ભારે હિમવર્ષા, વરસાદ અને ખરાબ હવામાનને કારણે સ્થગિત કરવામાં આવેલી કેદારનાથ યાત્રા ગુરુવારે ફરી શરૂ કરવામાં આવી છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અશોક ભદાનેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 3જી મેના રોજ સ્થગિત કરાયેલી કેદારનાથ યાત્રા ગુરુવારે સવારે 11 વાગ્યાથી ગૌરીકુંડ અને સોનપ્રયાગથી શરૂ કરવામાં આવી છે. આ યાત્રા આજે સવારે 11 વાગ્યાથી ગૌરીકુંડ સોનપ્રયાગથી શરૂ થઇ હતી. આવી પરિસ્થિતિમાં, વહીવટીતંત્રે યાત્રાળુઓને તેમની યાત્રા શરૂ કરતા પહેલા હવામાનની આગાહી તપાસ કરી લેવાની અપીલ પણ કરી છે.
પ્રશાસને દ્વારા નાગરિકોને એવી ભલામણ પણ કરવામાં આવી છે કે ઋષિકેશ અને શ્રીનગરથી આવતી ટ્રેનોને સવારે 11 વાગ્યા પછી જ મંજૂરી આપવામાં આવશે. ત્યારે રુદ્રપ્રયાગ પ્રશાસને બુધવારે જણાવ્યું હતું કે ભારે હિમવર્ષા અને વરસાદને કારણે સ્થગિત કરાયેલી કેદારનાથ યાત્રા ગુરુવારે ફરી શરૂ કરવામાં આવશે.
જો કે, તેમણે વધુમાં એવું કહ્યું હતું કે કેદારનાથમાં દિવસભર ખરાબ હવામાનને કારણે ધામમાં ભારે ઠંડી રહેશે અને ભક્તોએ કેદારનાથ જતા પહેલા હવામાનની આગાહી તપાસી લેવી જોઈએ અને પૂરતી સાવચેતી રાખવી જોઈએ. ભારે હિમવર્ષાને કારણે બુધવારે કેદારનાથ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે ઋષિકેશ, શ્રીનગર, સોનપ્રયાગ, ગૌરીકુંડ અને ફાટા સહિત અનેક સ્થળોએ મંદિર તરફ જતા શ્રદ્ધાળુઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા.
ગઢવાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક કરણ સિંહ નાગ્યાલે આ બાબતે જણાવ્યું હતું કે કેદારનાથમાં સતત ખરાબ હવામાનને કારણે શ્રદ્ધાળુઓને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ રોકવામાં આવ્યા હતા. હવામાનની સમીક્ષા કર્યા બાદ રોજેરોજ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઋષિકેશના ડેપ્યુટી કલેક્ટર સૌરભ અસ્વાલે જણાવ્યું હતું કે પ્રશાસને ઋષિકેશની ધર્મશાળાઓ અને હોટલોની વિગતો કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યમાં ભારે ગરમી બાદ હવે સતત વરસાદને કારણે મે મહિનામાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યાં મે મહિનામાં આકરી ગરમી પડવી જોઈએ ત્યાં ઘરોમાં એસી બંધ છે, રાત્રે પણ ચાદર ઓઢીને સૂવું જરૂરી બન્યું છે.
મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, નાગરિકોએ ઉનાળામાં ગરમીથી રાહત મળશે કારણ કે મે મહિનામાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.