નવી દિલ્હીઃ દિલ્હી સરકાર વિરુદ્ધ લેફ્ટનન્ટ ગવર્નર કેસ અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી નાખી છે કે જનતા દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર જ શક્તિશાળી છે અને એ જ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ કરવાનો અધિકાર રહે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે કેજરીવાલ સરકારનું કદ વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ હતા. બેન્ચે કહ્યું કે લોકશાહી અને સંઘીય માળખું બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો દિલ્હીમાં વહીવટી સર્વિસના નિયંત્રણ અને અધિકાર સંબંધમાં છે અને તેને લઈ કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી પોલીસ, જમીન અને પબ્લિક ઓર્ડર પર કેન્દ્રનો અધિકાર છે, પરંતુ બાકી તમામ મુદ્દો પર ચૂંટી કાઢવામાં આવેલી સરકારનો અધિકાર રહેશે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી રાજ્યના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. હાલની સરકાર પાસે અધિકારીના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર રહેશે. ચૂંટવામાં આવેલી સરકારના નિર્દેશ દ્વારા અધિકારી કામ કરશે, જ્યારે દિલ્હીનો વિકાસ હવે ઝડપથી થશે. દરમિયાન આપ (આમ આદમી પાર્ટી)એ કહ્યું હતું કે દિલ્હીવાસીઓને કામકાજ કરતા રોકવામાં હવે અધિકારીઓ પાસે પાવર રહેશે નહીં. આ કેસમાં ચુકાદો આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી રાજ્યપાલનું કદ ઘટી ગયું છે, જ્યારે રાજ્ય સરકારનું કદ વધ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે વહીવટી મુદ્દામાં રાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ માનવી પડશે. જોકે કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે કલમ ૨૩૯એએ દિલ્હી વિધાનસભાને ઘણી સત્તાઓ આપે છે, પરંતુ કેન્દ્ર સાથે સંતુલન જાળવવામાં આવ્યું છે. દિલ્હીની બાબતોમાં પણ સંસદની સત્તા છે.
લેફ્ટનન્ટ ગવર્નર (એલજી)ની કાર્યકારી સત્તા એવી બાબતો પર હોય છે, જે વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવતી નથી. લોકશાહીમાં ચૂંટાયેલી સરકારને સત્તા મળવી જોઈએ. જો રાજ્ય સરકાર તેની સેવામાં હાજર અધિકારીઓ પર અંકુશ રાખતી નથી તો તેઓ તેમની વાત સાંભળશે નહીં.
1991થી 2013 સુધી દિલ્હીમાં રાજ્ય સરકાર અને રાજ્યપાલ અંગે બધુ બરાબર ચાલતું હતું, પરંતુ રાજકીય પક્ષોએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરતા રહ્યા હતા. 2013માં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર બની ત્યાર બાદ રાજ્યપાલની સાથે ઘર્ષણ વધ્યું હતું, તેથી વિવિધ બાબતને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 2018માં પણ સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે ચુકાદો આપતા કહ્યું હતું કે પોલીસ, જમીન અને પબ્લિક ઓર્ડરને છોડીને બાકી અન્ય બાબતમાં દિલ્હી સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. ત્યારબાદ 14 ફેબ્રુઆરી, 2019માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિક અશોક ભૂષણની બેન્ચે ચુકાદો આપ્યો હતો, જેમાં બે જજના અલગ નિર્ણય હતા.