂ અને પ્રાણીઓના જન્મદાતા છે. આમ છતાં તેઓ સનકાદિના આ પ્રશ્ર્નનું મૂળકારણ સમજી શક્યા નહિ, કારણ કે તેમની બુદ્ધિ કર્મપ્રવણ છે. તે સમયે બ્રહ્માજીએ ભક્તિભાવે ભગવાનનું ચિંતન કર્યું. ભગવાન હંસનું રૂપ ધારણ કરીને તેમની સમક્ષ પ્રગટ થયા. સનકાદિએ હંસરૂપ પ્રભુને પ્રશ્ર્ન પૂછ્યો-
“આપ કોણ છો?
આ પ્રશ્ર્ન સાંભળીને હંસભગવાન તેમને ઉત્તર આપે છે –
“બ્રાહ્મણો! પરમાર્થસ્વરૂપ વસ્તુ નાનાત્વથી સર્વથા રહિત છે, તો આત્માના સંબંધમાં આપ લોકોનો આ પ્રશ્ર્ન યુક્તિસંગત કેવી રીતે બની શકે? હું ઉત્તર આપવા માટે બોલું તોપણ કઈ જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ વગેરેનો આશ્રય લઈને બોલું? દેવો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, પક્ષીઓ વગેરે સૌ પંચભૂતાત્મક હોવાને કારણે અભિન્ન જ છે અને પારમાર્થિક રીતે પણ સૌ અભિન્ન જ છે. આ પરિસ્થિતિમાં ‘આપ કોણ છો?’ તેવો આપનો પ્રશ્ર્ન માત્ર વાણીનો વ્યવહાર છે, વિચારપૂર્વક નથી, તેથી નિરર્થક છે.
“મનથી, વાણીથી, દૃષ્ટિથી, અન્ય ઇન્દ્રિયોથી જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે, તે સર્વ હું જ છું. મારાથી ભિન્ન કશું જ નથી. આ સિદ્ધાંત તમે સો તત્ત્વવિચાર દ્વારા સમજી લો. પુત્રો! આ ચિત્ત વિષયોનું ચિંતન કરતાં-કરતાં વિષયાકાર બની જાય છે અને વિષય ચિત્તમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ હકીકત સત્ય છે. તોપણ વિષય અને ચિત્ત, આ બંને મારા સ્વરૂપભૂત જીવની ઉપાધિઓ છે. આત્માનો ચિત્ત અને વિષયો સાથે કોઈ સંબંધ નથી. વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત વિષયોમાં આસક્ત બની જાય છે અને વિષયો પણ ચિત્તમાં પ્રવિષ્ટ થઈ જાય છે – આ બંનેનો પોતાના વાસ્તવિક સ્વરૂપથી અભિન્ન પરમાત્માનો સાક્ષાત્કાર કરીને ત્યાગ કરી દેવો જોઈએ.
“જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ – આ ત્રણે અવસ્થાઓ સત્ત્વાદિ ગુણો અનુસાર થાય છે. તે બુદ્ધિની વૃત્તિઓ છે, સચ્ચિદાનંદનો સ્વભાવ નથ. આ વૃત્તિઓનો સાક્ષી હોવાને કારણે જીવ તેમનાથી વિલક્ષણ છે. આ સિદ્ધાંત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિથી યુક્ત છે. તેથી આ ત્રણે અવસ્થાઓથી વિલક્ષણ અને તેમાં અનુગત તુરીય તત્ત્વમાં સ્થિત બનીને આ બુદ્ધિના બંધનનો પરિત્યાગ કરી દો. ત્યારે ચિત્ત અને વિષયોનો યુગપત ત્યાગ થાય છે. આ બંધન અહંકારની રચના છે. પદાર્થોમાં સત્યબુદ્ધિ, અહંબુદ્ધિ અને મમબુદ્ધિનો વિચારપૂર્વક ત્યાગ કરવો જોઈએ.
“આ જગત મનનો વિલાસ છે. દેખાય છે છતાં નષ્ટપ્રાય છે, અલાતચક્રની જેમ અત્યંત ચંચલ અને ભ્રમમાત્ર છે, એમ સમજો. એક આત્મા અનેક રૂપે પ્રતીત થાય છે. દેહાદિરૂપ દૃશ્યથી દૃષ્ટિ હટાવીને તૃષ્ણારહિત ઇન્દ્રિયોના વ્યાપારથી હીન અને નિરીહ બનીને આત્માનંદના અનુભવમાં મગ્ન બની જવું. જોકે ભોજનાદિ પ્રસંગે ક્યારેક-ક્યારેક દેહાદિ પ્રપંચ પ્રતીત થાય છે. તોપણ તેને મિથ્યા સમજીને તેનો ત્યાગ થયો છે, તેથી તે ફરીથી ભ્રાન્તિમૂલક મોહ ઉત્પન્ન કરવામાં સમર્થ થઈ શકતો નથી.
“પ્રાણ અને ઇન્દ્રિયો સાથે આ શરીર પણ પ્રારબ્ધને આધીન છે. તેથી આરંભક કર્મો જ્યાં સુધી છે, ત્યાં સુધી તેમની પ્રતીક્ષા કરવાની હોય છે, પરંતુ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરનાર તથા સમાધિપર્યંત યોગમાં આરૂઢ પુરુષ સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રપંચ સહિત આ શરીરનો પછી ક્યારેય સ્વીકાર કરતા નથી.
“હે સનકાદિ ઋષિઓ! મેં તમને જે કાંઈ કહ્યું છે, તે સાંખ્ય અને યોગનું ગોપનીય રહસ્ય છે. હું ભગવાન પોતે જ છું. તેમને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ અહીં આવ્યો છું. હું યોગ, સાંખ્ય, સત્ય, ઋત, તેજ, શ્રી, કીર્તિ દમ – આ સર્વની પરમ ગતિ – પરમ અધિષ્ઠાન છું.
આ રીતે આ ‘હંસ ગીતા’ના
ઉપદેશ દ્વારા હંસરૂપે આવેલા પરમેશ્ર્વરે સનકાદિ ઋષિઓના સંશયનું નિવારણ કર્યું. (ક્રમશ:)