Homeદેશ વિદેશમોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો: ૬૦થી વધુનાં મોત

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો: ૬૦થી વધુનાં મોત

મચ્છુ નદી પરનો બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ચોથા દિવસે જ ધરાશાયી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીમાં મચ્છુ નદી પર આવેલો વિશ્ર્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ સમારકામ કર્યાના ત્રીજા જ દિવસ બાદ તૂટી પડતા પુલ પરથી પસાર થઇ રહેલા અને સાંજના સમયે ફરવા નીકળેલા ૧૫૦થી વધુ લોકો નદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા અને અંદાજે ૬૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. નદીમાં પડેલા અને ઘાયલ થયેલા લોકો માટે તંત્ર દ્વારા મોડે સુધી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું તેમ જ આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત થઇ રહી છે. દરમિયાન, આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરીને પીડિતોને તમામ પ્રકારની મદદ કરવા તંત્રને સૂચના આપી હતી તેમ જ બચાવ કામગીરી પર વિશેષ ધ્યાન રાખવાનો પણ આદેશ આપ્યો હતો, જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ બચાવ કામગીરી અને સારવાર માટે જિલ્લા કલેકટર સાથે વાતચીત કરીને સંપર્ક ચાલુ રાખ્યો હતો.
મોરબીમાં આવેલો આ વર્ષો જૂનો અને હેરિટેજ બ્રિજ જર્જરિત થઇ જતા તંત્ર દ્વારા સાત મહિના સુધી અંદાજે રૂ. બે કરોડના ખર્ચે મરામત કામ કરવામાં આવ્યું હતું ત્યારે બાદ ૨૬મી ઑક્ટોબર નવા વર્ષના દિવસે લોકો માટે પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રવિવારે લોકો આ હેરિટેજ પુલની મજા લેવા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ દરમિયાન પુલ ખુલ્લો મુકાયાને ત્રીજા દિવસ બાદ કડડભૂસ થઇ જતાં અનેક લોકો નદીના ઊંડા પાણીમાં પડ્યાં હતાં જેમાં બાળકો અને સ્ત્રીઓની મોટી સંખ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પુલ તૂટતા જ લોકોની બચાવ માટેની બૂમરાડાથી નદીનો કાંઠો ગાજી ઊઠ્યો હતો. બીજી બાજુ તંત્રને આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ અને તરવૈયાને બચાવ કામગીરી માટે કામે લગાડવામાં આવ્યા હતા. અનેક લોકોને નદીના પાણીમાંથી કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ અને મૃતક અંગેના તંત્ર દ્વારા મોડે સુધી કોઇ આંકડા જાહેર કરવામાં આવ્યા નહોતા.
આ પુલ છેલ્લા ઘણાં સમયથી રિપેરિંગ કામને કારણે બંધ હતો. ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરિંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નૂતનવર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -