નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત એકસાઈઝ પોલિસી કૌભાંડ મુદ્દે તપાસનું પગેરું હવે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યું છે. સીબીઆઈએ અગાઉ કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યા પછી આજે તેમની પૂછપરછ ચાલી રહી છે ત્યારે તેમની ધરપકડ થઈ શકે એવી આમ આદમી પાર્ટી (આપ)એ શક્યતા વ્યક્ત કરી હતી. સીબીઆઈના વડામથક ખાતે અરવિંદ કેજરીવાલની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે રસ્તા પર આપના નેતા અને કાર્યકર્તાઓ આવી ગયા છે, જ્યારે અમુકની પોલીસે અટક પણ કરી છે, એવું પોલીસે જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે સીબીઆઈ પૂછપરછ કરી રહી છે ત્યારે અત્યારે સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને અન્ય પાર્ટીના મોટા નેતા સીબીઆઈના હેડ કવાર્ટરની બહાર જોવા મળ્યા હતા. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી દ્વારા સિંધુ બોર્ડર પર સૌથી મોટું વિરોધ પ્રદર્શન કરીને અરવિંદ કેજરીવાલ માટે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબના સીએમ ભગવંત માન, દિલ્હીના પ્રધાનો સૌરભ ભારદ્વાજ, આતિશી અને કૈલાશ ગેહલોત અને રાજ્યસભાના સભ્યો સંદીપ પાઠક, રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ સીબીઆઈ હેડક્વાર્ટર પાસે એકઠા થયા હતા અને પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પક્ષની કચેરીમાં ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી છે. અહીંની બેઠકમાં પક્ષના તમામ ઉચ્ચ અધિકારી, જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવ અને અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા. અહીંની બેઠકમાં દિલ્હીના મેયર, ડેપ્યૂટી મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા, એમ સત્તાવાર જણાવ્યું હતું.
પીએમ ડિગ્રી કેસમાં કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને પાઠવ્યું સમન્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ ગુજરાત યુનિવર્સિટીની સામે કથિત રીતે અપમાનજનક નિવેદન આપવા મુદ્દે ગુનાહિત માનહાનિ કેસ મુદ્દે ગુજરાતમાં અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પક્ષના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની સામે સમન્સ જાહેર કર્યું છે.
