આતંકવાદી હુમલાથી બચવવાના દાવા કરતી ભાજપની સરકાર ગુજરાતના લોકોને રખડતા ઢોરના આંતકથી બચાવી શકતી નથી. રાજ્યમાં લગભગ નિયમિતપણે ઢોરને લીધે થતાં અકસ્માતો બનતા જ રહે છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં જંગલી જનાવરોનું જોખમ હોય તે તો સમજ્યા, પરંતુ અમદાવાદ-સુરત-વડોદરા જેવા શહેરોમાં શ્વાનનો આતંક લોકોને અને ખાસ કરીને બાળકે તેમ જ વૃદ્ધોને પજવી રહ્યો છે.
થોડા દિવસો પહેલા જ શ્વાનના હુમલાને કારણે સુરતના વરાછા વિસ્તારની બાળકીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું પરંતુ ફરી એક વખત વેડરોડ વિસ્તારમાં એક બાદ એક ત્રણ જેટલા કિસ્સાઓમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના બની છે. જેને કારણે લોકોમાં શ્વાનોના હુમલાને લઈને ભય ફેલાયો છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. ઈંટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક જ શ્વાને તેને જોતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો એકત્રિત થઈ જતા બાળકીને છોડાવી હતી.
સુરત વેડરોડ વિસ્તારમાં શ્વાને બાળકીના હાથમાં અને પગમાં કરડી લીધા હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કરી દીધો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકાં ભરી લીધાં હતાં.
બાળકી જ્યારે બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો દોડી આવતા લોકોનું ટોળું એકત્રિત થઈ જતા શ્વાન નાસી ગયો હતો. અગાઉ વડોદરા ખાતે એક વૃદ્ધાને શ્વાને ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. એકલા અમદાવાદમાં વર્ષભરમાં લગભગ 400થી વધારે શ્વાન કરડવાના કિસ્સા નોંધાયા છે ત્યારે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ સમસ્યાના ઉકેલની જરૂર છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો ભોગ બાળકો બની રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોમા રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ લોકો માટે અસહ્ય બની રહ્યો છે.