સુરતના કામરેજ પાસેના અંત્રોલી નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વેલંજાથી નવી પારડી જતી બોલેરો પિકઅપ ટ્રકના આગળના વ્હીલનું ટાયર ફાટી જતાં ડિવાઈડર કુદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટ લીધા હતા. જેમાં એક દંપતી સહીત સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનની નંબરપ્લેટ ધરાવતો બોલેરો પિકઅપ ટ્રક રવિવારે રાત્રે વેલંજા- નવી પારડી રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અંત્રોલી ગામ પાસે પહોંચતા અચાનક જ ડ્રાઈવર સાઈડના આગળના વ્હીલનું ટાયર ફાટી ગયું હતુ. ટાયર ફાટતા ડ્રાયવરે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો. પિકઅપ ટ્રક ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર તરફથી આવી રહેલા બાઈક સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતા ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે.
દંપતી રવિવાર હોવાથી રજા માણવા ફાર્મ હાઉસમાં ગયું હતું. ત્યાંથી રાત્રે ઘરે પરત જતી વેળા કાળ ભરખી ગયો હતો. આ ઘટના બાદ પિકઅપ ટ્રકનો ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કામરેજ પોલીસે ગુનો નોંધી વાહનના માલિકની શોધખોળ શરુ કરી છે.