સુરતના વરાછા વિસ્તારના વિધાનસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ ઓપરેટરોનો વચ્ચેના વિવાદમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી બસોને કારણે શહેરમાં ટ્રાફિક વધતો હોવા અંગેનો પત્ર કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લખ્યો હતો, જેને લઈને બસ ઓપરેટરોએ નિર્ણય કર્યો હતો કે શહેરમાં એક પણ બસ નહિ પ્રવેશે મુસાફરોને હાઈવે પર ઉતારી દેવામાં આવશે. મુસાફરોને શહેર બહાર વાલક પાટીયા પાસે ઉતારી દેવામાં આવી રહ્યા છે. જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દરરોજ સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં મુસાફરો ખાનગી બસ મારફતે સુરત આવતા હોય છે. વહેલી સવારે આવતી બસ સુરતમાં પ્રવેશ કરી શહેરના વરાછા, કાપોદ્રા, કતારગામ, રેલવે સ્ટેશન, અડાજણ સહિત વિસ્તારોમાં બસ જતી હતી. વિવાદને પગલે બસ ઓપરેટરો એ મુસાફરોને વહેલી સવારે શહેરની બહાર વાલક પાટીયા પાસે ઉતારી દીધા હતા. જેને કારણે મુસાફરોને મોંઘુ રીક્ષા ભાડું ચૂકવીને ઘરે જવું પડે છે. મુસાફરોના કહેવા મુજબ સુરત પહોંચવા માટે જે બસ ભાડું થાય છે એટલા રૂપિયા સુરત પહોંચી રીક્ષામાં ઘરે પહોંચવામાં જતા રહે છે. વહેલી સવારથી જ શહેરની બહાર મુસાફરોને ઉતારી દેતા રીક્ષા ચાલકો બેથી પાંચ ગણું ભાડું વસૂલી રહ્યા છે.
વિધાનસભ્ય કુમાર કાનાણીએ શહેરમાં ખાનગી બસને કારણે ટ્રાફિક થતો હોવાનો ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જાહેરનામાના સમય મર્યાદા છોડીને શહેરમાં ફરતી લક્ઝરી બસો પર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.