મુંબઈમાં જ્યાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત હાલતમાં મળી આવ્યો હતો તે ફ્લેટ છેલ્લા 2.5 વર્ષથી ભાડે આપવાનો છે. જોકે, હજુ સુધી તેને લેનાર મળ્યો નથી. રિયલ એસ્ટેટ બ્રોકર, રફીક મર્ચન્ટે તાજેતરમાં જ સી-ફેસિંગ ફ્લેટની ક્લિપ પોસ્ટ કરી અને માહિતી આપી કે ફ્લેટ દર મહિને ₹ 5 લાખમાં ભાડે ઉપલબ્ધ છે.
બ્રોકરે ખુલાસો કર્યો હતો કે ફ્લેટનો માલિક એનઆરઆઈ છે. તે હવે તેનો ફ્લેટ બોલીવૂડ સેલિબ્રિટીઓને આપવા તૈયાર નથી. હાલમાં, તેઓ ભાડૂત તરીકે કોર્પોરેટ વ્યક્તિની શોધમાં છે, પણ હજી સુધી કોઇ કોર્પોરેટ વ્યક્તિ આ ફ્લેટ ભાડે લેવા તૈયાર થઇ નથી.
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને મુંબઈ પોલીસે શરૂઆતમાં તેને આત્મહત્યા ગણાવી હતી.
આ ફ્લેટમાં કોઇ નવો ભાડૂત કેમ નથી આવી રહ્યો એ અંગે પૂછતા બ્રોકરે જણાવ્યું હતું કે , જ્યારે ફ્લેટ ભાડે લેવા ઇચ્છુક લોકો એમ સાંભળે છે કે આ એ જ ફ્લેટ છે જ્યાં સુશાંત સિંહ રાજપુત મૃત્યુ પામ્યો હતો, ત્યારે લોકો આ ફ્લેટમાં જતા પણ ડરે છે. તેઓ ફ્લેટની મુલાકાત પણ લેવા માગતા નથી. હવે તો જોકે સુશાંત સિંહના મૃત્યુના સમાચાર ઘણા જૂના થઇ ગયા છે, એટલે લોકો આ ફ્લેટની મુલાકાત તો લે છે, પણ પછી ફ્લેટ ભાડે લેવા તૈયાર થતા નથી. ફ્લેટનો એનઆરઆઇ માલિક પણ ભાડુ ઓછું કરવા તૈયાર નથી. અગર એ ભાડું ઓછું કરે તો ફ્લેટ તુરંત જ ભાડે અપાઇ જાય. ભાડૂતો આ જ વિસ્તારમાં સમાન કદના અન્ય ફ્લેટ ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે તેમને આ ફ્લેટ સાથે સંકળાયેલો વિવાદ પસંદ નથી.
સુશાંતે ડિસેમ્બર 2019 થી દર મહિને લગભગ ₹ 4.5 લાખમાં આ એપાર્ટમેન્ટ લીઝ પર લીધો હતો. તે તેના રૂમમેટ અને તેની ગર્લફ્રેન્ડ-એક્ટર રિયા ચક્રવર્તી સાથે એપાર્ટમેન્ટ શેર કરી રહ્યો હતો. રિયા COVID-19 લોકડાઉન દરમિયાન તેની સાથે રહેતી હતી. સુશાંતના મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ મામલામાં નાણાકીય અને ડ્રગ્સ સંબંધિત એંગલની તપાસ કરી રહ્યા હતા.