સુરેન્દ્રનગરના થાનગઢમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હૃદયમાં કાણા સાથે જન્મેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું બે દિવસ પહેલા મોત નીપજ્યું હતું જે બાદ બાળકીની વિધિવત રીતે દફનવિધિ કરાઈ હતી. પરંતુ બીજા દિવસે બાળકીની મૃત દેહ જમીન ઉપર અસ્તવ્યસ્ત હાલતમાં પથ્થરો નીચે દટાયેલો મળી આવ્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
બનવાની માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢમાં હૃદયની ખામી સાથે જન્મેલી દોઢ વર્ષની બાળકીને 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ બાળકીના મૃતદેહની દફનવિધિ કરી. જે બાદ બીજા દિવસે બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
પોલીસે મૃતદેહ થાનગઢની આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવ્યો છે જ્યાં વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે નરાધમને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોએ આ હેવાનિયત આચરનાર નરાધમને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.