મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરશે તો તેની આર્થિક પ્રવૃત્તિઓ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબાર સિવાયની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩૨ સુધીનો સુધારો આવ્ો હતો, જ્યારે ઝિન્ક સ્લેબ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૪ અને રૂ. ૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. ફેડરલ ઓપન માર્કેટ કમિટી વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ અપનાવે તો તેની વૈશ્ર્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા ઘટીને ટનદીઠ ૯૦૯૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય આજે એલ્યુમિનિયમના ભાવ ૧.૯ ટકા, નિકલના ભાવ ૨.૬ ટકા, ઝિન્કના ભાવ ૧.૭ ટકા અને ટીનના ભાવ ૧.૩ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એકમાત્ર લીડના ભાવમાં ૦.૧ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૨ વધીને રૂ. ૨૨૬૦, રૂ. ૨૩ વધીને રૂ. ૨૩૨૩ અને રૂ. પાંચ વધીને રૂ. ૬૭૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૭૫૭, રૂ. ૭૪૮ અને રૂ. ૭૨૩ના મથાળે રહ્યા હતા.