Homeદેશ વિદેશસુપ્રીમનો ચુકાદો: કેજરીવાલ સર્વસત્તાધીશ, શિંદે સરકાર યથાવત્‌‍

સુપ્રીમનો ચુકાદો: કેજરીવાલ સર્વસત્તાધીશ, શિંદે સરકાર યથાવત્‌‍

નવી દિલ્હી: ગુરૂવારનો દિવસ રાષ્ટ્રીય રાજધાનીમાં બેઠેલા અરવિંદ કેજરીવાલ અને આર્થિક રાજધાનીમાં બેઠેલા એકનાથ શિંદે બન્ને માટે શુભ સમાચાર લાવ્યો હતો. કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી રાજ્ય સરકારના અધિકારોના કાનૂની જંગમાં અરવિંદ કેજરીવાલ જીતી ગયા છે.
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એકનાથ શિંદે સરકારને અભયદાન મળ્યું છે. મહારાષ્ટ્ર સરકાર ટકી ગઈ છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમનો નિર્ણય ભારે પડ્યો છે. જો તેમણે વિધાનસભામાં શક્તિપ્રદર્શન-ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું ન આપ્યું હોત તો તેમને સત્તામાં પાછા આવવાની એક તક મળી હોત. ગુરૂવારના ચુકાદાની વધુ ખાસિયત એ હતી કે બન્ને ચુકાદા સર્વસંમતિથી લેવાયા હતા.

એલજી સામેના ગજગ્રાહમાં કેજરીવાલની જીત
નવી દિલ્હી: દિલ્હીની રાજ્ય સરકારના અધિકારો બાબતે ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે ગુરૂવારે જણાવ્યું હતું કે ખરી સત્તા ચૂંટાયેલી સરકારના હસ્તક રહેવી જોઇએ. આ ચુકાદો અરવિંદ કેજરીવાલ પ્રણિત આમ આદમી પાર્ટીની સરકાર માટે મોટો વિજય ગણાય છે. દિલ્હીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના કાનૂની વિવાદમાં સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે સર્વસંમત ચુકાદો આપ્યો હતો. બેન્ચના અન્ય જજીસમાં જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ કૃષ્ણમુરારી, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ પી.એસ. નરસિંહાનો સમાવેશ હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાઓ તેમને દિલ્હી વિધાનસભાની ધારાકીય સત્તાઓમાં હસ્તક્ષેપની છૂટ આપતી નથી. કાયદો અને વ્યવસ્થા તેમ જ જમીન સંબંધી બાબતોને બાદ કરતાં લેફ્ટનન્ટ ગવર્નરે તેમને રાષ્ટ્રપતિ તરફથી સોંપાયેલી સત્તાનો ઉપયોગ કરવાનો હોય છે. કારોબારીએ દિલ્હી વિધાનસભાના અધિકાર ક્ષેત્રની બહારની બાબતોમાં કામ કરવાનું રહે છે. લેફ્ટનન્ટ ગવર્નર નેશનલ કેપિટલ ટેરિટરી (એનસીટી)ના સર્વસત્તાધિશ નથી. જો લેફ્ટનન્ટ ગવર્નર સર્વસત્તાધિશ હોય તો દિલ્હીનું અલગ ચૂંટાયેલું તંત્ર રાખવું નિરર્થક ગણાય. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર તેના અધિકારીઓ પર અંકુશ રાખે, એ આદર્શ સ્થિતિ ગણાય.
ચીફ જસ્ટિસે ધનંજય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે જો લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓ પર અંકુશ ન રાખવા દેવાય અને અધિકારીઓને સરકારને ઉત્તરદાયી ન બનાવવા દેવાય તો વિધાનસભાની સામૂહિક જવાબદારી શિથિલ બને છે. અધિકારીને એમ લાગે કે ચૂંટાયેલી સરકાર તેનું અપમાન કરે છે, તો તેમને એમ લાગે કે તેઓ જવાબદાર નથી. લોકતંત્રનો સિદ્ધાંત, સમવાયતંત્રના મૂળભૂત માળખાનો હિસ્સો છે. તેને કારણે બહુવિધ હિતો સચવાય છે અને બહુવિધ જરૂરિયાતોની પૂર્ણતાની મોકળાશ થાય છે. દિલ્હીની સરકાર મતદારો દ્વારા ચૂંટાયેલી હોવાથી પ્રાતિનિધિક લોકશાહીનાં મૂળ મજબૂત બનાવવાની દૃષ્ટિએ તેનું અર્થઘટન કરવું જોઇએ.
બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2019ના `દિલ્હીની સર્વિસિસ પર દિલ્હી રાજ્ય સરકારનો અધિકાર કે કેન્દ્ર સરકારનો અધિકાર’ એ વિષય પરના વિભાજિત ચુકાદામાં જસ્ટિસ અશોક ભૂષણના અભિપ્રાય સાથે સંમત નથી.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હીનાં શિક્ષણ પ્રધાન અને આમ આદમી પાર્ટીનાં પ્રવક્તા અતિષી માર્લેનાએ જણાવ્યું હતું કે લગભગ નવ વર્ષની કાનૂની લડત બાદ કેજરીવાલ સરકારને તેનો હક મળ્યો છે. દિલ્હીના પર્યાવરણ ખાતાના પ્રધાન ગોપાલ રાય અને આરોગ્ય ખાતાના પ્રધાન સૌરભ ભારદ્વાજે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને વધાવી લીધો હતો. તેમણે સર્વોચ્ચ અદાલત લોકતંત્રની પડખે રહી હોવાનું જણાવ્યું હતું. (એજન્સી)
—————
શિંદે સરકાર ટકી ગઈ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેનામાં શિંદે જૂથના બળવાને પગલે ત્રણ પક્ષોની મહાવિકાસ આઘાડી સરકારના પતન માટે કારણભૂત રાજકીય કટોકટી સંબંધી કેટલીક અરજીઓ બાબતે સર્વસંમત ચુકાદામાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે જૂથના ભરત ગોગાવલેની શિવસેના જૂથના વ્હીપ તરીકે નિમણૂક `કાયદા વિરુદ્ધ’ હતી. બેન્ચમાં જસ્ટિસ હિમા કોહલી,
જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ કૃષ્ણમુરારી અને જસ્ટિસ પી.એસ. નરસિંહાનો પણ સમાવેશ હતો. ઉદ્ધવ ઠાકરેને ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપવાનું રાજ્યપાલનું પગલું યોગ્ય નહોતું. કરણકે તેમની પાસે ઉદ્ધવ ઠાકરે ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા હોવાની ધારણા રાખવા માટે આધારભૂત સામગ્રી નહોતી. રાજ્યપાલે જે ઠરાવ પર આધાર રાખ્યો, એ ઠરાવમાં વિધાનસભ્યો મહાવિકાસ આઘાડી સરકારમાંથી બહાર નીકળવા ઇચ્છતા હોવાનું ફલિત થતું નહોતું. કેટલાક વિધાનસભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યાનું પત્રક રાજ્યપાલ માટે `ગૃહમાં બહુમતીની કસોટી’ માટે સક્ષમ કારણ બનતું નથી. હવે ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં વિશ્વાસનો મત લેતાં પહેલાં રાજીનામું આપી દીધું હતું, તેથી મૂળ સ્થિતિ ફરી સ્થાપવા-સ્ટેટસ ક્વો ઍન્ટેનો આદેશ પણ આપી શકાય એમ નથી.
બેન્ચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત સામાન્ય રીતે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કિસ્સામાં નિર્ણય ન લઈ શકે. બેન્ચે આ બાબતમાં એકનાથ શિંદે તથા અન્ય વિધાનસભ્યો સામેની અરજીઓ બાબતે વાજબી સમયગાળામાં નિર્ણય લેવાની મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સૂચના આપી હતી. બંધારણના દસમા શેડ્યુલ અનુસાર અદાલત ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની બાબતોમાં નિર્ણય ન લઈ શકે. આવી બાબતોમાં અદાલતે નિર્ણય લેવો પડે એવા અસાધારણ સંજોગો ઊભા થયા નથી. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરૂવારે જણાવ્યું હતું કે તેઓ સર્વોચ્ચ અદાલતની સૂચના પ્રમાણે રાજકીય સંગઠન તરીકે ઓરિજિનલ શિવસેનાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે, એ બાબતનો નિર્ણય લેવાની કામગીરી વાજબી સમયગાળામાં પૂરી કરશે. (એજન્સી)
————-
કેબિનેટ વિસ્તરણનો માર્ગ સાફ, ભાજપના નવ મંત્રી અને શિંદે જૂથના સાત વિધાનસભ્ય શપથ લેશે
વિપુલ વૈદ્ય
મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષનો ચુકાદો આપ્યો હતો. આ પરિણામ બાદ હવે રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણનો અટકી ગયેલો મુદ્દો સામે આવ્યો છે. કોર્ટના ચુકાદા બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આ મુજબ, સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આ અટકેલું વિસ્તરણ ટૂંક સમયમાં થશે. આ વિસ્તરણમાં ભાજપના 9 અને શિંદે જૂથના 7 પ્રધાનો શપથ લેશે અને બે અપક્ષોને પણ તક મળે તેવી શક્યતા છે.
10 મહિના બાદ આખરે સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ પર પોતાનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે પરિણામ વાંચ્યું અને 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષને સોંપવામાં આવ્યો. કોર્ટના આ ચુકાદાએ સાબિત કર્યું છે કે એકનાથ શિંદેની સરકાર ચાલુ રહેશે.
હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. તે પછી તરત જ કેબિનેટ વિસ્તરણની પ્રક્રિયા શ કરવામાં આવશે એવું જાણવા મળે છે. કુલ 19 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં આ વખતે કેટલાક પ્રધાનોના ખાતાઓમાં પણ ફેરબદલ કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
હાલમાં કેબિનેટમાં 20 પ્રધાનો છે. અટકેલા વિસ્તરણને કારણે એક જ પ્રધાન પાસે બેથી ચાર મંત્રાલયોનો હવાલો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છ જિલ્લાનું પાલક પ્રધાન પદ ધરાવે છે. મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ મહેસૂલ પ્રધાન પદની સાથે નગર અને સોલાપુર જિલ્લાના પાલક પ્રધાન પદ પણ ધરાવે છે. સહકાર મંત્રી અતુલ સાવે જાલના અને બીડ જિલ્લાના પાલક પ્રધાનપદનો હવાલો સંભાળે છે. કેટલાક વધુ પ્રધાનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.
તેથી મંત્રીમંડળનું વિસ્તરણ કરવું જરી છે. જો કે સત્તા સંઘર્ષનું કોઈ પરિણામ ન હતું તેથી મંત્રીમંડળનું વિસ્તરણ અટકાવવામાં આવ્યું હતું. પ્રક્રિયામાં વિલંબના કારણે પ્રધાનપદની રાહ જોઈ રહેલા ધારાસભ્યોની બેચેની વધી રહી છે. કેટલાક ધારાસભ્યોએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે સરકારનું ટેન્શન વધી ગયું હતું.
શું મહિલાઓને તક મળશે?
રાજ્ય કેબિનેટમાં કોઈ મહિલા મંત્રી નથી. તેથી રાજ્ય સરકાર હંમેશા વિપક્ષના નિશાના પર રહી છે. હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. એવું કહેવાય છે કે કેબિનેટ વિસ્તરણની પ્રક્રિયા શ થઈ ગઈ છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રધાનોને કામની ફાળવણી કરવામાં આવશે. હવે આ વિસ્તરણમાં મંત્રીપદ પર કોને તક મળશે, કોને કયું ખાતું મળશે, કોનું ખાતું છીનવી લેવામાં આવશે અને કોને આપવામાં આવશે તે જોવું અગત્યનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -